આજથી સંસદમાં શિયાળુ સત્રનો પ્રારંભ, 3 રાજ્યોમાં હેટ્રિકથી ભાજપ ઉત્સાહિત, મહુઆનો મુદ્દો ગૃહને ગજવશે
કોંગ્રેસે પરાજયનો સામનો કરતાં નીચાજોણું, INDIA ગઠબંધન કરશે બેઠક
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો છે
Parliament Winter session 2023 | હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીતથી ઉત્સાહિત ભાજપ સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કરશે, જ્યારે વિપક્ષી દળો મણિપુર અને તપાસ એજન્સીઓની દરોડાની કાર્યવાહી જેવા કેટલાક મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કરશે.
સત્રમાં હોબાળાના સંકેત
સત્ર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા સાથે કેશ ફોર ક્વેરી કેશમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે જેને લઈને હોબાળો મચે તેવા પૂરાં સંકેત છે. મહુઆ મોઈત્રા પર પૈસા અને ગિફ્ટ્સ લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લાગ્યો છે.
INDIA ગઠબંધનની બેઠક
વિપક્ષી ગઠબંધન 'INDIA' ના નેતાઓ સંસદની અંદર અને ચૂંટણીના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપનો સામનો કરવા માટે તેમની વ્યૂહરચના ફરીથી ઘડવા સોમવારે સવારે બેઠક કરશે. જ્યારે શિયાળુ સત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ પત્રકારોને કહ્યું કે જો વિપક્ષ સંસદના શિયાળા સત્રમાં હોબાળો મચાવશે તો તેણે ખરાબ પરિણામો ભોગવવા પડશે.
શિયાળું સત્રનો શું છે એજન્ડા?
સરકારે શિયાળુ સત્રની 15 બેઠકો માટે એક ભારે ભરખમ એજન્ડા જાહેર કર્યો છે. જેમાં અંગ્રેજોના સમયના ગુનાઈત કાયદાઓના સ્થાને લાવવામાં આવેલા મુખ્ય બિલ, ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક રૂપરેખા આપવા સંબંધિત બિલ સામેલ છે.