ચૂંટણી બાદ નીતિશ કુમારને મોટો ઝટકો, બિહારમાં મળતી 65% અનામત પટણા હાઈકોર્ટે રદ કરી
Patna high Court Big decision on Reservation | બિહાર સરકાર દ્વારા અનામતનો દાયરો વધારવાના નિર્ણયને પટણા હાઈકોર્ટે રદ કરી દીધો છે. આ ચુકાદા સાથે જ બિહારની નીતિશ કુમારની સરકારને લોકસભા ચૂંટણી બાદ આ પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે બિહારનો એ કાયદો રદ કરી દીધો જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 50 ટકા અનામતનો દાયરો આગળ વધારીને 65 ટકા કરાયો હતો. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.
કોર્ટમાં શું થયું?
બિહારમાં અનામતનો દાયરો વધારવા મામલે નીતિશ કુમારની સરકારને હાઈકોર્ટે જોરદાર ઝટકો આપ્યો. અનામતનો દાયરો 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય હાઈકોર્ટે રદ કરી દીધો છે. એટલે કે હવે તે 50 ટકા જ રહેશે. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાનો તથા સરકારી નોકરીઓમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગને 65 ટકા અનામત આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યા બાદ આ ચુકાદો સંભળાવ્યો હતો.
અગાઉ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો
કોર્ટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને રદ કરવાનો આદેશ કર્યો છે. અરજદાર ગૌરવ કુમાર અને અન્યો દ્વારા દાખલ અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી અગાઉ ચુકાદો 11 માર્ચે અનામત રખાયો હતો. જેના પર પટણા હાઈકોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો હતો.