રક્ષા સંબંધિત મામલાઓની સંસદીય સ્થાયી સમિતિની બેઠક, પહલગામ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો
Parliamentary Standing Committee Meeting: પહલગામ હુમલા બાદ ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ બની ગયા છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 7 દિવસ પછી સોમવારે દિલ્હીમાં બોલાવાયેલી રક્ષા સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી.
સંસદીય સમિતિની બેઠકમાં રાહુલ ગાંધી પણ રહ્યા હાજર
આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. બેઠકનો એજન્ડા સંરક્ષણ આધુનિકીકરણ અને શસ્ત્રોના સોદાઓ સાથે સંબંધિત હતો. જોકે, સમિતિના સભ્યોએ પહલગામ હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેના કારણે ઘણી ચર્ચા થઈ. તેમજ બેઠક સંસદ એનેક્સી બિલ્ડિંગમાં 1 કલાક ચાલી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ રાજનાથ સિંહ સાથે કરી હતી મુલાકાત
સંસદીય સમિતિની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે આજે સવારે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પીએમ નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને પહલગામ હુમલા સંબંધિત માહિતી આપી હતી. આ પહેલા રાજનાથ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણને મળ્યા અને કાશ્મીરમાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત 3 દિવસ પહેલા એક સર્વપક્ષીય બેઠક પણ યોજાઈ હતી, જેની અધ્યક્ષતા સંરક્ષણમંત્રીએ કરી હતી.