છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વાઘના થયા મોત, હુમલામાં કેટલા વ્યક્તિઓએ ગુમાવ્યો જીવ? સરકારે સંસદમાં રજૂ કર્યો ડેટા
India Tigers Death Data : દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વાઘના મોત થયા અને વાઘના હુમલામાં કેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો તે અંગે સરકારે સંસદમાં આંકડાં રજૂ કર્યા છે. આ આંકડાં મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કુદરતી કારણોસર અને શિકારના કારણે 628 વાઘના મોત થયા છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી(NTCA)ના રિપોર્ટ મુજબ વર્ષ 2019માં દેશમાં 96, 2020માં 106, 2021માં 127, 2022માં 121 અને 2023માં 178 વાઘના મોત થયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં વાઘના હુમલામાં 349 વ્યક્તિઓના મોત
કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં વાઘના હુમલામાં 349 વ્યક્તિઓના મોત થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 200 લોકોએ જીવ ગુમાવ્યો છે. ડેટા મુજબ વર્ષ 2019 અને 2020માં વાઘના હુમલામાં 49-49 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે 2021માં 50, 2022માં 110 અને 2023માં 82 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વાઘના હુમલામાં ઉત્તર પ્રદેશમાં 59 અને મધ્ય પ્રદેશમાં 27 લોકોના મોત થયા હતા.
દેશમાં કુલ વાઘની સંખ્યા કેટલી?
સરકારી આંકડાં મુજબ 2012 બાદ વર્ષ 2023માં સૌથી વધુ વાઘના મોત થયા છે. વર્ષ 2022ના આંકડાં મુજબ દેશમાં હાલ વાઘની કુલ સંખ્યા 3682 છે, જે વિશ્વભરના કુલ વાઘની સંખ્યાના 75 ટકા છે. ભારત સરકારે વાઘના રક્ષણ માટે વર્ષ 1973માં પ્રોજેક્ટ ટાઇગરની શરુઆત કરી હતી.
દેશમાં કુલ 55 વાઘ સંરક્ષણ કેન્દ્રો
પ્રોજેક્ટ ટાઇગરની શરુઆત 18,278 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા નવ વાઘ સાથે કરવામાં આવી હતી. આજે દેશમાં કુલ 55 વાઘ સંરક્ષણ કેન્દ્રો છે, જે કુલ 78,735 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરે છે અને આ વિસ્તાર દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 2.4 ટકા છે.