સંસદમાં સુરક્ષા ચૂક: આરોપીઓ સામે UAPA હેઠળ કેસ દાખલ, હુમલાના પ્લાનિંગ વિશે થયો ખુલાસો
ઉલ્લેખનીય છે કે સંસદ હુમલાની 22મી વરસીએ જ ફરી ઉત્પાત
છ લોકોએ પ્લાન કરી સંસદને હચમચાવી નાખી
Parliament Security Breach: 13 ડિસેમ્બર 2001ના રોજ જ્યારે આતંકવાદીઓએ દેશની જૂની સંસદ પર હુમલો કર્યો ત્યારે તેને જોઈને બધા દંગ રહી ગયા હતા. બરાબર 22 વર્ષ પછી એટલે કે 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર જ બે લોકોએ લોકશાહીના મંદિરની સુરક્ષાને ભંગ કરી અને લોકસભામાં પ્રવેશ કર્યો.
UAPA હેઠળ કેસ દાખલ?
સંસદની સુરક્ષા ચૂક મામલે દિલ્હી પોલીસે UAPA હેઠળ કેસ નોંધી લીધો છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે. આ કેસમાં દિલ્હી પોલીસની મજાક બની ગઈ હતી અને સંસદની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊઠી રહ્યા છે.
શું હતો મામલો?
એ જ તારીખ પણ નવી સંસદ. જ્યારે લોકસભાના ગૃહની અંદર, બે માણસો અચાનક દર્શકોની ગેલેરીમાંથી નીચે કૂદી પડે છે અને તેમના જૂતામાંથી સ્મોક એટેક કરી દે છે.જેના લીધે આખા ગૃહમાં ધુમાડો ફેલાય જાય છે અને અરાજકતા ફેલાય છે. આ સ્મોક એટેકમાં માત્ર સંસદની અંદર જ નહીં પરંતુ બહાર પણ બે લોકો હાજર હતા, જેમાંથી એક મહિલા હતી. બાદમાં ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ હુમલામાં કોઈ સાંસદને નુકસાન થયું નથી, પરંતુ સુરક્ષાને લઈને ચોક્કસ સવાલો ઉઠવા લાગ્યા છે.
આ ઘટનામાં કુલ 6 લોકો હતા સામેલ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કુલ 6 લોકો સામેલ હતા જેમાંથી 5ની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે અન્ય એક ફરાર છે. આ પાંચ લોકો ત્રણ દિવસ પહેલા પોતપોતાના ઘરેથી ગુરુગ્રામ પહોંચ્યા હતા અને ત્યાં એક મિત્રના ઘરે રોકાયા હતા. આ પછી બે લોકો સંસદની અંદર અને બે લોકો સંસદની બહાર સ્મોક એટેક કરવા પહોંચ્યા હતા.
કોણ કોણ પકડાયા?
પોલીસે તરત જ કાર્યવાહી કરતાં સાગર શર્મા (લખનૌ) અને ડી મનોરંજન (મૈસૂર)ને ગૃહમાંથી જ કસ્ટડીમાં લીધા હતા જેમણે ગૃહની અંદર ઉત્પાત મચાવ્યો હતો. જ્યારે સંસદની બહાર દેખાવ કરતી વખતે અમોલ શિંદે (લાતુર) અને નીલમ નામની મહિલાની ટ્રાન્સપોર્ટ ભવનની બહારથી અટકાયત કરાઈ હતી. આ સિવાય ગુરુગ્રામના લલિત ઝા નામના વ્યક્તિને પાંચમા વ્યક્તિ તરીકે પકડવામાં આવ્યો હતો. જ્યારે હજુ એક ફરાર હોવાની માહિતી છે.
રેકી કરવામાં આવી હતી
અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, “સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડી મનોરંજન, અમોલ શિંદે સહિત ત્રણ લોકોએ રેકી કરી હતી. આ લોકો સાંસદોની બેઠકો અને ઓડિયન્સ ગેલેરી વિશે જાણતા હતા. આ લોકો જાણતા હતા કે તેઓ પોતાને નુકસાન પહોંચાડ્યા વિના નીચે કૂદી શકે છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સંસદનું ચોમાસુ સત્ર જૂની સંસદમાં યોજાયું હતું જ્યારે શિયાળુ સત્ર નવી સંસદમાં યોજાઈ રહ્યું છે.