NDAમાં ડેમેજ કંટ્રોલ: દિગ્ગજ નેતાને એક પણ બેઠક ન મળી છતાં ભાજપને આપશે સમર્થન

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
NDAમાં ડેમેજ કંટ્રોલ: દિગ્ગજ નેતાને એક પણ બેઠક ન મળી છતાં ભાજપને આપશે સમર્થન 1 - image


Lok Sabha Elections 2024: બિહારમાં એનડીએની બેઠકોની વહેંચણીમાં આરએલજેપીના વડા પશુપતિ પારસ ખાલી હાથે રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એક પણ બેઠક મળી નથી. ત્યારે એવા અહેવાલો વહેતા થયા હતા કે,પશુપતિ પારસ હવે એનડીએ સામે બળવો કરી શકે છે અને તે I.N.D.I.A ગઠબંધનમાં જોડાય શકે છે, પરંતુ હવે પશુપતિ પારસે સ્પષ્ટપણે કહ્યું છે કે, તે એનડીએ સાથે જ રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું 'અમારી પાર્ટી આરએલજેપી એનડીએનો અભિન્ન ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમારા નેતા છે અને તેમના નિર્ણય અમારા માટે સર્વોપરી છે. તેમના નેતૃત્વ હેઠળ એનડીએ સમગ્ર દેશમાં 400 પ્લસ બેઠકો જીતશે અને ત્રીજીવાર એનડીએ રેકોર્ડ બ્રેક બહુમતી સાથે સરકાર બનાવશે.'

પશુપતિ પારસનું કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું 

નોંધનીય છે કે, એનડીએમાં એક પણ બેઠક ન મળતા પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમણે કહ્યું હતું કે, મારી સાથે અને મારી પાર્ટી સાથે અન્યાય થયો છે. અમને એક પણ બેઠક આપવામાં આવી નથી.' રાજીનામું આપતા પહેલા પશુપતિ પારસે કેન્દ્ર સરકારમાં ફૂડ એન્ડ પ્રોસેસિંગ મંત્રી હતી. પશુપતિ પારસ ચિરાગ પાસવાનના એલજેપીઆરને બેઠક શેરિંગમાં પાચ લોકસભા બેઠક મળવાથી નારાજ હતા. તેમની સૌથી મોટી નારાજગી એ હતી કે, પાર્ટીને એક પણ બેઠક આપવામાં આવી નથી. તેમજ બેઠક વહેંચણીની જાહેરાત પહેલા તેમની સાથે વાત પણ કરવામાં આવી નહતી.

બિહારમાં એનડીએમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા શું છે?

બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકની વહેંચણીનું ચિત્ર સ્પષ્ટ છે. બીજેપી બિહારમાં 17 બેઠક પર ચૂંટણી લડી રહી છે. જેડીયુના ખાતામાં 16 બેઠકો આવી છે. અન્ય સહયોગીઓની વાત કરીએ તો ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને પાંચ બેઠક , જીતન રામ માંઝીની પાર્ટી હમને એક બેઠક અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળને પણ એક બેઠક મળી છે. પરંતુ આમાં પશુપતિ પારસની આરએલજેપીને એક પણ બેઠક આપવામાં આવી નથી.

I.N.D.I.A ગઠબંધનમાં જોડાવાની અટકળો

અહેવાલો અનુસાર, પશુપતિ પારસે એનડીએ ગઠબંધનમાં બેઠક મળે તે માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા. આ માટે તેમણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, 'જો એમને યોગ્ય સન્માન નહી આપવામાં આવે તો અમારી પાર્ટી સ્વતંત્ર છે અને અમારા દરવાજા ખુલ્લા છે. અમે ગમે ત્યાં જવા માટે તૈયાર થઈશું.' એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બેઠક વહેંચણીના નિર્ણય બાદ પશુપતિ પારસ પણ I.N.D.I.A ગઠબંધનમાં જોડાવા પર વિચાર કરી રહ્યા છે.

NDAમાં ડેમેજ કંટ્રોલ: દિગ્ગજ નેતાને એક પણ બેઠક ન મળી છતાં ભાજપને આપશે સમર્થન 2 - image


Google NewsGoogle News