રાજ્યસભામાં પીએમ મોદીએ કર્યો મણિપુરનો ઉલ્લેખ, કહ્યું - અમેે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યાં છીએ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
parliament-session-2024 PM Modi speaks in Lok Sabha
Image : IANS

Parliament Session 2024 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર જવાબ આપી રહ્યા છે. તેમણે એક દિવસ અગાઉ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસને પરજીવી ગણાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી નિશાન તાકવાનું ચાલુ રાખ્યું હતું. પીએમ સ્પીચ દરમિયાન જ વિપક્ષના સભ્યોએ વેલમાં ઉતરી ભારે નારેબાજી કરી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે પણ પીએમ મોદીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. 

• PM Narendra Modi Live in Rajya Sabha

2:00 PM 

યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારાઓને કડક સજા કરાશે 

વડાપ્રધાન મોદીએ પેપર લીક અંગે કહ્યું કે અમે ઈચ્છતા હતા કે આવા સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન રમાય પણ વિપક્ષને તેની ટેવ પડી ગઈ છે. હું ભારતના યુવાઓને આશ્વાસન આપવા માગુ છું કે યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારાઓને કડક સજા મળશે અને તેના માટે એક્શન લેવાઈ રહી છે. 

01:55 PM 

મણિપુર વિશે પીએમ મોદીનું મોટું નિવેદન 

વડાપ્રધાન મોદીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે  11000થી વધુ એફઆઈઆર થઇ તો 500થી વધુ લોકોની ધરપકડ પણ થઈ. એ વાત સ્વીકારવી પડશે કે મણિપુરમાં હિંસાની ઘટના સતત ઘટતી જઈ રહી છે. શાંતિ સ્થપાશે તેવી આશા રાખવી એ સંભવ થયું છે. મણિપુરના મોટાભાગના હિસ્સામાં શાળાઓ ખુલી ગઈ છે, ઓફિસ ચાલે છે, પરીક્ષાઓ પણ યોજાઈ. મણિપુરમાં સંઘર્ષની માનસિકતા ખૂબ જ ઊંડે ઊતરેલી છે જેને કોઈ ભૂલી ના શકે. આ કારણે ત્યાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ફરજ પડી. તેમ છતાં આજે લોકો મણિપુરને લઈને રાજકીય ફાયદો ઊઠાવવાના પ્રયાસ કરી રહ્યા છે. 1993માં આવી જ ઘટનાઓ બની હતી અને એટલી હદે વ્યાપક સ્તરે થયું કે 5 વર્ષ સુધી આવી ઘટનાઓ બનતી રહી. 

01.35 PM

કોંગ્રેસ બંધારણની સૌથી મોટી વિરોધી પાર્ટી 

બંધારણને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'કોંગ્રેસ બંધારણની સૌથી મોટી વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ માટે પરિવાર સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. એક પરિવારની વ્યવસ્થા કયા બંધારણ હેઠળ જોવા મળે છે? કયું બંધારણ કેબિનેટ પ્રસ્તાવને તોડી પાડવાની તક આપે છે? જેઓ આજે બંધારણની જય કહે છે તેઓ ક્યારેક જય ઈન્દિરા કહેતા હતા. કટોકટીના પીડિતો આજે તેની પાસે જઈને બસી ગયા છે. આજે બંધારણને હાથમાં લઈને કાળા કૃત્યોને છુપાવી રહ્યા છે.

01.30 PM 

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

રાજ્યસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, 'શું તમે 1977ની ચૂંટણી ભૂલી ગયા છો? જ્યારે રેડિયો અને અખબારો બંધ હતા. દેશવાસીઓએ લોકશાહીની પુનઃસ્થાપન માટે મતદાન કર્યું હતું. બંધારણના રક્ષણ માટે આખી દુનિયામાં આનાથી મોટી કોઈ ચૂંટણી થઈ નથી. દેશે 1977માં બતાવ્યું હતું કે કેવી રીતે ભારતની નસોમાં લોકશાહી જીવંત છે. તમે દેશને ગેરમાર્ગે દોરો છો.

01.00 PM

હું તમારી પીડા સમજી શકું છું

વિપક્ષના વોકઆઉટ પર જ્યારે રાજ્યસભાના અધ્યક્ષે તેને સંસદીય પરંપરાનું અપમાન ગણાવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'હું તમારી પીડા સમજી શકું છું, 140 કરોડ દેશવાસીઓએ જે જનાદેશ આપ્યો છે, આ લોકો તેને પચાવી શકતા નથી. ગઈકાલે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, તો આજે તેમનામાં લડવાની હિંમત પણ ન હતી, તેથી તેઓ મેદાન છોડીને ભાગી ગયા હતા.'

12.55 PM 

મેદાન છેડીને ભાગવું જ તેમના નસીબમાં લખ્યું છે

રાજ્યસભામાં ભારે હોબાળા બાદ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. જેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું , ' આ ગૃહનું અપમાન છે. દેશની જનતાએ તેમને દરેક રીતે એટલી હદે હરાવ્યા છે કે હવે તેમની પાસે શેરીઓમાં ચીસો પાડવા સિવાય કંઈ બચ્યું નથી. સૂત્રોચ્ચાર કરવો, હોબાળો કરવો અને મેદાનમાંથી ભાગી જવું એમના નસીબમાં લખેલું છે.'

12.50 PM

આજે તેઓએ ગૃહ નથી છોડ્યું , મર્યાદા છોડી દીધી છે - ધનખર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન દરમિયાન વિપક્ષી સભ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખરે વોકઆઉટની નિંદા કરતા કહ્યું કે 'આનાથી દેશના 140 કરોડ લોકોને નુકસાન થશે. આજે તેઓએ ગૃહ નથી છોડ્યું, મર્યાદા છોડી દીધી છે. આ અમારું કે તમારું અપમાન નથી, આ ગૃહનું અપમાન છે. તેઓ મને પીઠ દેખાડીને નથી ગયા, પણ ભારતના બંધારણને પીઠ બતાવી છે. હું ખૂબ જ દુઃખી છું, ભારતના બંધારણનું આટલું અપમાન, આટલી મોટી મજાક. મને આશા છે કે તેઓ આત્મમંથન કરશે.'

12.37 PM

આવનારા 5 વર્ષ ગરીબી સામેની લડાઈમાં નિર્ણાયક વર્ષ હશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અહીં કેટલાક લોકો બેઠા છે જે કહે છે કે આમાં શું છે, આ તો થવાનું જ છે. તેઓ ઓટો પાયલોટ મોડમાં સરકાર ચલાવવા માટે ટેવાયેલા છે, રાહ જોવામાં માને છે. અમે સખત મહેનતમાં માનીએ છીએ. આવનારા પાંચ વર્ષ મૂળભૂત સુવિધાઓના સંતૃપ્તિના છે. સામાન્ય માનવતાઓને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે. અમે તે પ્રકારનું શાસન પ્રદાન કરીશું. આવનારા પાંચ વર્ષ ગરીબી સામેની લડાઈમાં નિર્ણાયક વર્ષ છે. ગરીબી સામેની લડાઈમાં આ દેશનો વિજય થશે, હું 10 વર્ષના અનુભવના આધારે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું. જ્યારે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, ત્યારે તેની અસર જીવનના દરેક ક્ષેત્ર પર પડશે. વિસ્તરણ અને વિકાસની ઘણી તકો ઉપલબ્ધ થવાની છે.

12.35 PM

ગૃહમાં વિપક્ષનો હોબાળો

રાજ્યસભામાં વડાપ્રધાન મોદીના સંબોધન દરમિયાન વિપક્ષના સભ્યોએ હોબાળો કર્યો છે. વિપક્ષના નેતાના સૂત્રોચ્ચાર વચ્ચે પણ વડાપ્રધાન મોદીનું સંબોધન ચાલુ છે.

12.30 PM

દેશની જનતાને એક માત્ર અમારા પર વિશ્વાસ 

રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે આ ચૂંટણી માત્ર છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓ પર મંજૂરીની મહોર તો છે જ પણ ભવિષ્યની નીતિઓ પર પણ મંજૂરીની મહોર છે. અમને તક એટલા માટે આપવામાં આવી છે કારણ કે દેશની જનતાને અમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. છેલ્લા 10 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને 10મા નંબરથી પાંચમા નંબર પર લઈ જવામાં સફળતા મળી છે અને જેમ જેમ સંખ્યા નજીક આવે છે તેમ તેમ પડકારો પણ વધતા જાય છે અને કોરોનાના મુશ્કેલ સમય અને સંઘર્ષના વૈશ્વિક સંજોગો હોવા છતાં અમે સક્ષમ છીએ. આપણી અર્થવ્યવસ્થાને 10માં નંબરથી પાંચમાં લઈ જવામાં સફળ રહી છે. આ વખતે દેશની જનતાએ અમને ભારતને પાંચમા નંબરની અર્થવ્યવસ્થામાંથી ત્રીજા નંબર પર લઈ જવાનો જનાદેશ આપ્યો છે અને મને વિશ્વાસ છે કે જનતાએ આપેલા જનાદેશથી અમે ભારતને ટોચના ત્રણમાં લઈ જઈશું.

12.25 PM

ભ્રમનું રાજકારણ દેશના લોકોએ ફગાવ્યું : પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકોએ ભ્રમનું રાજકાણ ફગાવી દીધું અને વિશ્વાસનું રાજકારણ સ્વીકાર્યું. મારા જેવા ઘણા લોકો છે જેમના પરિવારમાંથી કોઈ સરંપચ પર રહ્યું નથી, રાજકારણથી તેમને કોઈ લેવા દેવા રહ્યા નથી પણ આજે મહત્ત્વપૂર્ણ પદો પર પહોંચ્યા છે. તેનું કારણ બાબાસાહેબનું આપેલું બંધારણ છે. બંધારણ અમારા માટે કલમોનું સંગ્રહ માત્ર નથી પણ તેનું સ્પિરિટ મહત્ત્વપૂર્ણ છે. ગમે તેવી સ્થિતિ હોય બંધારણ અમારું માર્ગદર્શન જ કરે છે.

12:10 PM 

પીએમ મોદીએ રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર કહ્યું કે 60 વર્ષ બાદ એવું થયું છે કે કોઈ સરકાર ત્રીજી વખત સત્તામાં પાછી આવી છે. છ દાયકા બાદ આવી ઘટના સામાન્ય નથી. અમુક લોકો જાણી જોઈને મોઢું ફેરવીને બેઠાં રહ્યા. છેલ્લા બે દિવસથી હું જોઈ રહ્યો છું કે પરાજય પણ સ્વીકારી રહ્યા છે, મન મારીને પણ વિજય સ્વીકારી રહ્યા છે. અમારી સરકારના 10 વર્ષ થયા, 20 વર્ષ હજુ બાકી છે.

રાજ્યસભામાં પીએમ મોદીએ કર્યો મણિપુરનો ઉલ્લેખ, કહ્યું - અમેે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યાં છીએ 2 - image


Google NewsGoogle News