VIDEO : રાહુલ ગાંધીએ ગુલાબ-તિરંગો ઓફર કર્યા પણ રાજનાથે ન સ્વીકાર્યા! વિપક્ષનો અનોખો વિરોધ ચર્ચામાં
Congress Protest in Parliament: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અદાણી ગ્રૂપ સંબંધિત મુદ્દા પર બુધવારે સંસદ સંકુલમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપના સભ્યોને ત્રિરંગો અને ગુલાબનું ફૂલ અર્પણ કર્યું હતું. અગાઉ કોંગ્રેસના સાંસદોએ ગૌતમ અદાણી અને નરેન્દ્ર મોદીની તસવીરો સાથે જેકેટ, માસ્ક અને બેગ લઈને વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધીનો અનોખો વિરોધ
આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંસદ જવા માટે તેમની કારમાંથી બહાર નીકળ્યા કે તરત જ રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ તેમની પાસે પહોંચ્યા અને તેમને ગુલાબના ફૂલ અને ત્રિરંગો અર્પણ કર્યા હતા. જો કે રક્ષા મંત્રીએ ભેટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. કોંગ્રેસે X પર એક વીડિયો પણ શેર કર્યો છે.
સંસદ ચાલવા દેવા કર્યો અનુરોધ
વીડિયો શેર કરવાની સાથે કોંગ્રેસે લખ્યું કે, 'રાહુલ ગાંધીએ ભાજપના નેતા રાજનાથ સિંહને ત્રિરંગો અને ગુલાબ આપીને સંસદનું કામકાજ કરવા દેવાની અપીલ કરી હતી. અદાણીને બચાવવા માટે મોદી સરકાર સતત ગૃહને સ્થગિત કરી રહી છે, જેના કારણે દેશના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી નથી. આથી આજે કોંગ્રેસના સાંસદોએ ભાજપના સાંસદોને ત્રિરંગો અને ગુલાબ આપીને સંસદની ગરિમા જાળવવા અને સંસદ ચાલવા દેવા અનુરોધ કર્યો હતો.'
આ પણ વાંચો: ‘બાંગ્લાદેશ ન માનતું હોય તો હિન્દુઓની સુરક્ષા માટે...’, RSSનું મોદી સરકારને કડક સૂચન
સત્રની શરૂઆતથી જ વિરોધ
સંસદનું શિયાળુ સત્ર 20 નવેમ્બરથી શરૂ થયું હતું. ત્યારથી બંને ગૃહોમાં કામકાજ સતત ખોરવાઈ રહ્યું છે. કોંગ્રેસની માંગ છે કે અદાણી કેસની ચર્ચા કરવામાં આવે. બીજી તરફ ભાજપે આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધી અને કોંગ્રેસ એક એવી સંસ્થા સાથે સંબંધ ધરાવે છે જે જ્યોર્જ સોરોસના ફાઉન્ડેશનમાંથી પૈસા લે છે. આ સંગઠને કાશ્મીરને ભારતથી અલગ કરવાના વિચારને સમર્થન આપ્યું હતું.