મોદી સરકારના મંત્રીઓ પર કેમ ગુસ્સે ભરાયા ઓમ બિરલા? સંસદમાં કહ્યું- તમે જ બધા જવાબ આપી દો
Parliament Winter Session : લોકસભાના સ્પીકર ઓમ બિરલા અવારનવાર અલગ અંદાજમાં જોવા મળે છે. ક્યારેક તેઓ સાંસદોને ઠપકો આપતાં હોય છે, તો ક્યારેક મંત્રીઓ પર નારાજગી વ્યક્ત કરે છે. આજે મંગળવારે 12 વાગ્યા પહેલાં શરૂ થયેલા શિયાળુ સત્રમાં તેઓ મંત્રીઓ પર ભડકી ઉઠ્યા હતા, અને મહત્ત્વની શીખ આપી હતી.
કેમ ગુસ્સે થયાં ઓમ બિરલા?
વાસ્તવમાં આજે વિવિધ મંત્રીઓના નામ સાથે સદનની કામગીરીની યાદી દર્શાવતા દસ્તાવેજ સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ રજૂ કરી રહ્યા હતા, જેના પર ઓમ બિરલા નારાજ થઈ ગયા અને નાખુશ થઈ જણાવ્યું કે, કામગીરી સંબંધિત મંત્રીઓએ સદનમાં ઉપસ્થિત રહેવુ જોઈએ.
તમે એક-બીજાને ના સમજાઓ...
ઉલ્લેખનીય છે, જ્યારે મંત્રીઓ ગૃહમાં હાજર ન હોય, ત્યારે સામાન્ય રીતે સંસદીય બાબતોના રાજ્ય મંત્રી તેમને તેમના વતી રજૂ કરે છે. આજે ગૃહમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદના નામથી એક દસ્તાવેજ સંસદીય કાર્ય રાજ્યમંત્રી મેઘવાલે રજૂ કર્યો હતો. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી બંડી સંજયકુમારે પોતાના નામથી દસ્તાવેજ રજૂ કરવાનો હતો. પરંતુ તેમને સમસ્યાઓ નડતાં અન્ય મંત્રી તેમને જણાવી રહ્યા હતા. જેના પર પણ ઓમ બિરલાએ ટકોર કરી હતી કે, 'તમે એક-બીજાને સમજાવશો નહીં.'
સ્પીકર થયા નારાજ
મેઘવાલના ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી કમલેશ પાસવાનના નામથી અંકિત દસ્તાવેજ પર સ્પીકર બિરલાએ નારાજગી વ્યક્ત કરી કે, 'સંસદીય કાર્યમંત્રીજી (કિરણ રિજિજૂ) તમે પ્રયાસ કરો કે, જે મંત્રીઓના નામ કાર્યસૂચિમાં સામેલ છે, તેઓ સદનમાં ઉપસ્થિત રહે, નહીં તો તમે જ બધા જવાબ આપી દેજો.'
વિપક્ષનો આજે પણ વિરોધ
સંસદમાં શરૂ થયેલા શિયાળુ સત્રમાં આજે છઠ્ઠા દિવસે પણ વિપક્ષ નેતાઓએ અદાણી અને સંભલ હિંસાના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થયાં હતાં. જો કે, સપા કે ટીએમસીએના કોઈ નેતા સામેલ ન હતા.