ભાજપના દિગ્ગજ નેતા જ્ઞાતિ વિશે એવું તો શું બોલ્યા? રાહુલ ગાંધીએ ભડકીને કહ્યું ‘મને ગાળ આપી’
Rahul Gandhi And Anurag Thakur Clash : સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન આજે જાતીની વસ્તીગણતરી મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન કૉંગ્રેસ સાંસદ અને ગૃહના વિપક્ષી નેતા રાહુલ ગાંધી તેમજ ભાજપ નેતા અનુરાગ ઠાકુર સામે-સામે આવી ગયા હતા અને બન્ને વચ્ચે ભારે રકજક થઈ હતી. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ રાહુલના સમર્થનમાં સત્તા પક્ષના નેતાોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
બજેટની ચર્ચા વચ્ચે કૌભાંડ અને ઓબીસીનો મુદ્દો ઉછળ્યો
ગૃહમાં આજે બજેટ પર ચર્ચા દરમિયાન કૌભાંડ, OBC અને જાતીની વસ્તી ગણતરીનો મુદ્દો ઉછળ્યો હતો. આ દરમિયાન અનુરાગ ઠાકુરે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ઠાકુરે કૉંગ્રેસ પાર્ટીના પૂર્વ વડાપ્રધાનોના ટર્મમાં થયેલા કૌભાંડનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘હું પૂછવા માંગુ છું કે, હલવો કોને મળ્યો. કેટલાક લોકો ઓબીસીની વાતો કરે છે. તે લોકો માટે ઓબીસીનો મતલબ ઑનલી ફૉર બ્રધર ઇન લૉ કમિશન છે. મેં કહ્યું હતું કે, જેમને જાતિની ખબર જ નથી, તેઓ વસ્તીગણતરીની વાતો કરે છે. મેં કોઈનું પણ નામ લીધું નથી, પરંતુ જવાબ આપવા કોણ ઊભા થઈ ગયા...'
આ પણ વાંચો : વાયનાડના હૈયું ધ્રુજાવી નાંખે તેવા દ્રશ્યો; 100થી વધુ મોત, ઘર-રસ્તા-વાહનો તણાયા
અસત્યના પગ હોતા નથી : અનુરાગ ઠાકુર
આ પહેલાં અનુરાગ ઠાકુરે એવું પણ કહ્યું હતું કે, ‘અસત્યના પગ હોતા નથી અને જેમ મદારીના ખભા પર વાનર હોય છે, તેમ અસત્ય કૉંગ્રેસ પાર્ટીના ખભા પર સવારી કરે છે. રાહુલ ગાંધીના ખભા પર અસત્યનું બંડલ હોય છે.’ ઠાકુરના આ નિવેદન બાદ ગૃહમાં ભારે હોબાળો થયો, ત્યારે સ્પીકરે રાહુલ ગાંધીને ઠાકુરનો જવાબ આપવા માટે મંજૂરી આપી હતી.
અનુરાગ ઠાકુરે મને ગાળો આપી : રાહુલનો આક્ષેપ
ઠાકુરના નિવેદન બાદ રાહુલ ગાંધી ઊભા થઈ ગયા હતા અને આક્ષેપ કર્યો કે, ‘અનુરાગ ઠાકુરે મને ગાળો આપી છે, મારું અપમાન કર્યું છે, પરંતુ મને તેમની માફી જોઈતી નથી.’ વાસ્તવમાં આજે અધ્યક્ષની ખુરશી પર જગદંબિકા પાલ બેઠા હતા. આ દરમિયાન અનુરાગે રાહુલ પર નિશાન સાધી કહ્યું હતું કે, ‘તેમને ખબર હોવી જોઈએ કે, LoPનું ફૂલ ફૉર્મ લીડર ઑફ અપોઝિશન હોય છે, લીડર ઑફ પ્રોપેગેંડા નહીં. કૉંગ્રેસ પાર્ટીએ ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે.’
આ પણ વાંચો : આ રાજ્યમાં કૉંગ્રેસમાંથી ચૂંટણી લડવા હોડ: 90 બેઠક માટે અત્યારથી 1500 દાવેદાર
દલિતોની વાત કરનાર ગાળો ખાય છે : રાહુલ ગાંધી
ઠાકુરના નિવેદન બાદ ગૃહમાં ફરી હોબાળો થયો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી પોતાની બેઠક પરથી ઊભા થઈ ઠાકુરને વળતો જવાબ આપ્યો હતો. રાહુલે મહાભારતનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘સ્પીકર સર... જે લોકો દલિતોની વાત ઉઠાવે છે, તેમને ગાળો જ ખાવી પડે છે. હું આ ગાળો ખુશીથી સાંભળીશ. મહાભારતની વાત થઈ, ત્યારે અર્જુનને માત્ર માછલીની આંખ દેખાતી હતી, તો અમે જાતીની વસ્તી ગણતરી કરાવીને રહીશું. આ માટે ભલે મારે ગમે તેટલી ગાળો ખાવી પડે. અનુરાગ ઠાકુરે મને ગાળો આપી છે, જો કે મને તેમની માફી જોઈતી નથી.’