હવે આવું ક્યારેય નહીં કરીએ: પતંજલિ આયુર્વેદે ભ્રામક જાહેરખબર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં માંગી માફી
ભ્રામક જાહેરખબરોને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે પતંજલિ સામે કડક વલણ દાખવ્યું હતું
આ પછી, પતંજલિ દ્વારા એફિડેવિટમાં બિનશરતી માફી માંગવામાં આવી છે
Patanjalis apology to supreme court in ads case: પતંજલિ આયુર્વેદ ઉત્પાદનો અને તેની તબીબી અસરો સંબંધિત ભ્રામક જાહેરખબરો અંગે સુપ્રીમ કોર્ટે કડક કાર્યવાહી કર્યાના એક દિવસ બાદ પતંજલિએ બિનશરતી માફી માંગી છે. ભ્રામક જાહેરખબરો અંગે ચાલી રહેલી સુનાવણીમાં પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ એફિડેવિટ રજૂ કર્યું છે. તેણે આ બાબતે દિલગીરી વ્યક્ત કરી અને માફી માંગી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને 2 એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ સાથે માંગી માફી
અગાઉ, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ વિરુદ્ધ ભ્રામક જાહેરખબરો અંગેની અવમાનનાની કાર્યવાહી માટે 2 એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ પતંજલિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવી છે.
બાંયધરીનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી
જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પતંજલિ અને કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણને અગાઉ જારી કરાયેલી કોર્ટ નોટિસનો જવાબ ન દાખલ કરવા બદલ ઝાટકણી કરી હતી. તેમના વિરુદ્ધ પગલા લેતા તેમને નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે કોર્ટને આપવામાં આવેલા બાંયધરીનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ.
આચાર્ય બાલકૃષ્ણએ આપ્યું એફિડેવિટ
હવે, સુપ્રીમ કોર્ટના આદેશ પછી, આચાર્ય બાલકૃષ્ણએ તેમના સોગંદનામામાં કહ્યું કે, 'હવે આવી જાહેરખબર ક્યારેય નહીં આપીએ.' કંપની દ્વારા જારી કરવામાં આવેલી જાહેરખબરોમાં બીપી, સુગર, અસ્થમા અને અન્ય રોગોને સંપૂર્ણ રીતે મટાડવાનો દાવો કરવામાં આવ્યો છે.
બાબા રામદેવ પર એલોપેથિક દવાઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ
સુપ્રીમ કોર્ટ 'ઇન્ડિયન મેડિકલ એસોસિએશન' (IMA)ની અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં બાબા રામદેવ પર કોવિડ વિરોધી રસીકરણ અભિયાન અને એલોપેથિક દવાઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાબતે કોર્ટે કહ્યું કે, તેને બાબા રામદેવને કારણ બતાવો નોટિસ જારી કરવી યોગ્ય લાગે છે કારણ કે પતંજલિ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરખબરો 21 નવેમ્બર, 2023ના રોજ કોર્ટમાં આપવામાં આવેલી એફિડેવિટનો વિષય છે. બાબા રામદેવે આ વાતની પુષ્ટિ કરી હોવાનું જણાય છે.