NEET પેપર લીક મોટો મામલો, સામૂહિક જવાબદારી લેવી પડશે : પૂર્વ PM દેવગૌડા
Parliament Session: 18મી લોકસભાના સંસદ સત્રના 5મા દિવસની કાર્યવાહી શરૂ થતાં હોબાળો મચી ગયો હતો. સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં NEET મુદ્દે વિપક્ષ દ્વારા ચર્ચાની માગ કરવામાં આવી હતી. જેના પગલે હોબાળો થતાં કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી અટકાવી દેવામાં આવી હતી. જો કે NEET મુદ્દે જોરદાર બબાલ વચ્ચે ફરી એકવાર 12 વાગ્યે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી પરંતુ વિપક્ષ NEET પર ચર્ચાની માગ પર અડગ રહેતાં હોબાળાની સ્થિતિ જળવાઈ રહી હતી. જેના પગલે ફરી એકવાર કાર્યવાહી અટકાવવી પડી હતી. લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે રાજ્યસભામાં પણ ભારે હોબાળાની સ્થિતિ વચ્ચે હાલ કાર્યવાહી ચાલી રહી છે.
નેહરુ અને મોદીની તુલના ન થઇ શકે : સુધાંશુ ત્રિવેદી
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. નેહરુની બરાબરી કરી લીધી છે. નેહરુ અને મોદી વચ્ચે કોઈ સરખામણી ન થઈ શકે. એક પુસ્તકનો ઉલ્લેખ કરતાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે નેહરુને વડાપ્રધાન માટે શૂન્ય મત મળ્યા હતા અને એક એવા મોદીજી છે જેમને સર્વસંમતિથી નેતા માની લેવાયા છે. એક બાજુ નહેરુ છે જેમને તેમની પાર્ટી દ્વારા નેતા માનવામાં આવતા ન હતા, તો બીજી બાજુ મોદીજી છે જેમને સર્વસંમતિથી નેતા માનવામાં આવે છે.
પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ પેપર લીકનો મુદ્દો ઊઠાવ્યો
પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાએ રાજ્યસભામાં નીટ પેપર લીકનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે તપાસ ચાલુ હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આપણે સામૂહિક જવાબદારી લેવી પડશે. તેમણે હાથ જોડીને ગૃહને આ નિવેદન કર્યું હતું.
Lok Sabha adjourned to meet again at 11 am on Monday, July 1
— ANI (@ANI) June 28, 2024
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થવાની હતી
ઉલ્લેખનીય છે કે સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (Droupadi Murmu)ના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચા થવાની હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ ગૃહના 13 પૂર્વ સભ્યોના નિધનની જાણકારી પણ આપી હતી. જોકે કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET પેપર લીક મુદ્દે ચર્ચાની માગ કરતાં હોબાળો શરૂ થઇ ગયો હતો.
રાહુલ ગાંધીએ NEETનો મુદ્દો ઉઠાવ્યો
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ગૃહમાં NEETનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ NEET પર ચર્ચાની માંગ કરી હતી. તેની સામે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે રાષ્ટ્રપતિ (President)ના સંબોધન પર ચર્ચા દરમિયાન કોઈપણ વિષયને ઉઠાવી શકો છો, તમે તમારા મંતવ્યો વિગતવાર રજૂ કરી શકો છો. રાહુલ ગાંધીએ સ્પીકરને બે મિનિટનો સમય આપવાની માંગ કરી હતી. તેના પર સ્પીકરે કહ્યું કે તમે બે મિનિટ નહીં પણ તમારી પાર્ટીનો પૂરો સમય લઈ લેજો. ત્યારબાદ સ્પીકરે સભ્યોને તેમના નામની સામે ચિહ્નિત કરેલા ફોર્મને ગૃહના ટેબલ પર મૂકવા કહ્યું. જેના પર વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર અને હંગામો મચાવ્યો હતો. હંગામાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.