પહેલા રેલ દુર્ઘટના પર રાજીનામું આપી દેતા હતા અને હવે...: બંગાળમાં ટ્રેન દુર્ઘટના પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી
Image Source: Twitter
Kanchanjungha Train Accident: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આજે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક માલગાડીએ પાછળથી કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનાને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આ અંગે કોંગ્રેસ નેતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
પવન ખેડાએ કહ્યું કે, આ ઘટનાથી ફરી એક વખત કોરોમંડલ એક્સપ્રેસ જેવી દુર્ઘટનાની યાદ આવે છે. એક વંદે ભારત ચલાવી દેવાથી અન્ય રેલવેની સ્થિતિ સારી નથી થઈ જતી. તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના ઘટના સ્થળ પર પહોંચવા અંગે પણ કટાક્ષ કર્યો છે.
પહેલા રેલ દુર્ઘટના પર રાજીનામું આપી દેતા હતા
પવન ખેડાએ કહ્યું કે, અશ્વિની વૈષ્ણવે દેશ પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. એક જમાનામાં મંત્રી રાજીનામું આપી દેતા હતા પરંતુ તેઓ એ વાતમાં પણ પ્રશંસા મેળવી રહ્યા છે કે, તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, પશ્ચિમ બંગાળમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં ઘણા મુસાફરોના મોતના સમાચાર દુઃખદાયક છે. કોંગ્રેસ પરિવારની સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ઘાયલો ઝડપથી સાજા થાય એવી કામના છે.
ટ્રેન દુર્ઘટનામાં 10 લોકોના મોત
માલગાડી અને સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ વચ્ચે થયેલી ટક્કરના કારણે અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 25 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ઉત્તર બંગાળના જલપાઈગુડી સ્ટેશનથી લગભગ સાત કિલોમીટર દૂર થયો હતો.
પીડિતોને સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો : રેલવે મંત્રી
પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 'દુર્ઘટનાના પીડિતોને આપવામાં આવતી સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મૃતકના પરિજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાઓ પહોંચી છે તેઓને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને 2 લાખ જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી હતી.