સંસદના શિયાળુ સત્રમાં પ્રજાના કરોડો રૂપિયાનું ધોવાણ: માત્ર ચાર જ દિવસ ચાલી ચર્ચા, જુઓ હિસાબ
Parliament Session Work Report 2024 : સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલ્યું હતું. આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ‘ધક્કામુક્કી’ પણ થઈ હતી, જેમાં ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે સંસદની આ તમામ ઘટનાક્રમ વચ્ચે કામ કેટલું થયું, તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે સંસદ દેશની જનતાના ટેક્સના પૈસાથી જ ચાલે છે. તો જાણીએ સંસદ ચલાવવા માટે કેટલો ખર્ચ થાય છે.
લોકસભાના ત્રીજા સત્રમાં 20 બેઠકો યોજાઈ
18મી લોકસભાના ત્રીજા સત્ર દરમિયાન લોકસભાની 20 બેઠકો યોજાઈ હતી, જે 62 કલાક સુધી ચાલી હતી. લોકસભાના ત્રીજા સત્ર દરમિયાન 57.87% કામગીરી થઈ હતી, જેમાં પાંચ સરકારી બિલ રજૂ કરાયા હતા અને ચાર બિલ પસાર કરાયા હતા. શૂન્યકાળમાં જાહેર મહત્વની 182 બાબતો અને નિયમ 377 હેઠળ 397 મુદ્દાઓ ઉઠાવાયા હતા.
લોકસભામાં અન્ય શું કામગીરી થઈ
ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પરની ચર્ચા 13 ડિસેમ્બરે શરૂ થઈ અને 14 ડિસેમ્બરે સમાપ્ત થઈ હતી. બે નવા ચૂંટાયેલા સભ્યોએ 28 નવેમ્બરે શપથ લીધા હતા. સત્ર દરમિયાન લોકસભામાં 17 ડિસેમ્બરે આર્મેનિયા પ્રજાસત્તાકની રાષ્ટ્રીય સભાના પ્રમુખ એલેન સિમોનિયનના નેતૃત્વમાં આર્મેનિયાના સંસદીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંસદમાં દર મિનિટે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ
ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરતા પહેલા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે, રાજ્યસભાના 266માં સત્રમાં માત્ર 40.03 ટકા કામકાજ થયું છે. ગૃહમાં માત્ર 43.27 કલાકની કામગીરી થઈ છે. આ દરમિયાન બે બિલ પાસ થયા અને ભારત-ચીન સંબંધો પર વિદેશ મંત્રીનું નિવેદન આપવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ સંસદમાં દર મિનિટે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે એક કલાકમાં અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
18મી લોકસભાના ત્રીજા સત્રનો હિસાબ
18માં લોકસભામાં અત્યાર સુધીના તમામ સત્રોમાં સૌથી ઓછું કામ થયું છે. લોકસભામાં કુલ 57% જ્યારે રાજ્યસભામાં 40% કામગીરી થઈ છે. આ દરમિયાન ચાર દિવસ સુધી બંધારણ પર ચર્ચા ચાલી હતી, જ્યારે બાકીનો સમય ઘોંઘાટ અને હંગામો જોવા મળ્યો છે. 26 દિવસમાં માત્ર 19 બેઠકો જ યોજાઈ શકી છે.
સંસદમાં કામકાજમાં સતત ઘટાડો
સંસદમાં કુલ 10 સત્રો યોજાયા હતા, જેમાં કામકાજમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. 18મી લોકસભાના બજેટ સત્ર દરમિયાન 135% જ્યારે રાજ્યસભામાં 112% કામગીરી થઈ હતી. મોટાભાગના બિલો રજૂઆતના બે અઠવાડિયામાં પસાર થઈ જાય છે, જોકે 17મી લોકસભામાં 274 બેઠકો 222 બિલ પાસ કરાયા હતા. એક કલાક કરતાં ઓછા સમયમાં એક તૃતીયાંશ બિલ પસાર થયા હતા, જ્યારે સ્થાયી સમિતિને માત્ર 16% બિલ મોકલવામાં આવ્યા હતા. 17મી લોકસભામાં માત્ર 1,354 કલાક કામ થયું હતું, જેમાં 15માંથી 11 સત્રો સમય પહેલા મુલતવી રખાયા હતા.
સંસદની બેઠકોમાં સતત ઘટાડો
સંસદની બેઠકો દરમિયાન પ્રજાના પ્રશ્નો અંગેની કામગીરી ઓછી જોવા મળી રહી છે, જ્યારે શોરબકોર અને હોબાળો સતત જોવા મળી રહ્યો છે. પ્રથમ લોકસભામાં એક વર્ષમાં 135 બેઠકો યોજાઈ હતી, જ્યારે ગત લોકસભામાં એક વર્ષમાં માત્ર 55 બેઠકો થઈ હતી.
આ પણ વાંચો : જાહેરમાં ટિપ્પણી કરતાં પહેલા ચેતજો: વિવાદિત પોસ્ટ મામલે બાંગ્લાદેશ પર ભડક્યું ભારત