પ્રવાસીને ચેક-ઈન બેગ લેન્ડિંગ પછી 30 મિનિટમાં મળી જવી જોઈએ: બીસીએએસ
નવા નિયમથી પ્રવાસીઓને રાહત મળવાની આશા
મુંબઈ, 19મી ફેબ્રુઆરી 2024, સોમવાર
હવાઈ મુસાફરી દરમિયાન ગંતવ્ય હવાઇમથક પર ઉતરાણ પછી પ્રવાસીઓએ તેમની ચેક-ઈન બેગ મેળવવા બેગ કલેક્શન એરિયામાં લાંબો રાહ જોવાનો ત્રાસ વેઠવો પડે છે. તે પાસું હવે સરકારી તપાસ હેઠળ આવ્યું છે અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ)એ એરલાઈન્સને ઉતરાણ પછી મુસાફરોની ચેક-ઈન બેગની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. આ આદેશ અનુસાર એરલાઈન્સે ઉતરાણના 10 મિનિટની અંદર પ્રથમ ચેક-ઇન બેગ અને 30 મિનિટની અંદર છેલ્લી બેગ આપી દેવી જરૂરી છે.
એર ઇન્ડિયા, ઇન્ડિગો, અકાસા, સ્પાઇસજેટ, વિસ્તારા, એર ઇન્ડિયા એક્સપ્રેસ કનેક્ટ અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સહિતની એરલાઇન્સને આ સમય મર્યાદાને પહોંચી વળવા પગલાં અમલમાં મૂકવા માટે 26 ફેબ્રુઆરી સુધી દસ દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. ઉતરાણ પછી વિમાનનું એન્જિન બંધ થાય ત્યારે આ સમય મર્યાદા શરૃ થશે. ખાસ કરીને છેલ્લી ચેક-ઈન બેગ સમયસર મળવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સિવિલ એવિયેશન મંત્રાલય દ્વારા જારી ઓપરેશન, મેનેજમેન્ટ અને ડિલિવરી એગ્રીમેન્ટ (ઓએમડીએ)ની સેવાની ગુણવત્તાની જરૂરીયાતમાંથી આ નિર્દેશોની પ્રેરણા મળી છે.
જાન્યુઆરીમાં બીસીએએસએ છ મુખ્ય એરપોર્ટ ખાતે બેગેજના સમયનું નિરીક્ષણ કર્યું હતું અને એરલાઈન્સના પરફોર્મન્સની નિયમિત સમીક્ષા કરી હતી. સુધારા કરાયા હોવા છતાં તેમાં નિર્ધારીત નિર્દેશો મુજબ સાતત્ય નહોતું જણાયું. મંત્રાલયે વિશેષમાં જણાવ્યું કે આ નિરીક્ષણ એરલાઈન્સ દ્વારા અપાતી સેવાના તમામ એરપોર્ટ પર કરાશે. બીસીએએસ મુજબ એવિયેશન ક્ષેત્રમાં એકંદર સેવા ગુણવત્તા પર ભાર મુકવા માટે નિર્ધારીત સમય મર્યાદાનું પાલન અત્યંત જરૃરી છે. એરલાઈન્સને નક્કી કરાયેલી સમય મર્યાદાનું પાલન તમામ એરપોર્ટ પર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.