5 વર્ષમાં 730 જવાનોએ આત્મહત્યા કરી, 55555 કર્મીએ આપ્યું રાજીનામું : ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આપી માહિતી
Parliament Session 2024 : હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. બુધવારે પણ લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી ચાલુ રહી હતી, જેમાં કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાના પ્રસ્તાવ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ અને આસામ રાઈફલ્સના કર્મચારીઓની આત્મહત્યા અને રાજીનામા સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.
5 વર્ષમાં 730 જવાનોએ આત્મહત્યા કરી
છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ અને આસામ રાઈફલ્સના 730 જવાનોએ આત્મહત્યા કરી છે. આ દરમિયાન 55555 કર્મચારીઓએ રાજીનામું આપ્યું છે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી : જિતેન્દ્ર સિંહ
લોકસભામાં સરકારને પૂછાયું હતું કે, શું કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવા પર વિચારણા કરી રહી છે? જેના જવાબમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર વધારવાનો સરકાર સમક્ષ કોઈ પ્રસ્તાવ નથી. લોકસભાના સભ્ય શર્મિષ્ઠા સેઠીએ કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની દેખરેખ રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રશ્ન કર્યો હતો કે, શું કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાનો કોઈ પ્રસ્તાવ છે? આ પ્રશ્નનો જવાબ આપતા વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાનો સરકાર સમક્ષ કોઈ પ્રસ્તાવ નથી.