મુસાફરોને ગ્રાહક તરીકે હક નથી, દરેક નિયમો એરલાઈન્સ નક્કી કરે છે

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
મુસાફરોને ગ્રાહક તરીકે હક નથી, દરેક નિયમો એરલાઈન્સ નક્કી કરે છે 1 - image


- હવાઈયાત્રા હવે આરામદાયી અને ઝડપી સફરના બદલે દોજખ બની રહી છે

- સિક્યુરીટીના નામે બે કલાક વહેલા એરપોર્ટ પહોંચવાનું હવે કંટાળાજનક લાગે છે

- મોલ જેવા એરપોર્ટ ઉપર પાણી કે નાસ્તાનો ભાવ ફાઈવ સ્ટાર હોટેલ જેવો, ટેક્સીના ભાડાં ટિકિટ કરતા વધારે 

સ્લીપરમાં ફરતો સામાન્ય માણસ પણ વિમાનમાં બેસી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે એવા ઉદ્દેશ સાથે દેશમાં એરપોર્ટ, એરલાઈન્સ અને તેને સંબંધિત ચીજોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉડાન સેવા હેઠળ નાના શહેરોને જોડવા માટે ખાસ યોજના અમલમાં છે. દેશમાં વધુને વધુ દુર્ગમ સ્થળોએ એરપોર્ટ બની રહ્યા છે અને વર્તમાન એરપોર્ટનું વિસ્તરણ કે નવીનીકરણ થઇ રહ્યું છે. લગભગ ૩૦૦૦ જેટલી ફ્લાઈટ દૈનિક સવા ચાર લાખ મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. હવાઈ સફરમાં નવા વિક્રમો સ્થાપવામાં આવી રહ્યા છે. એરલાઈન્સ કંપનીઓએ ૨૦૨૩માં સિવિલ એવિએશનની ગ્લોબલ હિસ્ટ્રીમાં સૌથી મોટા ઓર્ડર આપી નવા વિમાનો ખરીદવાની જાહેરાત કરી છે. 

દેશમાં ૩૦ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ૧૦૩ એરપોર્ટ સાથે સ્થાનિક મુસાફરોની દ્રષ્ટિએ (એટલે કે ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિકમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. જોકે, મુસાફરો અને ફ્લાઈટની દ્રષ્ટિએ સૌથી મહત્વનો હિસ્સો દિલ્હી અને મુંબઈ એરપોર્ટનો છે. વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં કુલ ૧૩.૬ કરોડ મુસાફરોએ દેશમાં હવાઈ મુસાફરી કરી હતી તેમાંથી દિલ્હી એરપોર્ટ ઉપર ૬.૫૩ કરોડ (૪૮ ટકા) અને મુંબઈ એરપોર્ટ ઉપર ૪.૪ કરોડ (૩૨.૩ ટકા) મુસાફરોની આવાગમન થઇ હતી. આમ, આ બન્ને એરપોર્ટ ભારતના સિવિલ એવિએશન ક્ષેત્રનો આધારસ્તંભ છે. 

ઉત્તર ભારતમાં આવેલા દિલ્હીની આસપાસનું વાતાવરણ પડકારજનક છે અને એટલે સૌથી વધુ ફ્લાઈટ મોડી ઉપડવી, રદ્દ થવી કે સમય કરતા મોડી પહોંચવાની સમસ્યા પણ દિલ્હીમાં સૌથી વધારે રહે છે. ડિસેમ્બર મહિનામાં દેશમાં જે ફ્લાઈટ રદ્દ થયેલી તેમાં ૬૫ ટકા આબોહવાના કારણે ભોગ બની હોવાનો ડીરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)નો અહેવાલ છે. કોઇપણ એરલાઈન્સ પકડો તેની સમયબદ્ધતાના માપદંડમાં દેશના ટોચના પાંચ એરપોર્ટમાં દિલ્હી આવતું નથી. સરેરાશ ૫૭.૯ ટકા ફ્લાઈટ જ આ એરપોર્ટ ઉપર સમયસર ઉપડે કે ઉતરે છે એમ ડીજીસીએના આંકડા સૂચવે છે.  દિલ્હીની પડકારજનક આબોહવા, દૈનિક ૧૪૦૦ જેટલી ફ્લાઈટ અને જંગી પેસેન્જરની સંખ્યા વચ્ચે ટ્રાફિક હેન્ડલિંગ ક્ષમતા વિકસી શકી નથી. ભારે ધુમ્મસના કારણે પાઈલોટને ચડાણ અને ઉતરાણ માટે વિઝીબીલિટી નહી હોવાથી હવાઈ સેવાઓ ખોરવાય જાય છે. દર વર્ષે આ સમસ્યા જોવા મળે છે. શિયાળામાં ધુમ્મસ અને દિવાળી આસપાસના દિવસોમાં પંજાબ અને હરિયાણાના ખેતરોમાં પરાલી બાળવામાં આવતા ધુમાડાના કારણે પીક મુસાફરીની સિઝનમાં ફ્લાઈટ મોડી કે રદ્દ કરવા ફરજ પડે છે. 

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉડ્ડયન અને ઉતરાણ માટે કુલ ચાર રન-વે છે. જેમાંથી બેમાં રીપેરીંગ ચાલી રહ્યું હોવાથી અત્યારે બંધ છે. ભારે ધુમ્સ્સ અને જ્યારે વિઝીબીલિટી ૫૦ મીટરથી પણ ઓછી હોય ત્યારે એર ટ્રાફિક કન્ટ્રોલમાં કેટેગરી થ્રી (કેટ થ્રી) સજ્જ રન-વે જરૂરી છે. આ ઇકવીપમેન્ટની મદદથી પાઈલોટ ઓછુ દેખાતું હોય તો પણ ફ્લાઈટને સરળતાથી ઉડાવી કે ઉતરાણ કરાવી શકે છે. અત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર માત્ર એક જ રન-વે ઉપર આ શ્રેણીના ઇકવીપમેન્ટ છે. બીજા રન-વે ઉપર આ સુવિધા છે પણ નેશનલ હાઈ-વેનું એક કામ ચાલી રહ્યું છે અને રન-વેમાં સમારકામ એટલે એ બંધ છે. આ સ્થિતિમાં ધુમ્મસ જેટલા દિવસ રહેશે એટલા દિવસ મુસાફરોએ સહન કરવું જ પડશે. 

કારણ કે મુસાફરોને એરલાઈન્સ કંપનીઓ, સિવિલ એવિએશન સત્તાવાળાઓ ગ્રાહક ગણતા નથી. ઉલટું, વિમાની મુસાફરી કંટાળાજનક, મુશ્કેલભરી અને કમનસીબે ફ્લાઈટ મોડી હોય તો નરક જેવી બની ગઈ છે. આનું કારણ છે કે મુસાફરોને સમગ્ર પ્રક્રિયામાં કોઈ ભૂમિકા નથી. ફ્લાઈટનો સમય, ઉપડવા માટે હવાઈ મથકે પહોંચવા અને ઉતરાણ પછી સ્થાનકે પહોચવા માટે જે સવલતો છે તેમાં તે સંપૂર્ણ ભગવાન ભરોસે છે. એરપોર્ટમાં આગમનથી લઇ ફ્લાઈટ સુધી પહોંચવા માટે તેણે બેગ ચેક-ઇન, સિક્યુરીટી ચેક અને બોર્ડીંગ ગેટ સુધીના કોઠા વીંધવા પડે છે. દરેક સમયે તેની સામે, તેના સામાનને શંકાની નજરે જોવામાં આવે છે. એટલી હદે નિયમો સિક્યુરીટી અને એરલાઈન્સની તરફેણમાં બનેલા છે કે મુસાફર તો ભગવાન ભરોસે જ હોય!

એરોબ્રીજ ઉપર ત્રણ કલાક સુધી મુસાફરોને બેસાડી રાખવા - ન એરક્રાફ્ટ બોર્ડીંગ થાય કે નહી ટર્મિનલ ઉપર પરત જવા મળે. લગભગ જેલ જેવી સ્થિતિમાં વોશરૂમ જવાનું પણ શક્ય નથી. આવી જ હાલત ફ્લાઈટ બોર્ડીંગ કર્યા પછીની હોય છે. એરક્રાફ્ટનું ઇંધણ બચાવવા માટે એરકંડીશનર બંધ હોય, મુસાફરોને બેલ્ટ બાંધી બેઠું રહેવાનું અને લેવોટરીનો ઉપયોગ પણ નહી કરવાનો. લગભગ ચાર થી ૧૦ કલાક આ રીતે મુસાફર બેઠો રહે તો શું થાય? સ્વાભાવિક છે કે ઝડપથી પોતાના કામ, ઘરે કે મીટીંગ માટે પહોચવા ફ્લાઈટ પકડનારની ધીરજ ખૂટી જાય. નિયમો પણ કેવા? એક વખત એરક્રાફ્ટમાં બેસો એટલે તમે ક્રૂ અને કેપ્ટનના ભરોસે. એ માલિક અને તમે ગુલામ! સોમવારે ગોવા દિલ્હી ફ્લાઈટને ૧૦ કલાકના વિલંબ પછી મુંબઈ ડાઈવર્ટ કરવા ફરજ પડી હતી. સૌથી ચોંકાવનારી ઘટના એ છે કે મુસાફરોને પ્લેનમાંથી ઉતારી એરપોર્ટની જમીન ઉપર જ નાસ્તો પીરસી દેવામાં આવ્યો હતો. બિચારો મુસાફર જમીન ઉપર પલાઠી વાળી નાસ્તો કરવા મજબૂર બન્યો હતો. સરકારે મુંબઈ એરપોર્ટ અને એરલાઈન્સ બન્નેને નોટીસ ફટકારી છે. પરંતુ, આ રીતે જો કોઈ મુસાફરે આપમેળે નાસ્તો કર્યો હોત તો તેની સામે કાયદેસરના પગલાં લેવાયા હોત. તેની ધરપકડ પણ થઇ શકે.

પાણીની બોટલ કે ઠંડાપીણાં સામે તમે બોર્ડીંગ ગેટથી આગળ જઈ શકતા નથી. જાહેર હિતમાં તે કાયદેસર નથી. પરંતુ, રૂપિયા પાંચ કે ૧૦ની પાણીની બોટલ વિમાનમાં ક્રૂ મેમ્બર સહુલિયત તરીકે રૂ. ૧૫૦માં વેચી શકે છે. રૂ. ૫૦ની સેન્ડવીચના રૂ.૩૫૦ વસૂલી શકે છે અને ગ્રાહક તરીકે મુસાફરો પાસે તેનો કોઈ ઉકેલ નથી. દેશમાં સૌથી વધુ બજાર હિસ્સો ધરાવતી ઈન્ડીગો એરલાઈન્સ વર્ષે રૂ.૭૬૭ કરોડના પીણાં-નાસ્તા હવાઈ મુસાફરી દરમિયાન વેચે છે. આ વેચાણનો આંકડો દેશભરમાં ફેલાયેલા બાર્બેકયું નેશનના ૭૭ શહેરોમાં આવેલા રેસ્ટોરન્ટના કુલ વાર્ષિક વેચાણ કરતા વધારે છે! 

એરપોર્ટ પણ હવે લકઝરીયસ મોલ બની ગયા છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ કે બેંગ્લોર જેવા એરપોર્ટ ઉપર સિક્યુરીટીના નિયમો પણ અલગ - અલગ છે. કોઈ જગ્યાએ એવી રીતે સ્ક્રીનીંગ થાય છે કે જાણે દરેક મુસાફર બોમ્બ લઇને નીકળ્યો હોય! ભીડ એટલી હોય છે કે જાણે સ્ટેટ ટ્રાન્સપોર્ટનું બસ સ્ટોપ. મુસાફરોને ગ્રાહક નહી સમજવામાં આવે ત્યાં સુધી હવાઈ યાત્રા વધુને વધુ વિકટ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.


Google NewsGoogle News