Get The App

'અમે દેશની એકતા માટે બંધારણમાં ફેરફાર કર્યા', લોકસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
'અમે દેશની એકતા માટે બંધારણમાં ફેરફાર કર્યા', લોકસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી 1 - image


Parliament Winter Session 2024: લોકસભાની કાર્યવાહી આજે (14 ડિસેમ્બર)થી શરૂ થઈ ગઈ છે. દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા હતા. જ્યાં સદસ્યોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. સદનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત 'ભારત માતા કી જય'ના નારા સાથે કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર સંસદ પરિસર ગૂંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં અંદાજિત 1 કલાક અને 50 મિનિટ સુધી સંબોધન કર્યું હતું.


લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન

પીએમ મોદીએ ગૃહની સામે રાખ્યા 11 સંકલ્પ

1. તમામ નાગરિકો અને સરકાર તેમની ફરજો ઈમાનદારીથી નિભાવે.
2. દરેક ક્ષેત્ર અને સમાજને વિકાસનો સમાન લાભ મળવો જોઈએ, "સબકા સાથ, સબકા વિકાસ" ની ભાવના જળવાઈ રહે.
3. ભ્રષ્ટાચાર પ્રત્યે જીરો ટોલરેન્સની નીતિ અપનાવવામાં આવે, અને ભ્રષ્ટાચારીઓની સામાજિક સ્વીકૃતિ સમાપ્ત થવી જોઈએ.
4. દેશના કાયદા અને પરંપરાઓનું પાલન કરવામાં ગૌરવની ભાવના જાગૃત થવી જોઈએ.
5. આપણે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું જોઈએ અને દેશના સાંસ્કૃતિક વારસા પર ગર્વ કરવામાં આવે.
6. રાજકારણને ભત્રીજાવાદથી મુક્ત કરીને લોકશાહીને મજબૂત બનાવવામાં આવે.
7. બંધારણનું સન્માન કરવું જોઈએ અને તેને રાજકીય લાભ માટે હથિયાર ન બનાવવામાં આવે.
8. બંધારણ હેઠળ જે વર્ગોને અનામત મળી રહ્યું છે તે ચાલુ રહેવું જોઈએ, પરંતુ ધર્મના આધારે અનામત ન આપવામાં આવે.
9. મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવે.
10. રાજ્યના વિકાસ દ્વારા રાષ્ટ્રનો વિકાસ સુનિશ્ચિત કરવામાં આવે.
11. “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નું લક્ષ્ય સર્વોપરી રાખવામાં આવે.

• 'અમે સોદાબાજી પણ કરી શક્યા હોત પરંતુ અમે બંધારણનો રસ્તો પસંદ કર્યો'

વડાપ્રધાને કહ્યું કે, 'બંધારણ સાથે છેડછાડ કરવી, બંધારણની સ્પિરિટને વેર-વિખેર કરવું એ કોંગ્રેસની નસોમાં રહ્યું છે. અમે પણ સોદેબાજી કરી શકતા હતા પરંતુ અમે બંધારણનો રસ્તો પસંદ કર્યો. તેમણે 13 દિવસ બાદ રાજીનામું આપી દીધું. અટલજીએ ક્યારેય સોદેબાજીનો રસ્તો ના અપનાવ્યો. તેમણે 13 દિવસ બાદ રાજીનામું આપી દીધું. અટલજીએ ક્યારેય સોદેબાજીનો રસ્તો ના અપનાવ્યો. બજાર ત્યારે પણ લાગતા હતા. ખરીદ-વેચાણ ત્યારે પણ થતી હતી. અટલજીએ બજાર અને ખરીદ-વેચાણના માહોલ છતા સોદો ન કર્યો. તેમણે 13 દિવસ બાદ પોતાની સરકારમાંથી રાજીનામું આપી દીધું, કારણ કે તેઓ બંધારણ અને લોકતાંત્રિક મર્યાદાઓ પ્રત્યે સમર્પિત હતા.'

• 'ગરીબી હટાઓ... કોંગ્રેસનો સૌથી પસંદગીનો જુમલો હતો'

વડાપ્રધાને કહ્યું કે, 'કોંગ્રેસનો સૌથી પ્રિય શબ્દ જેના વગર તેઓ જીવી નથી શકતા તે છે, જુમલો. ગરીબી હટાઓ... કોંગ્રેસનો સૌથી પસંદગીનો જુમલો હતો. શું તમને દેશમાં ટોયલેટ બનાવવાનો સમય ના મળ્યો. તમે ગરીબોને ટીવીમાં જોયા છે. સમાચાર પત્રોમાં વાંચ્યા છે. તમને ખબર જ નથી કે ગરીબી શું હોય છે.'

• 'બંધારણની તાકાતથી ત્રણ વખત વડાપ્રધાન બન્યો'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આ બંધારણ જ છે જેમણે મને અને અન્ય લોકોને અહીં સુધી પહોંચાડવાનો મોકો આપ્યો. એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર વડાપ્રધાન બનવું બંધારણની શક્તિ વગર સંભવ ન હતું. દેશે અનેક ઉતાર-ચઢાવ જોયા, પરંતુ જનતાએ તમામ પડકારોમાં લોકશાહીને મજબૂત કરી. આ બંધારણ તમામ ભારતીયો માટે એક વિશેષ આદરનો વિષય છે.'

• 'બંધારણની પ્રક્રિયાથી મને પણ મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો'

વડાપ્રધાને કહ્યું કે, 'જ્યારે દેશ બંધારણના 50 વર્ષ મનાવી રહ્યો હતો તો આ મારું સૌભાગ્ય હતું કે મને પણ બંધારણની પ્રક્રિયાથી મુખ્યમંત્રી બનવાનો મોકો મળી ગયો. જ્યારે હું 26મી નવેમ્બરે બંધારણ દિવસ મનાવવાની વાત કરી હતી ત્યારે એક નેતાએ સામેથી કહ્યું હતું, કે 26મી જાન્યુઆરી તો મનાવો છો 26મી નવેમ્બર મનાવવાની શું જરૂર છે?'

• 'બંધારણના 25માં વર્ષમાં દેશને જેલખાનું બનાવી દેવાયો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'જ્યારે દેશ બંધારણના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યો હતો, તે સમયે બંધારણને ક્ષતિ પહોંચાડવામાં આવી. દેશને જેલખાનું બનાવી દેવાયો અને નાગરિકોના અધિકાર છીનવી લેવાયા. આ કોંગ્રેસના માથા પર એવું પાપ છે જે ક્યારેય મિટાવી નહીં શકાય.' બંધારણ નિર્માતાઓની તપસ્યાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, 'તેમની મહેનત ધૂળમાં મિલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ લોકશાહી અને બંધારણની સાથે વિશ્વાસઘાત હતો.'

• 'કોંગ્રેસના એક પરિવારે બંધારણને ક્ષતિ પહોંચાડી'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'કેટલાક લોકોએ નિષ્ફળતાઓનું દુઃખ વ્યક્ત કર્યું. હું દેશની જનતાને નમન કરું છું કે તેઓ સંપૂર્ણ તાકાતથી દેશના બંધારણ સાથે ઉભા છે. કોંગ્રેસના એક પરિવારે બંધારણને ક્ષતિ પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી, 55 વર્ષ એક જ પરિવારે રાજ કર્યું. 55 વર્ષ સુધી એક જ પરિવારનું શાસન રહ્યું, આ દરમિયાન બંધારણ પર સતત પ્રહાર કરવામાં આવ્યા. આ પરિવારના કુવિચાર, કુરીતિ અને કુનીતિની પરંપરાએ દેશને અનેક મુશ્કેલીઓમાં ધકેલ્યો.'

વડાપ્રધાન મોદીએ 1951ની તે ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'તે સમયે જ્યારે ચૂંટાયેલી સરકાર ન હતી, કોંગ્રેસ એક અધ્યાદેશ લાવીને બંધારણને બદલ્યું અને અભિવ્યક્તિની આઝાદી પર પ્રહાર કર્યા. આ પરિવાર તમામ સ્તરે બંધારણને પડકાર આપતો રહ્યો છે, અને દેશવાસીઓને એ જાણવાનો અધિકાર છે કે તેમના શાસનકાળમાં શું-શું થયું.'

• 'કોંગ્રેસે બંધારણ સાથે છેડછાડ કરી'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસે બંધારણ સાથે છેડછાડ કરી અને પોતાની મનમાની કરવા માટે બંધારણના મૂળ ભાવને હાંસિયામાં ધકેલ્યો. બંધારણ સભામાં જે કામ ન કરાવી શક્યા, તેને બાદમાં પાછળથી કરવામાં આવ્યું. પંડિત નેહરૂએ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા હતા કે જો બંધારણ આપણા રસ્તામાં આવે તો તેનું કોઈપણ સંજોગોમાં પરિવર્તન કરવું જોઈએ. તે સમયે (1951ની ઘટના) એક પાપ કરવામાં આવ્યું, જ્યારે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ચેતવણી આપી હતી કે, આ ખોટું થઈ રહ્યું છે. સ્પીકરે પણ કહ્યું હતું કે, આ ખોટું થઈ રહ્યું છે. આ ઘટના વર્ણવે છે કે કોંગ્રેસે કઈ પ્રકારે બંધારણની મર્યાદાઓને ઓળંગી.'

• 'કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસ સમય-સમય પર બંધારણનો શિકાર કરતી રહી અને બંધારણની આત્માને લોહિલૂહાણ કરતી રહી. 6 દાયકામાં 75 વાર બંધારણ બદલાયું. જે બીજ દેશના પહેલા વડાપ્રધાને રોપ્યા હતા તેને પોષણ આપવાનું કામ ઇન્દિરા ગાંધીએ કર્યું. 1975માં 39મું સંશોધન કર્યું, રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, અધ્યક્ષ, વડાપ્રધાનની ચૂંટણી વિરૂદ્ધ કોઈ કોર્ટમાં જઈ જ ના શકે એવી જોગવાઈ કરવામાં આવી. ઈમરજન્સીમાં લોકોના અધિકારો છીનવી લેવાયા, કોર્ટનું ગળું દબાવાયું. કમિટેજ જુડિશરીના વિચારને તેમણે તાકાત આપી.'

• 'કટ્ટરપંથીઓની આગળ રાજીવ ગાંધીએ શીશ ઝુકાવ્યું'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જે પરંપરા નેહરૂજીએ શરૂ કરી, જેને ઇન્દિરાજીએ આગળ વધારી, રાજીવ ગાંધીએ બંધારણને વધુ એક ગંભીર આંચકો આપ્યો. સમાનતાના ભાવને ઈજા પહોંચાડી. ભારતની મહિલાઓને ન્યાય આપવાનું કામ બંધારણની મર્યાદાના આધાર પર સુપ્રીમ કોર્ટે આપ્યું હતું પરંતુ રાજીવ ગાંધીએ વોટબેંક માટે બંધારણની ભાવનાની બલિ ચઢાવી દીધી અને કટ્ટરપંથીઓની આગળ શીશ છુકાવી દીધું.'

• 'નેશનલ એડવાઇઝરી કાઉન્સિલને PMOની ઉપર બેસાડી દીધી'

વડાપ્રધાને કહ્યું કે, 'મનમોહનસિંહજીએ કહ્યું હતું કે, મારે એ સ્વીકાર કરવો પડશે કે પાર્ટી અધ્યક્ષ સત્તાનું કેન્દ્ર છે. સરકાર પાર્ટી પ્રત્યે જવાબદાર છે. ઇતિહાસમાં પહેલીવાર બંધારણને એવી ઊંડી પહોંચાડવામાં આવી. નેશનલ એડવાઇઝરી કાઉન્સિલને PMOની ઉપર બેસાડી દીધી. એક અહંકારી કેબિનેટના નિર્ણયને ફાડી નાખ્યો અને કેબિનેટ પોતાના ચુકાદા બદલ એ કઈ વ્યવસ્થા છે. કોંગ્રેસે સતત બંધારણની અવમાનના કરી છે. બંધારણના મહત્ત્વને ઘટાડી દીધું છે.'

• 'કોંગ્રેસ સત્તાની બહાર થઈ ત્યારે બાબા સાહેબને ભારત રત્ન આપી શકાયો'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બાબા સાહેબને ભારત રત્ન આપવાનું કામ ત્યારે સંભવ થયું જ્યારે કોંગ્રેસ સત્તાની બહાર થઈ. વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા લોકોએ અનામતની અંદર ફેરફાર કરવાનું કામ કર્યું છે, જેનું સૌથી વધુ નુકસાન એસસી-એસટી અને ઓબીસીનું નુકસાન કર્યું છે. દાયકાઓ સુધી મંડલ કમીશનનો રિપોર્ટ ડબ્બામાં નાખી દીધો હતો.'

• 'વિવિધતામાં એકતા'માં પણ વિરોધાભાસ નજરે આવ્યો'

વડાપ્રધાન મોદીએ લોકસભામાં ભારતની એકતા અને અખંડતા પર ભાર આપતા કહ્યું કે, 'સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચવા માટે સૌથી મોટી જરૂરિયાત ભારતની એકતા છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ દેશની એકતા પર વિકૃત માનસિકતા કે સ્વાર્થની રાજનીતિને કારણે ગંભીર પ્રહાર કરવામાં આવ્યા. આપણી સંસ્કૃતિ અને પરંપરામાં વિવિધતાને સેલિબ્રેટ કરવાની પરંપરા છે, પરંતુ ગુલામીની માનસિકતામાં ઉછરેલા લોકોએ હંમેશા વિવિધતામાં વિરોધાભાસ શોધવાનો પ્રયાસ કર્યો.'

• 'ભારત જલ્દીથી બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા'

વડાપ્રધાને દેશની ઝડપી આર્થિક પ્રગતિ પર ભાર આપતા કહ્યું કે, 'આજે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને જલ્દીથી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે, આ ઉપલબ્ધિ તમામ ભારતીયોની મહેનત અને દૃઢ સંકલ્પનું પરિણામ છે. મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવું અમારી પ્રાથમિકતા છે. જ્યારે નારી શક્તિ આગળ વધશે, તો દેશ તમામ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પર પહોંચશે. આપણી લોકશાહી અને આપણી અર્થવ્યવસ્થા દુનિયા માટે પ્રેરણા બની રહી છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવલ છે, અને આ વિકાસ યાત્રા ચાલતી રહેશે.'

• 'સમૃદ્ધ રહ્યો છે ભારતનો લોકતાંત્રિક ઇતિહાસ'

વડાપ્રધાન મોદીએ ભારતના લોકતાંત્રિક માળખાને તેમની સંસ્કૃતિનો ભાગ ગણાવતા કહ્યું કે, 'ભારતનું લોકતંત્ર ખુબ સમૃદ્ધ રહ્યું છે. આ આપણી સંસ્કૃતિ અને પરંપરામાં મૂળિયાં ઊંડે સુધી છે. ભારતની લોકશાહીએ સમગ્ર દુનિયાને પ્રેરિત કરી છે. ભારતે 75 વર્ષની અસાધારણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. લોકશાહીએ આપણને તમામ તબક્કાઓને પાર કરવા અને આગળ વધારવાની તાકાત આપી છે.'

• 'ભારતે શરૂઆતથી જ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો'

વડાપ્રધાન મોદીએ નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરતા મહિલાઓના સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વર્ણવી. તેમણે કહ્યું કે, 'આ અધિનિયમ મહિલાઓને રાજનીતિક ભાગીદારીમાં વધુ અવસર આપવા માટે મીલનો પથ્થર સાબિથ થશે. ભારતે શરૂઆતથી જ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો. આજે, સંસદમાં મહિલા સાંસદોની સંખ્યા સતત વધી રહી છે. નારી શક્તિ વંદન અધિનિયમ આ દિશામાં એક ઐતિહાસિક પગલું છે.'

• '75 વર્ષની લોકતાંત્રિક યાત્રા અસાધારણ ઉપલબ્ધિ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠના અવસર પર લોકસભામાં પોતાના સંબોધનમાં કહ્યું કે, 'રાજર્ષિ પુરૂષોત્તમ દાસ ટંડન અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેવી મહાન વિભૂતિઓએ ભારતની લોકશાહીનો પાયો મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. તેમનું યોગદાન અમૂલ્ય છે. હું આ મહાન ઉપલબ્ધિ માટે દેશના નાગરિકોને નમન કરું છું.'

• 'આ લોકશાહીના ઉત્સવને મનાવવાનો અવસર...'

વડાપ્રધાન મોદીએ લોકસભામાં બંધારણની 75મી વર્ષગાંઠ પર પોતાના સંબોધનમાં કહ્યું કે, 'ભારત લોકશાહીની જનની છે અને આપણું ગણતંત્ર સમગ્ર દુનિયા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ આ ગર્વની ક્ષણ છે અને લોકશાહીના અવસરને મનાવવાનો આ અવસર છે. ભારતનો નાગરિક તમામ કસોટી પર ખરો ઉતર્યો છે અને લોકશાહીની સફળતાનો આધાર રહ્યો છે.'

લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન

લોકસભામાં બંધારણ પરની ચર્ચાના પ્રથમ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સંવિધાન પર બોલતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વીર સાવરકર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, 'જ્યારે આપણે બંધારણને જોઈએ છીએ અને તેને ખોલીએ છીએ ત્યારે આપણને ડો. આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના અવાજો અને વિચારો સાંભળવા મળે છે. આ બધા વિચારો ક્યાંથી આવ્યા? તે બધા વિચારો આ દેશની જૂની પરંપરામાંથી આવ્યા છે. આ વિચાર શિવથી લઈને ગુરુ નાનક, બસવનાથ, બુદ્ધ, મહાવીર, કબીર સુધીના દરેક વ્યક્તિ પાસેથી આવ્યો છે. એક લાંબી યાદી છે.' 

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'જ્યારે આપણે બંધારણ પર વાત કરીએ છીએ અને બંધારણ બતાવીએ છીએ, ત્યારે એ સાચું છે કે તે આધુનિક ભારતનો દસ્તાવેજ છે, પરંતુ તે પ્રાચીન ભારત અને તેના વિચારો વિના ક્યારેય લખી શકાયું ન હોત. ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. આ તમારા નેતા સાવરકરે કહ્યું હતું, જેમની તમે પૂજા કરો છો.'

રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપતા કહ્યું હતું કે, 'અભય મુદ્રામાં હુનરના કારણે શક્તિ આવે છે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, એ જ રીતે તમે (સરકાર) દેશનો અંગૂઠો કાપી રહ્યા છો. જ્યારે તમે ધારાવી અદાણીને આપો છો ત્યારે તમે ધારાવીના યુવાનોનો અંગૂઠો કાપો છો. તમે 70 વખત પેપરલીક કરાવી, ભારતના યુવાનોનો અંગૂઠો કાપ્યો. તમે અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો.'

હાથરસનો મુદ્દો ઊઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'હાથરસમાં ચાર વર્ષ પહેલા એક દલિત યુવતી પર દુષ્કર્મ થયો હતો. ગુનેગારો બહાર ફરતા હોય છે જ્યારે પીડિતાના પરિવારો જેલવાસની જીંદગી જીવી રહ્યા છે. બંધારણમાં આ ક્યાં લખ્યું છે? ક્યાંય નથી. ઉત્તર પ્રદેશમાં બંધારણ નહીં મનુસ્મૃતિ અમલમાં છે.'


Google NewsGoogle News