સેંગોલ' પર સંસદમાં બબાલ, વિપક્ષે કહ્યું- રાજાશાહીનું પ્રતીક હટાવો, ભાજપે કહ્યું- સવાલ જ નથી...

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
Sengol Controversy


Controversy over Sengol in Parliament: લોકસભા ચૂંટણી 2024 બાદ સંસદનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. આજે નવા ચૂંટાયેલા લોકસભા સભ્યોના શપથ ગ્રહણ અને અધ્યક્ષની ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા છે. આ બધા વચ્ચે સંસદમાં સ્થાપિત સેંગોલને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષી દળોએ સંસદ ભવનમાં સ્પીકરની સીટ પાસે લગાવેલા સેંગોલને હટાવવાની માંગણી શરૂ કરી દીધી છે. સમાજવાદી પાર્ટી (SP)એ સેંગોલને રાજાશાહીનું પ્રતીક ગણાવ્યું છે અને તેને હટાવી તેના સ્થાને બંધારણ સ્થાપિત કરવાની માંગ કરી છે.

'બંધારણ મહત્વપૂર્ણ છે...'

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ આરકે ચૌધરીએ કહ્યું છે કે બંધારણ મહત્વપૂર્ણ છે, તે લોકશાહીનું પ્રતીક છે. અગાઉના કાર્યકાળમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સંસદમાં 'સેંગોલ'ની સ્થાપના કરી હતી. 'સેંગોલ' નો અર્થ 'શાહી લાકડી' થાય છે, તેનો અર્થ 'રાજાની લાકડી' પણ થાય છે. રજવાડાનો અંત લાવી દેશ આઝાદ થયો છે. દેશ રાજાની લાકડીથી ચાલશે કે બંધારણથી? હું માંગ કરું છું કે બંધારણ બચાવવા માટે સેંગોલને સંસદમાંથી હટાવવામાં આવે.

અખિલેશ યાદવે શું કહ્યું?

આરકે ચૌધરીના નિવેદન પર સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે, "મને લાગે છે કે અમારા સાંસદો કદાચ આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે જ્યારે તેની (સેંગોલ) સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે વડા પ્રધાન તેની સામે નતમસ્તક કર્યું હતું. પરંતુ આ વખતે શપથ લેતી વખતે તેઓ સેંગોલ સામે ઝૂકવાનું ભૂલી ગયા હતા. તેથી મારી પાર્ટીએ તેમને તેની યાદ કરાવવા આ નિવેદન આપ્યું છે.  કદાચ મોદી પણ કંઈક બીજું ઇચ્છતા હતા.

નવા સંસદભવનના ઉદ્ધઘાટન સાથે ચર્ચાય છે તે સેંગોલ શું છે ? જાણો સેંગોલનો ઇતિહાસ

કોંગ્રેસ અને આરજેડીનું સપાને સમર્થન

કોંગ્રેસ પાર્ટીએ સેંગોલ મુદ્દે સમાજવાદી પાર્ટીનું સમર્થન કર્યું છે. પાર્ટીએ કહ્યું કે સેંગોલ પર સપાની માંગ ખોટી નથી. કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું કે ભાજપે પોતાની મરજીથી સેંગોલ મૂક્યો છે. સપાની માંગ ખોટી નથી. ગૃહ બધાને સાથે લઈને ચાલે છે પરંતુ ભાજપ મનસ્વી રીતે કામ કરે છે. સેંગોલ મુદ્દે આરજેડી નેતા મીસા ભારતીએ કહ્યું કે સેંગોલને હટાવવો જોઈએ, આ લોકશાહી છે, રાજાશાહી નહીં. સેંગોલને મ્યુઝિયમમાં મૂકવું જોઈએ. તે રાજાશાહીનું પ્રતીક છે, તેથી સેંગોલને દૂર કરવું જોઈએ.

'મોદીજી, બંધારણ...'

ભાજપના લોકસભા સાંસદ ખગેન મુર્મુએ આરકે ચૌધરીના નિવેદન પર કહ્યું કે આ લોકો પાસે બીજું કોઈ કામ નથી. તેઓ બંધારણને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ લોકો બંધારણમાં માનતા નથી. મોદીજી બંધારણને ખૂબ સન્માન આપે છે. સપા નેતાના નિવેદન પર ભાજપના સાંસદ મહેશ જેઠમલાણીએ કહ્યું કે સેંગોલ રાષ્ટ્રનું પ્રતીક છે. સેંગોલની સ્થાપના થઈ હતી, હવે કોઈ તેને દૂર કરી શકાશે નહીં.



Google NewsGoogle News