હિંદુ સમાજે વિચારવું પડશે કે આ નિવેદન ફક્ત સંયોગ છે કે પ્રયોગ, લોકસભામાં વડાપ્રધાન મોદી
Parliament Session 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (બીજી જુલાઈ) લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. સંસદમાં પ્રવેશતા જ એનડીએના સાંસદોએ તેમનું મોદી-મોદીના નારા સાથે સ્વાગત કર્યું હતું. આ પહેલા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ કહ્યું હતું કે અવધેશ પાસી જ્યાંથી જીતીને આવ્યા છે, એ બેઠકનું નામ અયોધ્યા નહીં ફૈજાબાદ છે. જો કે અહીં કોઈ ફૈજાબાદ ના બોલ્યું. આ ભાજપની જીત છે, મોદીની જીત છે.
વિપક્ષના સાંસદો પર ભડક્યા સ્પીકર ઓમ બિરલા
વિપક્ષી સાંસદ વેલમાં આવીને નારેબાજી કરી રહ્યા હતા ત્યારે સ્પીકર ઓમ બિરલા ભડક્યા હતા. સ્પીકરે વિપક્ષી સાંસદોની ઝાટકણી કાઢતા કહ્યું કે ‘તમને 90 મિનિટ બોલવાની તક આપી. તમે આટલો મોટો પક્ષ લઈને ચાલી રહ્યા છો. આવું ન ચાલે. પાંચ વર્ષ આ રીતે નહીં ચાલે.’
રાહુલ ગાંધીના હિંદુ અંગેના નિવેદનનો પણ જવાબ
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા ભાષણમાં હિંદુ અંગે કરેલા નિવેદનનો પણ જવાબ આપ્યો. આ મુદ્દે તેમણે વિપક્ષને સવાલ કરતા કહ્યું કે ‘આ દેશના હિંદુઓ સાથે, આ છે તમારો વ્યવહાર? થોડા દિવસ પહેલા હિંદુઓમાં જે શક્તિની કલ્પના છે, તેના વિનાશની જાહેરાત કરાઈ હતી. તમે કઈ શક્તિના વિનાશની વાત કરો છો? આ દેશ સદીઓથી શક્તિનું પાત્ર રહ્યો છે. બંગાળમાં મા દુર્ગાની પૂજા થાય છે. તમે તે શક્તિના વિનાશની વાત કરો છો? આ લોકોએ હિંદુ આતંકવાદ શબ્દ રચવાનું કાવતરું ઘડ્યું. હિંદુ ધર્મની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ સાથે કરી અને તેમણે તાળીઓ પણ પાડી. આ દેશ તેમને માફ નહીં કરે. એક સમજી વિચારીને તૈયાર કરેલી વ્યૂહરચના હેઠળ તેમની આખી ઈકો સિસ્ટમ હિંદુ પરંપરા, હિંદુ સમાજ, આ દેશની સંસ્કૃતિ અને તેનો વારસો નીચો બતાવાયો, તેનું અપમાન કરાયું, ગાળો અપાઈ, હિંદુઓની મજાક કરવી જાણે ફેશન બની ગઈ. આ બધાને સુરક્ષા આપવાનું કામ કેટલાક લોકો ફક્ત રાજકીય સ્વાર્થ ખાતર કરે છે.’
વડાપ્રધાને હિંદુ સમાજને પણ આ મુદ્દો વિચારવા કહ્યું
હિંદુ નિવેદન અંગે વાત કરીને વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના એક વાત કરી. તેમણે કહ્યું કે ‘ગૃહનું કાલનું દૃશ્ય જોઈને હિંદુ સમાજે પણ વિચારવું પડશે કે એ અપમાનજનક નિવેદન સંયોગ છે કે કોઈ પ્રયોગની તૈયારી?’
ત્રીજી ટર્મમાં ત્રણ ગણા પરિણામ લાવી આપીશું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘અમે ત્રણ કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ લઇને ચાલ્યા છીએ. અમારી ત્રીજી ટર્મમાં ત્રણ ગણી સ્પીડે કામ કરીશું, ત્રણ ગણી શક્તિ લગાવીશું, દેશવાસીઓને ત્રણ ગણા પરિણામ લાવી આપીશું.’
બંધારણ માથા પર મૂકીને નાચનારા કાશ્મીરમાં તે લાગુ ના કરી શક્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘દેશનો દરેક નાગરિક જાણે છે કે પોતાની સુરક્ષા માટે ભારત કંઇ પણ કરી શકે છે. બંધારણ માથા પર મૂકીને નાચનાર લોકો તેને જમ્મુ કાશ્મીરમાં લાગુ કરવાનું સાહસ કરી શક્તા ન હતા. આજે કલમ 370ની દીવાલ તૂટી, પથ્થરબાજી બંધ છે અને લોકો ભારતના બંધારણમાં વિશ્વાસ કરતાં આગળ આવી રહ્યા છે. 140 કરોડ લોકોમાં આ વિશ્વાસ પેદા થવો અને આ વિશ્વાસે ડ્રાઇવિંગ ફોર્સનું કામ કર્યું છે. આ વિશ્વાસ વિકસિત ભારત, સકંલપ સાથે સિદ્ધિનો વિશ્વાસ છે. જ્યારે આઝાદીને લડાઇ ચાલી રહી હતી અને જે ભાવ, જે જોશ, જે ઉમંગ દેશમાં હતો કે આઝાદી લઇને ઝંપીશું. તે લલક વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં છે.’
ભારતના સેમિકન્ડક્ટર દુનિયાભરના મહત્ત્વના કામમાં આવશે
ભારતના વિકાસની વાત કરતા તેમણે કહ્યું કે ‘આજે ભારત 10 વર્ષમાં એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે આપણે પોતાની સાથે જ સ્પર્ધા કરવાની છે. પોતાના જ રેકોર્ડ તોડવાના છે અને નેકસ્ટ લેવલ પર વિકાસ યાત્રાને લઇ જવાની છે. ગત 10 વર્ષમાં આપણે સ્પીડ પકડી છે, હવે તેમાં થોડી વધુ સ્પીડ લાવવાની છે. આપણે દરેક ક્ષેત્રને નેકસ્ટ લેવલ સુધી લઇ જઇશું. 10 વર્ષમાં ભારતની ઇકોનોમીને પાંચમા નંબર પર લઇ ગયા છીએ. હવે જે ગતિથી નિકળે છે, નંબર ત્રણ પર લઇ જઇશું. 10 વર્ષમાં આપણે ભારતને મોબાઇલ ફોનનું મોટું મેન્યુફેક્ચરર હબ બનાવી દીધું, એક્સપોર્ટર બનાવી દીધું. હવે આ જ કામ આ ટેન્યોરમાં સેમી કન્ડક્ટર અને અન્ય સેક્ટરમાં કરવા જઇ રહ્યા છીએ. દુનિયાભરના મહત્ત્વના કામોમાં જે ચિપ્સ કામ આવશે, તે ભારતની માટીમાં તૈયાર થઇ હશે. આધુનિક ભારત તરફ પણ જઇશું પરંતુ પગ જનસામાન્યની જીંદગી સાથે જોડાયેલા રહેશે. ચાર કરોડ ગરીબોને ઘર બનાવી આપ્યા છે. વધુ 3 કરોડ બનાવીશું જે કોઇને ઘર વિના રહેવું ન પડે.’
દેશમાં 2014 પહેલાનો સમય કૌભાંડોનો હતો
આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસનું નામ લીધા વિના કૌભાંડોનો મુદ્દે છેડ્યો. તેમણે કહ્યું કે ‘આપણ દેશમાં 2014 પહેલાના દિવસોને યાદ કરીશું તો ખબર પડશે કે દેશના લોકોનો આત્મવિશ્વાસ ગુમ થઇ ગયો હતો. દેશ નિરાશામાં હતો. 2014 પહેલાં દેશે આત્મવિશ્વાસ જ ગુમાવી દીધો હતો. 2014 પહેલાં આ જ શબ્દો સંભળાતા હતા કે, આ દેશનું કંઇ ન થઇ શકે... આ સાત શબ્દો ભારતીયોની નિરાશાની ઓળખ બની ગયા હતા. સમાચાર ખોલતા હતા તો કૌભાંડોના સમાચાર વાંચવા મળતા. રોજ નવા કૌભાંડ, કૌભાંડ જ કૌભાંડ. કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા... બેશરમી સાથે સ્વીકારવામાં આવતું હતું કે દિલ્હીથી એક રૂપિયો નિકળે છે તો 15 પૈસા પહોંચે છે. ભાઇ-ભત્રીજાવાદ એટલો ફેલાયેલો હતો કે સામાન્ય યુવાન તો આશા છોડી ચૂક્યો હતો કે કોઇ ભલામણ કરનાર નથી તો જ જિંદગી ચાલશે.’
વડાપ્રધાને વિકસિત ભારતની પણ વ્યાખ્યા કરી
વિકસિત ભારતની વ્યાખ્યા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘દેશની જનતાએ અમારી નીતિઓ જોઇ છે. અમારી નિયત, અમારી નિષ્ઠા પર જનતાએ વિશ્વાસ કર્યો છે. આ ચૂંટણીમાં અમે જનતાની વચ્ચે એક મોટા સંકલ્પ સાથે આશીર્વાદ માંગવા ગયા હતા. અમે આશીર્વાદ માંગ્યા હતા, વિકસિત ભારતના અમારા સંકલ્પ માટે. અમે જન સામાન્ય કલ્યાણ કરવાના ઇરાદા સાથે તેમની સામે ગયા હતા. જનતાએ વિકસિત ભારતના એ સંકલ્પમાં ચાર ચાંદ લગાવીને ફરીથી એકવાર વિજયી બનાવીને સેવાની તક આપી છે. દેશ વિકસિત હોય છે, કોટિ-કોટિ જનોના સપના પૂરા થાય છે. વિકસિત ભારતનો સીધો લાભ દેશના નાગરિકોને મળે છે. ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો થાય છે. આપણા ગામડાં, શહેરોની સ્થિતિમાં પણ મોટો સુધારો થયો છે. દુનિયાની વિકાસ યાત્રામાં ભારત બરાબરી કરશે, તે અમારું સપનું છે. વિકસિત ભારતનો અર્થ છે કે કોટિ-કોટિ નાગરિકોને અનેક તક ઉપલબ્ધ થાય અને તે પોતાની ક્ષમતાના અનુસાર યોગદાન આપી શકે. દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે વિકસિત ભારતના જે સંકલ્પને લઇને અમે ચાલ્યા છીએ, તે માટે અમે ભરપૂર પ્રયત્ન કરીશું, પૂરી નિષ્ઠા અને ઇમાનદારીથી કરીશું. અમારા સમયની પળેપળ, શરીરનો કણેકણ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં લગાવીશું અમે તે કામને અવશ્ય પૂર્ણ કરીશું.’
તુષ્ટીકરણ નહી, સંતુષ્ટિકરણનો વિચાર લઇને ચાલ્યા છીએ
દેશ છેલ્લાં ઘણાં સમયથી તુષ્ટિકરણનું રાજકારણ જોઈ રહ્યો છે. આ ગાળામાં દેશે તુષ્ટિકરણનું મોડલ પણ જોયું. અમે પહેલીવાર તુષ્ટિકરણ નહીં પણ સંતુષ્ટિકરણનો વિચાર લઈને આગળ વધ્યા. અમે સંતુષ્ટિકરણની વાત કરીએ છીએ તો તેનો અર્થ એ છે કે, છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી લાભ પહોંચે. સામાજિક ન્યાય જ સાચા અર્થમાં સેક્યુલરિઝમ હોય છે અને તેના પર દેશની પ્રજા પણ ત્રણવાર મહોર લગાવી ચૂકી છે. તુષ્ટિકરણે દેશને બરબાદ કરી દીધો હતો. અમે ‘જસ્ટિસ ટુ ઑલ, અપીઝમેન્ટ ટુ નન’ના સિદ્ધાંત સાથે આગળ વધ્યા.
જનતાએ 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો છે
વડાપ્રધાને લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાની શરૂઆત સરકારની સિદ્ધિઓથી કરી હતી. તેમણે કહ્યું કે ‘જનતાએ અમારી સરકારનો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો છે. અમે જનસેવા જ ઇશ્વર સેવાનો મંત્ર બનાવીને કામ કર્યું છે. ભ્રષ્ટાચારને લઈને અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે, જેના માટે અમને પ્રજાએ આશીર્વાદ આપ્યા છે. આજે વિશ્વામાં ભારતનું ગૌરવ થઇ રહ્યું છે. દુનિયામાં સાખ વધી છે. ભારતને જોવાનો ગૌરવપૂર્ણ દ્રષ્ટિકોણ પણ દરેક ભારતવાસી અનુભવ કરી રહ્યા છે. અમારું એકમાત્ર લક્ષ્ય નેશન ફર્સ્ટ છે. અમારી દરેક નીતિ, દરેક નિર્ણય, દરેક કાર્યનું એક જ ત્રાજવું રહ્યું છે- ભારત પ્રથમ. ભારત પ્રથમની ભાવના સાથે જે જરૂરી સુધારા હતા, તે પણ સતત ચાલુ રાખ્યા છે. 10 વર્ષમાં અમારી સરકાર સબ કા સાથ, સબ કા વિકાસના મંત્રને લઇને બધાનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરતી રહી છે.’
વડાપ્રધાનના સંબોધન વખતે વિપક્ષનો જોરદાર હંગામો
લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઊભા થયા ત્યારે વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો. વિપક્ષી સાંસદોની નારાબાજી વચ્ચે વડાપ્રધાને સંબોધન ચાલુ કર્યું હતું. બીજી તરફ, સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘આ કોઇ વિરોધની રીત નથી.’