કોણ બનશે લોકસભા સ્પીકર? શું ખરેખર વિપક્ષ પાસે એટલો 'પાવર' છે કે ભાજપને પરેશાન કરી શકે?

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
કોણ બનશે લોકસભા સ્પીકર? શું ખરેખર વિપક્ષ પાસે એટલો 'પાવર' છે કે ભાજપને પરેશાન કરી શકે? 1 - image


Lok Sabha Speaker Election 2024 : દેશમાં ભાજપે એનડીએના સહારે ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, ત્યારે હવે લોકસભા અધ્યક્ષ પદની પસંદગી કરવાની બાકી છે. લોકસભા અધ્યક્ષ પદની ખુરશી માટે હાલ એનડીએમાં ભારે રાજકીય ધમાસાણ જોવા મળી રહ્યું છે. એકતરફ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) અધ્યક્ષની ખુરશી પર નજર રાખીને બેઠા છે, તો બીજીતરફ ભાજપ આ પદ પોતાની પાસે રાખવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે, તેથી ભાજપના સાથી પક્ષો અને ઈન્ડિ ગઠબંધનના સાથી પક્ષોમાં ચર્ચા થઈ રહી છે કે, ભાજપ લોકસભા અધ્યક્ષ કોણે બનાવશે? અધ્યક્ષ પદ મુદ્દે ભાજપ સામે પણ ઘણાં પડકારો છે. આ પદ માટે તેણે ટીડીપી અને જેડીયુને તો મનાવવા જ પડશે, આ ઉપરાંત ઈન્ડિ ગઠબંધનના પડકારનો પણ સામનો કરવો પડશે.

અધ્યક્ષ પદ માટે ભાજપે વિપક્ષોને પણ મનાવવા પડશે

જોકે અધ્યક્ષ પદને લઈ BJP સામે એવા પડકારો છે કે, તેણે ટીડીપી અને જેડીયુની સાથે ઈન્ડિ ગઠબંધનને પણ મનાવવા પડશે. આ પદ માટે ભાજપે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને જવાબદારી આપી છે કે, તેઓ અધ્યક્ષ પદ માટે સાથી પક્ષો અને વિપક્ષો સાથે વાતચીત કરી સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરે. બીજીતરફ લોકસભામાં નાયબ અધ્યક્ષ પદની જગ્યા 10 વર્ષથી ખાલી છે, તેથી વિપક્ષો આ પદ મેળવવા માટે સરકાર પર દબાણ કરી શકે છે. ઈન્ડિ ગઠબંધન (INDIA Alliance)ના નેતાઓ વારંવાર કરી રહ્યા છે કે, ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષી ગઠબંધનના સાથી પક્ષોમાંથી કોઈ એકને નહીં અપાય તો અમે અધ્યક્ષની ચૂંટણીમાં અમારો ઉમેદવાર ઉતારીશું.

‘ જો અધ્યક્ષ પદે ટીડીપી ઉમેદવાર ઉતારશે તો ઈન્ડિ ગઠબંધન...’

વિપક્ષો વારંવાર ભારપૂર્વક કહી રહ્યા છે કે, ટીડીપી અને જેડીયુએ અધ્યક્ષ પદ માટે પ્રયાસો કરવા જોઈએ. શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) પણ કહ્યું હતું કે, જો ટીડીપી અધ્યક્ષ પદ માટે ઉમેદવાર ઉતારશે તો ઈન્ડિ ગઠબંધનની પાર્ટીઓ તેમને સમર્થન કરે, તે માટે અમે પ્રયાસ કરીશું. હવે એવી ચર્ચા થઈ રહી છે કે, શું અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઈન્ડિ ગઠબંધને ટીડીપીને ઓફર કરતા ભાજપનું ગણિત બગડશે? અધ્યક્ષ પદની ચૂંટણીમાં વિપક્ષો માટે કેટલી તકો છે અને લોકસભાના નંબર ગેમનું ગણિત શું છે?

ઈન્ડિ ગઠબંધને ટીડીપીને ઓફર કેમ કરી?

અધ્યક્ષ પદ મુદ્દે સૌથી મોટી વાત ટીડીપીને ઈન્ડિ ગઠબંધનની ઓફરની... પરિણામો બાદ એવી ચર્ચાઓ હતી કે, ટીડીપીને અધ્યક્ષનું પદ જોઈએ છે, જોકે ભાજપ સ્પષ્ટપણે આ પદ પોતાની પાસે રાખશે. આ પદ માટે એનડીએના ત્રણ પક્ષો સામ-સામે આવ્યા બાદ હવે વિપક્ષને પણ એનડીઓમાં આંતરીક વિવાદ ઉભો કરવાની તક મળી ગઈ છે. અધ્યક્ષ પદે ટીડીપીની નજર બાદ વિપક્ષો ચંદ્રબાબુની નાયડૂની ઈચ્છાઓમાં હવા ભરી એવું નેરેટિવ સેટ કરી રહ્યા છે કે, સરકાર બનતા જ એનડીએમાં ભાગલા શરૂ થઈ ગયા. લોકસભા ચૂંટણીમાં ટીડીપી અને જેડીયુ કિંગમેકર તરીકે ઉભરી આવી છે. વિપક્ષને કદાચ એવું લાગી રહ્યું છે કે, નાયડુ પલટી મારે તો મોદી સરકાર 3.0નું સંખ્યાબળ 293થી ઘટીને 277 આવી જશે, જે બહુમતી માટેના જાદુઈ આંકડા 272થી થોડી વધુ છે.

નાયબ અધ્યક્ષ પદ મેળવવા વિપક્ષોની મોટી વ્યૂહનીતિ 

વિપક્ષો વારંવાર માંગણી કરી રહ્યા છે કે, વિપક્ષના કોઈ પાર્ટીને લોકસભામાં નાયબ અધ્યક્ષ પદ આપવું જોઈએ. લોકસભાની પરંપરા મુજબ સ્પીકરનું પદ સત્તાધારી પાર્ટી અથવા ગઠબંધન પાસે રહ્યું છે. તો ડેપ્યુટી સ્પીકરની ખુરશી વિપક્ષ પાર્ટી અને વિપક્ષના ગઠબંધનના ભાગમાં આવી છે. વર્ષ 2019ની ચૂંટણી બાદ નાયબ અધ્યક્ષ પદની ખુરશી પાંચ વર્ષ સુધી ખાલી રહી હતી. હવે વિપક્ષોની વ્યૂહનીતિ શરૂ થઈ છે કે, જો એનડીએને સર્વસંમતિ ચૂંટણી કરાવવી હોય તો તેણે વિપક્ષને નાયબ અધ્યક્ષ પદનું પદ આપી પરંપરાનું પાલન કરવું પડશે.

નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપક્ષી નેતા મળશે

લોકસભા ચૂંટણી-2024માં ઈન્ડિ ગઠબંધને (I.N.D.I.A. Alliance) 235 બેઠકો જીતી છે, જેના કારણે નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપક્ષી નેતા મળશે. આ ઉપરાંત વિપક્ષ ઉપાધ્યક્ષ પદની ચૂંટણીની પણ આશા રાખી રહ્યું છે. વાસ્તવમાં છેલ્લા પાંચ વર્ષથી ઉપાધ્યક્ષ પદ ખાલી છે. 17મી લોકસભામાં ઉપાધ્યક્ષ પદ પાંચ વર્ષથી ખાલી છે. ગૃહમાં કોઈ વિપક્ષી નેતા ન હોવાનું બીજી વખત બન્યું છે. સામાન્ય રીતે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવામાં આવે છે.

શું ઈન્ડિનો સાથ મેળવી ટીડીપી સ્પીકરની ચૂંટણી જીતી શકે?

લોકસભામાં કયા પક્ષને કેટલી બેઠકો અંગે વાત કરીએ તો ભાજપના નેતૃત્વમાં એનડીએ પાસે 293 સાંસદો છે. એનડીએમાં ભાજપ 240 બેઠકો જીતનાર સૌથી મોટો પક્ષ છે, જ્યારે ટીડીપી પાસે 16, જેડીયુ પાસે 12, શિંદેની શિવસેના પાસે સાત અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાસે પાંચ સાંસદો છે. બાકીના 10 પક્ષોના 13 સાંસદો છે.

વિપક્ષ ઈન્ડિ ગઠબંધનના કુલ 234 સાંસદો છે, જેમાં કોંગ્રેસે સૌથી વધુ 99 બેઠકો જીતી છે. ત્યારબાદ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP) 37, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) 29, DMKએ 22 બેઠકો જીતી હતી.

અધ્યક્ષ પદની ચૂંટણીના ગણિત મુજબ વિચારીએ તો, અધ્યક્ષ પદની ચૂંટણી જીતવા માટે 272ના આંકડાની જરૂર છે. જો ટીડીપી ઉમેદવાર ઉતારશે અને તેમને ઈન્ડી ગઠબંધનના સાથી પક્ષો સમર્થન આપશે, તો પણ ટીડીપી માત્ર 250 સુધી પહોંચી શકશે. બીજીતરફ એનડીએને ટીડીપી વગર 277 સાંસદોનું સમર્થન મળશે, જે જીત માટે પર્યાપ્ત છે.

26 જૂને યોજાઈ શકે છે લોકસભા અધ્યક્ષની ચૂંટણી

લોકસભા અધ્યક્ષ પદને લઈ ચાલી રહેલા રાજકીય ધમસાણ વચ્ચે 24 જૂનથી સંસદનું વિશેષ સત્ર શરૂ થશે, જે આઠ દિવસ સુધી યોજાશે. આ દરમિયાન 24 અને 25 જૂને નવા સાંસદોનો શપથગ્રહણ સમારોહ અને 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ દિવસે લોકસભા અધ્યક્ષ પદ માટે એનડીએના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકશે. અધ્યક્ષની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી મંત્રી પરિષદની રજૂઆત કરશે.


Google NewsGoogle News