ભાજપે ઉમેદવાર બનાવ્યાં છતાં ભોજપુરી સ્ટારે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી, વિપક્ષે કર્યો કટાક્ષ
પવન સિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા
Lok Sabha 2024: ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર પવન સિંહે આસનસોલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે માહિતી આપી છે. પવન સિંહે લખ્યું છે કે, 'હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં.' પવન સિંહની આ પોસ્ટને રિપોસ્ટ કરતાં તૃણમૂલના મહાસચિવ અભિષેક બેનરજીએ તેમની આકરી ટીકા કરી છે. અભિષેક બેનર્જીએ લખ્યું, 'પશ્ચિમ બંગાળના લોકોની અદમ્ય ભાવના અને શક્તિ.'
શનિવારે જ ભાજપ દ્વારા 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં પવન સિંહનું નામ પણ સામેલ હતું. ભાજપે તેમને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યાંથી તૃણમૂલના શત્રુઘ્ન સિંહા સાંસદ છે.
બીજેપી ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલા જ પવન સિંહ લોકસભા ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. બિહારની આરા બેઠક પરથી પણ તેમને ઉમેદવાર બનાવવાની અટકળો ચાલી રહી હતી. ભાજપે તેમને બિહારને બદલે પશ્ચિમ બંગાળમાંથી મેદાનમાં ઉતાર્યા છે. આસનસોલ લોકસભા ક્ષેત્ર ઝારખંડને અડીને આવેલું છે અને અહીં બિહારી મતદારોની સંખ્યા વધુ છે. પવન સિંહ અહીં ભાજપ માટે મોટું પરિબળ સાબિત થઈ શકે છે. હવે તેમણે ઉમેદવાર બનવાની ના પાડી દીધી હોવાથી ભાજપે નવા ઉમેદવારની શોધ કરવી પડી શકે છે.