Get The App

દિલ્હીમાં ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ મહિલાઓ સામે ખોળો પાથર્યો, વાયદાઓની ભરમાર કરી

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
દિલ્હીમાં ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ મહિલાઓ સામે ખોળો પાથર્યો, વાયદાઓની ભરમાર કરી 1 - image

Delhi election 2025 : દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે મફત રેવડીનો વિરોધ કરી રહેલા ભાજપે 15 વર્ષથી રાજ્યમાં સત્તા પર આવવાનું તેનું સપનું સાકાર કરવા મહિલાઓ માટે વચનોની લ્હાણી કરી છે. ચૂંટણી જીતવા માટે મહિલાઓને આકર્ષવામાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ પાછળ નથી. દેશમાં 2021માં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ મહિલાઓ માટે રોકડ લાભ સ્કીમ 'લક્ષ્મી ભંડાર યોજના' રજૂ કર્યા પછી દેશમાં યોજાયેલી લગભગ બધી જ ચૂંટણીઓમાં પક્ષો દ્વારા મહિલાઓ માટે આ પ્રકારની યોજનાઓ રજૂ કરવાનું ચલણ વધી ગયું છે, જેનો તેમને લાભ પણ મળ્યો છે. 

દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે બધા જ રાજકીય પક્ષોએ મહિલાઓ પર ફોકસ વધાર્યું છે. દિલ્હીની મહિલાઓને રિઝવવા માટે આપ, ભાજપ અને કોંગ્રેસે તેમની બધી જ તાકત લગાવી દીધી છે. ત્રણેય મોટા પક્ષોએ મહિલાઓ માટે એકથી ચઢિયાતી એક યોજનાઓ રજૂ કરી છે.

ભાજપે શુક્રવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા મહિલાઓ માટે માસિક રૂ. 2500ની સન્માન રકમ આપવાની જાહેરાત કરી છે. આ સાથે ભાજપે વિધાનસભા ચૂંટણી જીતે તો એલપીજી સિલિન્ડરમાં રૂ. 500ની માફી, વિધવા, નિરાધાર મહિલાઓને પેન્શનની રકમ રૂ. 2500થી વધારીને રૂ. 3000 કરવાનું વચન આપ્યું છે. આ સિવાય 60 વર્ષથી વધુ વયના બધા જ વૃદ્ધોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર અપાશે. માતૃ સુરક્ષા વંદનાને વધુ શક્તિશાળી બનાવવા માટે 6 પોષણ કીટ અપાશે અને પ્રત્યેક ગર્ભવતી મહિલાને રૂ. 21000 આપવાની જાહેરાત કરી છે.

ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ સંકલ્પ પત્ર જાહેર કરતા કહ્યું કે, રાજ્ય કેબિનેટની પહેલી જ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજના પાસ કરાશે. આ સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે કેજરીવાલ સરકારની વર્તમાન સ્કીમો પણ બંધ નહીં કરવામાં આવે. નડ્ડાએ કહ્યું ગરીબ પરિવારોને એલપીજી સિલિન્ડરમાં રૂ. 500ની સબસિડી સાથે હોળી અને દિવાળી સમયે વર્ષમાં બે મફત સિલિન્ડર પણ અપાશે. આ સિવાય ભાજપની સરકાર બનતા કેન્દ્રની આયુષ્યમાન યોજના પણ લાગુ કરાશે. તેમણે ઉમેર્યું કે, ઝુંપડપટ્ટીમાં રૂ. 5માં ભરપેટ ભોજન આપવા માટે અટલ કેન્ટિન યોજના લોન્ચ કરાશે.

દિલ્હીમાં મહિલાઓને આકર્ષવા માટે શાસક પક્ષ આમ આદમી પાર્ટી પણ પાછળ નથી. આપે મહિલા સન્માન યોજના હેઠળ અપાતી રકમ રૂ. 1000થી વધારીને રૂ. 2100 કરવાની જાહેરાત કરી છે. આ સિવાય આપે અત્યાર સુધીમાં મફત વીજળી, પાણી, મફત બસ પ્રવાસ જેવી યોજનાઓ ચાલુ રાખવાનું પણ જણાવ્યું છે. આ સાથે 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર કરાવવાની યોજના પણ રજૂ કરી છે. આપે ચૂંટણી જીતતા વિદ્યાર્થીઓને મફત બસ પ્રવાસની સુવિધાની જાહેરાત કરી છે.

કોંગ્રેસે પણ દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે તે સત્તામાં આવશે તો એલપીજી સિલિન્ડરમાં રૂ. 500ની સબસિડી, મફત રાશન કિટ અને 300 યુનિટ મફત વીજળી અપાશે. મહિલાઓને આકર્ષવા કોંગ્રેસે મોંઘવારી મુક્તિ યોજના હેઠળ રૂ. 500માં સિલિન્ડર અને મફત રાશન કીટ આપવાની વાત કરી છે. આ સિવાય માસિક રૂ. 2500 આર્થિક મદદ અને રૂ. 25 લાખનો સ્વાસ્થ્ય વીમો આપવાનું પણ વચન આપ્યું છે.


Google NewsGoogle News