શિયાળુ સત્ર શરૂ થતાં જ વિપક્ષે મચાવ્યો હોબાળો, સ્પીકર થયા ગુસ્સે, કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત
પીએમ મોદીએ સંસદની બહાર જ વિપક્ષને માર્યો હતો ટોણો
ચાર રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 3 રાજ્યમાં બમ્પર જીત મેળવી હતી
Parliament Winter session 2023 | હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીતથી ભાજપ ભારે ઉત્સાહિત હતો. આ વચ્ચે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે ફરી મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. જેના પગલે સંસદની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
સ્પીકર થયા ગુસ્સે
લોકસભા સ્પીકર ઓમ બિરલા સંસદના સત્રની શરૂઆતમાં જ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે નિયમોના ઉલ્લંઘનની કોઈને મંજૂરી નહીં મળે. સંસદમાં પ્લેકાર્ડ્સ બતાવવાની કોઈને છૂટ નથી.
પહેલાથી જ સત્રમાં હોબાળાના સંકેત મળી ગયા હતા
સત્ર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા સાથે કેશ ફોર ક્વેરી કેશમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ રજૂ કરવામાં આવવાનો છે જેને લઈને હોબાળો મચે તેવા સંકેત પહેલાથી મળી ગયા હતા. મહુઆ મોઈત્રા પર પૈસા અને ગિફ્ટ્સ લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લાગ્યો છે.
પીએમ મોદીએ પણ વિપક્ષને ટોણો માર્યો હતો
સંસદનું શિયાળુ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું. પીએમ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા. પરિણામ ઉત્સાહજનક હતા. આ એમના માટે હતા જે સામાન્ય લોકોના કલ્યાણ માટે, દેશ માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કમિટેડ છે. તેમણે વિપક્ષ સામે નિશાન તાકતાં કહ્યું કે હું વિપક્ષી દળોને કહેવા માગુ છું કે તેઓ હારનો ગુસ્સો સંસદમાં ન કાઢે અને ખોટો હોબાળો કરીને સંસદની કાર્યવાહીને ખોરવવાનો પ્રયાસ ન કરે. તેમણે વિપક્ષને કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ સત્ર આપણા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે અને આ મોકો આપણે હાથમાંથી જવા ન દેવો જોઈએ.