અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 2 યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો
Illegal Indian Immigrants Deported: પંજાબ પોલીસે પટિયાલાના રાજપુરાથી બે યુવાનોની ધરપકડ કરી છે જેમને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2023માં રાજપુરામાં બંને વિરુદ્ધ હત્યાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી. જે બાદ બંને ફરાર થઈ ગયા હતા. ધરપકડ કરાયેલા બે યુવાનોના નામ સંદીપ અને પ્રદીપ છે.
8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
અહેવાલો અનુસાર, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. આ વખતે દેશનિકાલ કરાયેલા તમામ 8 ગુજરાતીઓ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના રહેવાસી છે. જેમાં 6 પુરુષો અને 2 મહિલાઓ છે. દરેકને પોલીસ સુરક્ષા હેઠળ એરપોર્ટથી બહાર કાઢવામાં આવશે અને તેમના ઘરે મોકલી દેવામાં આવશે. અગાઉ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 33 ગુજરાતીઓનું એક જૂથ અમદાવાદ પહોંચ્યું હતું.
120 ગેરકાયદે ભારતીયોને લઈને બીજુ વિમાન અમૃતસર પહોંચ્યું હતું
અમેરિકાથી દેશનિકાલ કરવા માટે 120 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક ખાસ વિમાન શનિવારે (15મી ફેબ્રુઆરી) મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. આમાંથી 60થી વધુ પંજાબના અને 30 થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજો સમૂહ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, પોલીસની ગાડીઓમાં રવાના
ઉલ્લેખનિય છે કે, પાંચમી ફેબ્રુઆરીના રોજ 104 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન વિમાન પણ અમૃતસરમાં ઉતર્યું હતું. તેમાંથી, હરિયાણા અને ગુજરાતના 33-33 અને પંજાબના 30 હતા. મોટાભાગના દેશનિકાલ કરાયેલા લોકોએ કહ્યું કે, 'અમે અમારા પરિવારોને વધુ સારું જીવન પૂરું પાડવા માટે અમેરિકામાં સ્થાયી થવા માંગે છે.' અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 157 ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (16મી ફેબ્રુઆરી) અમૃતસર પહોંચવાની ધારણા છે. તેમાંથી 59 હરિયાણાના, 52 પંજાબના, 31 ગુજરાતના અને બાકીના અન્ય રાજ્યોના છે.