Get The App

લોકસભા ડેપ્યુટી સ્પીકરનું કામ શું હોય છે, આ હોદ્દા પાસે કેટલી સત્તા હોય છે? જાણો સંપૂર્ણ માહિતી

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
લોકસભા ડેપ્યુટી સ્પીકરનું કામ શું હોય છે, આ હોદ્દા પાસે કેટલી સત્તા  હોય છે? જાણો સંપૂર્ણ માહિતી 1 - image
Image Twitter 

Power of Deputy Speaker: લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટે એનડીએ અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ઘમસાણ ચાલી રહ્યું છે. ઈન્ડીયા એલાયન્સ હવે એનડીએ સાથે આરપારની ટક્કર આપવા માટે તૈયાર છે. સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતાર્યા બાદ હવે વિપક્ષે ડેપ્યુટી સ્પીકર પદ માટે પણ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લીધો છે. 

18મી લોકસભાના પહેલા સત્રના બીજા દિવસે (25 જૂન) સરકાર અને વિપક્ષ વચ્ચે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદને લઈને ઘર્ષણ વધી ગયુ છે. ત્યાર બાદ વિપક્ષે લોકસભા સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે, અને કોંગ્રેસના સાંસદ કે. સુરેશે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સરકાર તરફથી ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે ભર્યું ઉમેદવારી પત્ર ભર્યું છે. વિપક્ષનું કહેવું છે કે, જો તેમને ડેપ્યુટી સ્પીકરનું પદ મળ્યું હોત તો, તેઓ સ્પીકર પદ માટે તેમનું સમર્થન કરતાં. અત્રે એક વાત નોંધનીય છે કે, 17મી લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી હતું, પરંતુ આ વખતે વિપક્ષ માટે ડેપ્યુટી સ્પીકરનું આટલું મહત્ત્વનું કેમ બની ગયું છે? તો ચાલો અમે તમને જણાવીએ કે ડેપ્યુટી સ્પીકર કેવી રીતે ચૂંટાય છે, તેમની જવાબદારીઓ શું છે અને તેમની પાસે કઈ- કઈ સત્તા હોય છે. 

બંધારણમાં છે, ડેપ્યુટી સ્પીકરના પદનો ઉલ્લેખ

ડેપ્યુટી સ્પીકરનું પદ બંધારણીય છે અને લોકસભા સ્પીકરની સાથે ડેપ્યુટી સ્પીકરના પદનો પણ બંધારણની કલમ 93માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે નવી લોકસભાની રચના બાદ તરત જ બે સભ્યોને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટવાના રહેશે. અને જો લોકસભાના કાર્યકાળના અંત પહેલા અથવા તે દરમિયાન કોઈ એક પદ ખાલી થાય છે, તો પણ લોકસભાએ અન્ય સભ્યને પ્રાથમિકતાના આધારે સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર તરીકે પસંદ કરવાના હોય છે. બંધારણમા કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષની પસંદગી કરવાનો અધિકાર છે, જ્યારે લોકસભાના અધ્યક્ષને લોકસભાના ઉપસભાપતિની પસંદગી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

કેમ મહત્ત્વનું છે લોકસભાના ડેપ્યુટી સ્પીકરનું પદ ?

લોકસભાનું સંચાલન કરવાની જવાબદારી સ્પીકરની હોય છે, પરંતુ જો કોઈ કારણવશ સ્પીકર ગેરહાજર હોય તો, આવી સ્થિતિમાં ડેપ્યુટી સ્પીકર ગૃહનું સંચાલન કરે છે. આ સિવાય ગૃહમાં શિસ્તતા જાળવવાની જવાબદારી પણ ડેપ્યુટી સ્પીકરની રહે છે.

શું હોય છે ડેપ્યુટી સ્પીકરનો પાવર ?

બંધારણની કલમ 95 મુજબ, જો કોઈ પણ સ્થિતિમાં લોકસભાના સ્પીકરનું પદ ખાલી થઈ જાય અથવા સ્પીકર ગૃહમાંથી ગેરહાજર રહે, તો તેની તમામ જવાબદારી ડેપ્યુટી સ્પીકરની રહે છે. એટલે કે ડેપ્યુટી સ્પીકર ગૃહનું સંચાલન કરે છે અને તે દરમિયાન દરેક સત્તા તેમની પાસે હોય છે, જે સ્પીકરને મળે છે. જેમાં ગૃહમાં શિસ્તતા જાળવવી, મર્યાદાનું પાલન કરાવવું, ગેરવર્તણૂક માટે કોઈપણ સભ્યને સસ્પેન્ડ કરવા અથવા સજા કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ક્યારેક કોઈ પ્રસ્તાવ લોકસભામાં 2 વોટથી અટકી જાય તો ડેપ્યુટી સ્પીકર વોટિંગ કરી શકે છે. આ સાથે સ્પીકરની ગેરહાજરીમાં નિર્ણાયક મત આપવાનો અધિકાર ડેપ્યુટી સ્પીકરનો હોય છે. 

ડેપ્યુટી સ્પીકર કેવી રીતે ચૂંટાય છે?

લોકસભાના ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી કરાવવાનો અધિકાર લોકસભાના સ્પીકરને છે, આ ઉપરાંત ચૂંટણીની તારીખ સ્પીકર દ્વારા નક્કી કરવામાં આવે છે. સ્પીકરની જેમ ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી માટે પણ બહુમતી જરૂરી હોય છે. લોકસભામાં અત્યાર સુધી ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવાની પરંપરા રહી છે, પરંતુ આ વખતે સરકાર અને વિપક્ષ વચ્ચે સહમતિ બની શકી નથી.

2019 થી 2024 સુધી કોઈ ડેપ્યુટી સ્પીકર નહોતા

વર્ષ 2019થી 2024 સુધીમાં લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી હતું. પરંતુ, સવાલ એ છે કે જો ડેપ્યુટી સ્પીકર ન હતા તો, સ્પીકરની ગેરહાજરીમાં ગૃહ કોણ ચલાવે છે. જોકે તેને લઈને પણ એક નિયમ છે અને તેનો પ્રક્રિયા અને કાર્ય સંચાલનનો નિયમ 9માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ઉપરાંત સ્પીકરોની પેનલ હોય છે. લોકસભા શરુ થયા પછી સ્પીકર અન્ય સભ્યોમાંથી વધુમાં વધુ 10 અધ્યક્ષોની એક પેનલને નામાંકિત કરે છે. જો ક્યારેક સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને ગૃહમાંથી ગેરહાજર હોય, તો આ પેનલમાંથી કોઈ એક અધ્યક્ષ ગૃહની અધ્યક્ષતા કરી શકે છે.

આ પણ વાંચો: NDA ને વિપક્ષે આપ્યો બીજો ઝટકો! સ્પીકર બાદ હવે ડે.સ્પીકર પદ માટે પણ ઉતારશે ઉમેદવાર


Google NewsGoogle News