‘UPA સરકાર વખતે બજેટમાં ઘણા રાજ્યોના નામ ન હતા’ લોકસભામાં નાણામંત્રીએ વિપક્ષ પર સાધ્યું નિશાન

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Nirmala Sitharaman


Nirmala Sitharaman In Parliament : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં કહ્યું કે, હું આ ગૃહના દરેક સભ્યનો આભાર માનું છું કે, તેમણે અહીં રજૂ કરેલા બજેટ પર તેમના વિચારો રજૂ કર્યા અને તેમાં રસ દાખવ્યો. આ બાબત વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી આ સરકારને સતત ત્રીજી વખત ઐતિહાસિક ટર્મ આપવાનો લોકોનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો કોઈ રાજ્યનું નામ ન લેવાય તો તેનો અર્થ એ નથી કે તેને વિકાસ માટે પૈસા નહીં મળે. આપણે બધા 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરીશું.

નાણામંત્રીએ વિપક્ષના આક્ષેપોને રદીયો આપ્યો

નાણામંત્રીએ  બજેટ 2024 પર લોકસભામાં સામાજિક ક્ષેત્ર માટે ઓછી ફાળવણીના વિપક્ષના આક્ષેપોને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ સરકારનો ખર્ચ ઝડપથી વધ્યો છે અને મૂડી ખર્ચે સરકારને કોવિડ પછી ઝડપી વૃદ્ધિ દર જાળવી રાખવામાં મદદ કરી છે.

આ પણ વાંચો : Microsoft Outage : માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી

સીતારમણે યુપીએ સરકાર પર સાધ્યું નિશાન

તેમણે કહ્યું કે, યુપીએ સરકાર દરમિયાન બજેટમાં ઘણા રાજ્યોના નામ અપાયા ન હતા. તો તેનો અર્થ એ થયો કે તે રાજ્યો માટે કોઈ ફાળવણી કરવામાં આવી નથી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના બજેટમાં કોઈપણ ક્ષેત્ર માટે ઓછી ફાળવણી કરવામાં આવી નથી.

કોઈપણ રાજ્યને પૈસા આપવાનો ઈન્કાર કરાયો નથી : સીતારમણ

તેમણે વધુમાં કહ્યું કે, કોઈપણ રાજ્યને પૈસા આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો નથી. અમે કોઈપણ રાજ્યને પૈસા આપવાનો ઈન્કાર નથી કરી રહ્યા. અમે રાજકોષીય ખાધના લક્ષ્યનું પાલન કરી રહ્યા છીએ. રાજકોષીય ખાધ અને આવકનો ગુણોત્તર નાણાકીય વર્ષ 2021માં 80 ટકાથી ઘટીને નાણાકીય વર્ષ 2025માં 36 ટકા થવાની ધારણા છે. તેને 2025-26 સુધીમાં 4.5 ટકાથી નીચે લાવવામાં આવશે.

આ પણ વાંચો : ભાજપના દિગ્ગજ નેતા જ્ઞાતિ વિશે એવું તો શું બોલ્યા? રાહુલ ગાંધીએ ભડકીને કહ્યું ‘મને ગાળ આપી’

‘જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારીનો દર ઘટ્યો’

નાણામંત્રીએ કહ્યું કે, અમે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બજેટ (Budget 2024)માં 17000 કરોડની સહાયની રકમ આપી છે. જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના ખર્ચ માટે 12000 કરોડનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં વિકાસને વેગ મળે, તેથી આ સહાય તે બોજ છે જે આપણે આપણા ખભા પર ઉઠાવવા માંગીએ છીએ. જમ્મુ અને કાશ્મીરમાં 5થી 59 વર્ષની વયના લોકો માટે બેરોજગારીનો દર ઘટ્યો છે. આ દર 2020-21માં 6.4 ટકાથી ઘટીને 2021-22માં 5.7 ટકા અને 2022-23માં 4.4 ટકા પર પહોંચી ગયો છે.

નાણામંત્રીએ કૃષિ અને શિક્ષણનો પણ કર્યો ઉલ્લેખ

નાણામંત્રીએ કૃષિનો ઉલ્લેખ કરીને કહ્યું કે, વર્ષ 2013-14માં કૃષિ માટે 0.30 લાખ કરોડ રૂપિયા જાહેર કરાયા હતા, જ્યારે હવે તેમાં 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતાં 8000 કરોડ રૂપિયા વધુ છે. વર્ષ 2013-14માં શિક્ષણ અને રોજગાર માટે 0.85 લાખ કરોડ રૂપિયાની ફાળવણી સામે આ વખતે 1.48 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. આપણે બધાએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે કામ કરવાનું છે. બજેટ 2024 વિકસિત ભારત તરફનું પ્રથમ પગલું હશે.

સીતારમણે હલવા સેરેમની પર રાહુલ પર સાધ્યું નિશાન

નાણામંત્રી નિર્મલા સીતારમણે હલવા સેરેમની મુદ્દે રાહુલ ગાંધીના પ્રહારનો જવાબ આપતા કહ્યું, ‘આ ફોટો ઈવેન્ટ ક્યારે બની ગઈ? 2013-14માં પણ બજેટ પહેલા હલવો વહેંચવામાં આવતો હતો. શું કોઈએ તેમને પૂછ્યું કે, તે સમયે એમાં કેટલા એસસી, એસટી હતા? મિન્ટો રોડ પર બજેટ પેપર છપાતા ત્યારથી આ ઇવેન્ટ ચાલી રહી છે. બજેટ બનાવવા સાથે સંકળાયેલા લોકોને 9 દિવસ અને 8 રાત સુધી ભોંયરામાં બંધ રાખવામાં આવતા હતા. બજેટનું કામ શરૂ થયા પહેલા આ જ કર્મચારી દ્વારા હલવો તૈયાર કરવામાં આવતો હતો. આ ભારતીય પરંપરા છે.’

SC-ST અને મહિલાઓ માટે બજેટમાં ફાળવણી વધી

નાણાપ્રધાન સીતારમણે કહ્યું, ‘એસસી, એસટી, મહિલાઓ અને પછાત વર્ગોને અવગણવાની વાત થઈ રહી છે, જ્યારે હું કહીશ કે તેમના વિકાસ માટે ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત UPAમાં પારદર્શિતાનો અભાવ હતો, પરંતુ વર્તમાન મોદી સરકારમાં નથી. અમે પારદર્શિતાના તમામ પગલાં લઈ રહ્યા છીએ.’

યુપીએ સરકારે સ્વામીનાથન કમિશનની ભલામણો સ્વીકારી નહોતી 

ખેડૂતોને એમએસપી મુદ્દે નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2007માં યુપીએ સરકારના કાર્યકાળમાં એમએસ સ્વામીનાથન કમિશને ખેડૂતલક્ષી ભલામણો કરી હતી. એમાં એમએસપીને પાકની સરેરાશ કિંમતના 50% કરતા વધુ આપવાના સૂચનને સ્વીકાર્યું નહોતું. પરંતુ આ મોદી સરકારે ટેકાના ભાવ વધારવા ઉપરાંત ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ આપી છે.


Google NewsGoogle News