કોણ છે એ લોકો જેમણે સંસદમાં અંદર-બહાર અફરાતફરી મચાવી, એક મહિલા સહિત 5ની અટકાયત
સંસદની અંદર સ્મોક બોમ્બ સળગાવનારા સાગર શર્મા અને મનોરંજનની પણ ધરપકડ
સંસદની બહાર મહિલા દેખાવકારે કહ્યું - તાનાશાહી બંધ કરો...
image : Twitter |
Security lapse in sansad | દેશની સંસદને સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે અને તેની 22મી વરસીએ જ ત્યાં મોટી સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો છે. અહીં બે યુવકો લોકસભાની અંદર સાંસદો વચ્ચે દર્શક ગેલેરીમાંથી કૂદી ગયા હતા. આ સમયે ગૃહની કાર્યવાહી પણ ચાલી રહી હતી જેના લીધે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બંને યુવકોએ સ્મોક બોમ્બ વડે સંસદને હચમચાવી મૂકી હતી. આ બંને શૂઝમાં સ્પ્રે બોમ્બ છુપાવીને લાવ્યા હોવાની માહિતી મળી રહી છે. હવે આ લોકોની ઓળખ થઇ ચૂકી છે. આ મામલે અત્યાર સુધીમાં કુલ 5 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. એક બધાના મોબાઈલ સાથે ફરાર છે.
કોણે કોણ હતાં સામેલ?
લોકસભાની અંદર કલર ક્રેકર લઈને પહોંચેલા યુવકનું નામ સાગર શર્મા હોવાનું જણાવાયું છે. જોકે સાગર ક્યાંનો રહેવાશી છે તેની માહિતી મળી નથી અને તેણે કયા ઉદ્દેશ્યથી આ ઘટનાને અંજામ આપ્યો તે પણ તપાસનો વિષય છે. જ્યારે બીજી યુવકની ઓળખ મનોરંજન તરીકે થઈ હોવાની માહિતી છે.
સંસદ બહાર પણ દેખાવ કરનારા બે પકડાયા
બીજી બાજુ સંસદની સુરક્ષામાં ચૂક અંગે બુધવારે બે કેસ સામે આવ્યા હતા. એક કેસમાં ગૃહની બહાર પણ બે લોકોએ 'તાનાશાહી નહીં ચલેગી...' ની નારેબાજી કરી હતી. આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી જેમાં એક મહિલા સામેલ હતી. તેણે દેખાવોની શરૂઆત કરતાં જ પોલીસે તેને પકડી લીધી હતી. માહિતી અનુસાર આ મહિલાની ઓળખ નીલમ તરીકે થઈ હતી જે હિસારની વતની છે. જ્યારે તેની સાથે અનમોલ શિંદે નામનો યુવક પણ હતો જે લાતુરનો વતની હતી. જ્યારે વધુ એક પકડાયેલો પાંચમો આરોપી વિક્કી છે અને હાલ છઠ્ઠો ફરાર છે જેની પાસે બધાના મોબાઈલ હોવાની માહિતી છે. ફરાર આરોપીનું નામ લલિત હોવાની માહિતી છે.
સંસદ બહાર દેખાવ કરનાર મહિલાએ શું કહ્યું?
સંસદ બહાર પકડાયેલી મહિલાએ દેખાવો કરતી વખતે કહ્યું હતું કે મારું નામ નીલમ છે. ભારત સરકાર જે અમારા પર અત્યાચાર કરી રહી છે, લાઠીચાર્જ કરી રહી છે. અમને જેલમાં પૂરી દેવામાં આવી રહ્યા છે. ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. અમારી પાસે અવાજ ઊઠાવવા બીજું કોઈ માધ્યમ નથી. અમે કોઈ સંગઠન સાથે સંકળાયેલા નથી. આ તાનાશાહી બંધ થવી જોઈએ.