'લોકસભા સ્પીકર પદ માટે રાજનાથે જવાબ ના આપતા બાજી બગડી', રાહુલ ગાંધીએ જણાવી આખી વાત

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi on Deputy Speaker Post


Rahul Gandhi on Deputy Speaker Post: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સંસદનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. સોમવારે (24મી જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે NDA જૂથના તમામ સાંસદોએ શપથ લીધા હતા. ત્યારે હવે લોકસભા અધ્યક્ષને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. આ વખતે ભાજપ ફરીથી ઓમ બિરલાને સ્પીકર પદ સોંપવાની યોજના બનાવી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું કે, 'લોકસભા સ્પીકર પદ માટે રાજનાથ સિંહે જવાબ ના આપતા બાજી બગડી છે.'

વિપક્ષે આ શરત મૂકી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'જો વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે તો જ વિપક્ષ સ્પીકરને સમર્થન આપવા માટે રાજી થશે. આ સંદર્ભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. પરંતુ શરત સાંભળીને રાજનાથ સિંહે ફોન કરવાનું કહીને કટ કરી દીધો હતો.'

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાંધ્યું

વધુમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે,  મલ્લિકાર્જુન ખડગેએ રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. તેમણે ખડગે જીને અમારા સ્પીકરને સમર્થન આપવા કહ્યું. અમે તમામ વિરોધ પક્ષો સાથે વાત કરી છે. બધાએ સ્પીકરને સમર્થન આપવા સંમતિ આપી છે. પરંતુ શરત એ છે કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. રાજનાથ સિંહે સોમવારે સાંજે કહ્યું હતું કે તેઓ ખડગેજીને પાછા બોલાવશે. પરંતુ હજુ સુધી રાજનાથ સિંહે ખડગે જીને ફરી ફોન કર્યો નથી. એક તરફ મોદીજી સાથે કામ કરવાની વાત કરે છે તો બીજી તરફ અમારા નેતાનું અપમાન થઈ રહ્યું છે.'

ડેપ્યુટી સ્પીકર પર સસ્પેન્સ 

અહેવાલો અનુસાર, વિપક્ષે ઓમ બિરલાને લોકસભા સ્પીકર બનાવવાની મંજૂરી આપી દીધી છે. જો કે, વિપક્ષીને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે કે નહીં? આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન બહાર આવ્યું નથી. રાહુલ ગાંધીના આ નિવેદનથી સ્પષ્ટ છે કે પ્રોટેમ સ્પીકર અને લોકસભા સ્પીકર પછી ડેપ્યુટી સ્પીકર પદને લઈને સંસદમાં ખેંચતાણ થઈ શકે છે.

'લોકસભા સ્પીકર પદ માટે રાજનાથે જવાબ ના આપતા બાજી બગડી', રાહુલ ગાંધીએ જણાવી આખી વાત 2 - image


Google NewsGoogle News