શૂઝ બાદ હવે સાડી વહેંચતા પકડાયા ભાજપ નેતા પ્રવેશ વર્મા, ચૂંટણીપંચે નોંધાવી વધુ એક FIR
Delhi Assembly Elections: દિલ્હી વિધાનસભા ચૂંટણી આગામી 5 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવેશ વર્મા એક પછી એક કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ રહ્યા છે. જૂતા વહેંચવાના આરોપમાં FIR બાદ ચૂંટણી પંચે પ્રવેશ વર્મા વિરુદ્ધ વધુ એક કેસ દાખલ કર્યો છે. પ્રવેશ વર્માના ઘરે સાડીઓ વહેંચવામાં આવી રહી હોવાનો વીડિયોનો આધાર લઈ રિટર્નિંગ ઓફિસરે FIR નોંધાવી છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાન પર હુમલાથી રાજકારણ ગરમાયું, રાજ્યની કાયદો-વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
વીડિયોમાં પ્રવેશ વર્માના ઘરે સાડીઓ વહેંચાઈ રહી છે
નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમના x હેન્ડલ પર પ્રવેશ વર્મા વિરુદ્ધ નોંધાયેલા નવા કેસની માહિતી આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, યુટ્યુબ પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, નવી દિલ્હી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માના ઘરે સાડીઓ વહેંચવામાં આવી રહી છે. જે આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે.
પુરાવાના આધારે ઓફિસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ અંગે વધુ માહિતી આપતાં ચૂંટણી પંચે કહ્યું કે, આ માહિતી મળતાં અમે તાત્કાલિક એક ફ્લાઈંગ સ્ક્વોડ ઘટના સ્થળે મોકલી હતી. જેમાં તપાસ દરમિયાન સ્થળ પર આવી કોઈ પ્રવૃત્તિ જોવા મળી ન હતી. જોકે, વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, કે સાડીઓનું વિતરણ થઈ રહ્યું હતું. આ પુરાવાના આધારે નવી દિલ્હી સીટના રિટર્નિંગ ઓફિસરે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી. પોલીસને સમગ્ર મામલાની તપાસ કરવા અને લોક પ્રતિનિધિત્વ કાયદા સંબંધિત કલમો અને અન્ય કાયદાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : બેથી વધુ બાળકો હશે તે જ લડી શકશે ચૂંટણી: ચંદ્રબાબુ નાયડુની જાહેરાત
ચૂંટણી તંત્ર કાર્યવાહી કરી રહ્યું નથી, એવા આરોપો પાયાવિહોણા
પ્રવેશ વર્મા સામે કાર્યવાહી ન કરવાના આમ આદમી પાર્ટીના આરોપોનો પણ જવાબ આપવામાં આવ્યો છે. કમિશને કહ્યું કે, ચૂંટણી તંત્ર કાર્યવાહી કરી રહ્યું નથી, તેવા આરોપો પાયાવિહોણા છે. જિલ્લા ચૂંટણી કાર્યાલય આચારસંહિતાના કડક અમલ કરાવવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ ઉલ્લંઘનની સક્રિય નોંધ લેવામાં આવી રહી છે.