રિજિજુએ વક્ફ બિલને જેપીસીમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો, સ્પીકરે કહ્યું- હવે સમિતિ બનાવીશું

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
રિજિજુએ વક્ફ બિલને જેપીસીમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો, સ્પીકરે કહ્યું- હવે સમિતિ બનાવીશું 1 - image


Parliament: સંસદમાં સરકાર તરફથી આજે વક્ફ બોર્ડમાં સુધારાની માગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા વક્ફ એક્ટ 1995માં સુધારા માટે વક્ફ(સુધારા) બિલ 2024 અને મુસ્લિમ વક્ફ એક્ટ 1923ને સમાપ્ત કરવા માટે મુસ્લિમ વક્ફ (રિપીલ) બિલ 2024 લોકસભામાં રજૂ કરાયું.  તેના પર સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. 

• 03.20 PM

વક્ફ બિલ જેપીસીને મોકલાશે, સ્પીકરે કહ્યું - જલદી સમિતિ બનાવીશું 

કિરેન રિજિજુએ કહ્યું કે અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે વક્ફમાં સુધારા અંગેનું બિલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીને મોકલી દેવામાં આવે.   તેના પર સ્પીકરે કહ્યું કે હાં અમે જલદી જ સમિતિ બનાવીશું. અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ડિવિઝનની માગ કરી હતી. જેની સામે સ્પીકરે કહ્યું કે તેના પર ડિવિઝન કેમ માગો છો? ત્યારબાદ ઓવૈસીએ કહ્યું કે અમે તો શરૂથી ડિવિઝનની માગ કરી રહ્યા છીએ.

• 03.14 PM

આ બિલને જેપીસી પાસે મોકલી દો, અમે તૈયાર છીએ- રિજિજુ

કેન્દ્ર સરકાર વતી કિરેન રિજિજુએ કહ્યું કે અમે ભાગીશું નહીં. આ બિલ અહીં પાસ કરી દો. તેના પછી તેમાં જે પણ સ્ક્રૂટિની કરવી હોય અમે તેના માટે તૈયાર છીએ. આ બિલ તમે સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દો. દરેક પક્ષના સભ્યોને એ કમિટીમાં સામેલ કરો, જે પણ સ્ક્રૂટિની કરવી હોય તેના માટે અમે તૈયાર છીએ. આ સાથે કિરેન રિજિજુએ મુસ્લિમ વક્ફ રિપીલ બિલ રજૂ કર્યું હતું. 

• 02.18 PM

રિજિજુએ કહ્યું કે વક્ફ બોર્ડ પર અનેક લોકોએ કબજો કરી લીધો છે 

એવું જાણવા મળ્યું છે કે જે હેતુ માટે 1955નો વકફ સુધારો લાવવામાં આવ્યો હતો તે હેતુ પૂરો થઈ રહ્યો નથી. તેમાં ઘણી ખામીઓ જોવા મળી છે. એ સુધારાથી ઈચ્છા પ્રમાણેના લક્ષ્યો પ્રાપ્ત ન થયા એટલે આજે આ બિલ લાવવામાં આવ્યું છે. આપણે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ. આ બિલનું સમર્થન કરો, તમને કરોડો લોકોના આશીર્વાદ મળશે. કેટલાક લોકોએ વક્ફ બોર્ડ પર કબજો કરી લીધો છે. ગરીબોને ન્યાય મળ્યો નથી. ઇતિહાસમાં આ વાત નોંધાશે કે કોણે આનો વિરોધ કર્યો.

• 02.15 PM

ભારત સરકારને વકફ પર બિલ લાવવાનો અધિકાર: રિજિજુ 

કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલનો વિરોધ કરતી વખતે વિપક્ષ દ્વારા આપવામાં આવેલી દલીલો ક્યાંય ટકતી નથી. આ બિલમાં બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો નથી. આ બિલ કોઈના અધિકારો છીનવી લેવા માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ જે લોકો વંચિતોને ન્યાય આપવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો. ભારત સરકારને બિલ લાવવાનો અધિકાર છે. વકફમાં સુધારા અંગેના બિલ બ્રિટિશ યુગથી આઝાદી પછી ઘણી વખત રજૂ કરાયા. આ કાયદો સૌપ્રથમ 1954માં લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આજે અમે જે સુધારો લાવવા જઈ રહ્યા છીએ તે વકફ એક્ટ 1955 છે જેમાં 2013માં સુધારો કરવામાં આવ્યો હતો અને તેમાં એવી જોગવાઈ દાખલ કરવામાં આવી હતી જેના કારણે અમારે આ સુધારો લાવવો પડ્યો છે. 1955ના વકફ સુધારામાં જે પણ જોગવાઈઓ લાવવામાં આવી હતી, લોકોએ તેને જુદી જુદી રીતે જોઈ. 

આ પણ વાંચો : વક્ફ બિલમાં સુધારા સાથે જ ઘણું બધું બદલાઈ જશે, સંસદમાં તેના પર જ થયું ઘમસાણ

• 02.05 PM 

JDU બાદ શિવસેના (શિંદે)એ પણ બિલને સમર્થન આપ્યું

JDU બાદ શિવસેના (શિંદે)એ પણ બિલને સમર્થન આપ્યું છે. શ્રીકાંત શિંદેએ બિલને સમર્થન કરતા કહ્યું કે 'આ બિલનો વિરોધ કેટલાક લોકો જાતિ, ધર્મના નામ પર કરી રહ્યા છે. આ બિલનો હેતુ પારદર્શિતા અને જવાબદારી છે. વિરોધ પક્ષ બિલને લઈને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે.' શિંદેએ વધુમાં સવાલ પૂછ્યો કે તમારે અલગ કાયદાની જરૂર કેમ છે? મહારાષ્ટ્રમાં જ્યારે તેમની સરકાર હતી ત્યારે શિરડી અને અન્ય મંદિરો અંગે સમિતિ રચવાનું કામ થયું હતું. ત્યારે તેમને બિનસાંપ્રદાયિકતા યાદ આવી ન હતી.'

• 02.02 PM

આ બિલથી દેશની ઈમેજ ખરાબ થશે - મિયાં અલ્તાફ

લોકસભામાં સત્તા પક્ષ-વિપક્ષની જોરદાર ચર્ચા ચાલી રહી છે. ત્યારે મિયાં અલ્તાફ અહેમદે કહ્યું છેકે 'ભારત દેશ સમગ્ર વિશ્વમાં ધર્મનિરપેક્ષતા માટે જાણીતો છે. આ બિલ લાવીને સરકાર દેશની છબી ખરાબ કરી રહી છે.' તો આંધ્ર પ્રદેશના YSRCP સાંસદ મિધુન રેડ્ડીએ પણ બિલનો વિરોધ કરીને કહ્યું છેકે 'અમે ઓવૈસીની ચિંતાઓ સાથે સહમત છીએ.'

• 01.57 PM

બિલમાં બંધારણના ધજાગરાં ઉડાડાયા : ઈમરાન મસૂદ

આ બિલનો વિરોધ કરતા ઈમરાન મસૂદે સંસદમાં કહ્યું કે 'આ બિલથી બંધારણના ધજાગરા ઉડાવવાનું કામ થઈ રહ્યું છે. વક્ફ બોર્ડ તમામ મસ્જિદોનું સંચાલન કરે છે. વક્ફ બોર્ડ પાસે દેશમાં આઠ લાખ એકરની પ્રોપર્ટી છે. તમે વકફની જમીનોને અતિક્રમણમાંથી મુક્ત કરવા માટે પગલાં ભર્યા હોત.'

• 01.56 PM

આ બિલ સમજી-વિચારેલું કાવતરું : અખિલેશ યાદવ 

અખિલેશ યાદવે કહ્યું કે આ બિલ એકદમ સમજી વિચારેલા કાવતરાં હેઠળ રજૂ કરાયું છે. વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમોને સામેલ કરવાનો શું ઉદ્દેશ્ય છે? ઈતિહાસ વાંચો, એક જિલ્લાધિકારી હતા તેમણે શું-શું કર્યું તે આપણે બધા જાણીએ છીએ. લઘુમતીઓના અધિકારો છીનવાઈ રહ્યા છે. અખિલેશ યાદવે આ દરમિયાન લોકસભા અધ્યક્ષને સંબોધતા કહ્યું કે તમારા પણ અધિકારો છીનવાઈ રહ્યા છે. તેના પર ગૃહમાં બિરાજિત ગૃહમંત્રી અમિત શાહ ભડકી ગયા હતા અને તેમણે અખિલેશ યાદવને કહી દીધું કે તમે ગોળ ગોળ વાતો ના કરશો. તમે અધ્યક્ષના અધિકારોના સંરક્ષક નથી.

• 01.49 PM

દેશને વિભાજિત કરવાનું કામ કરી રહી છે સરકાર, મુસ્લિમોના દુશ્મન છે : ઓવૈસી 

અસદુદ્દીન ઓવૈસીએ નિયમ 72 (2) હેઠળ બિલ રજૂ કરવાનો વિરોધ કરતાં કહ્યું કે આ બંધારણની મૂળ ભાવના પર હુમલો છે. હિન્દુઓ વિશે ઓવૈસીએ કહ્યું કે એક હિન્દુ તરીકે તમે દીકરી કે દીકરાને તમારી આખી સંપત્તિ આપી શકો છો પણ અમે મુસ્લિમ તરીકે એક તૃતીયાંશ જ આપી શકીએ છીએ. હિન્દુ સંગઠન અને ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીમાં કોઈ અન્ય ધર્મની વ્યક્તિ સામેલ થતી નથી તો વક્ફમાં કેમ? આ બિલ હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભેદભાવ કરે છે. વક્ફ પ્રોપર્ટી પબ્લિક પ્રોપર્ટી નથી. આ સરકાર દરગાહ અને અન્ય સંપત્તિઓ લઈ લેવા માગે છે. સરકાર કહે છે કે અમે મહિલાઓને આપી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે તમે બિલ્કિસ બાનો અને જકિયા જાફરીને સભ્ય બનાવશો. સત્તા પક્ષ સામે નિશાન તાકતાં અખિલેશે કહ્યું કે તમે દેશને વિભાજિત કરવાનું કામ કરી રહ્યા છો. તમે મુસ્લિમોના દુશ્મન છો.

• 01.35 PM

સરકાર સિસ્ટમની હત્યા કરી રહી છે : મોહમ્મદ બશીર 

કેરળથી મુસ્લિમ લીગના સાંસદ મોહમ્મદ બશીરે આ બિલનો વિરોધ કરતાં કહ્યું કે સરકાર અન્યાય કરી રહી છે. સરકાર આ બિલના માધ્યમથી સિસ્ટમની હત્યા કરી રહી છે. હિન્દુ-મુસ્લિમ કરવામાં આવી રહ્યું છે. અમે દેશને ખોટી દિશામાં નહીં જવા દઈએ.

• 01.30 PM

વક્ફ બિલની જાણકારી જ મીડિયાએ આપી : સુપ્રિયા સૂળે 

સુપ્રિયા સૂળેએ વક્ફ બિલ પર સરકારને ઘેરતાં કહ્યું કે સરકારની એક નવી કાર્યપ્રણાલી દેખાઈ રહી છે. તે સંસદથી પહેલા મીડિયાને જણાવે છે. આ બિલની જાણકારી અમને મીડિયાથી મળી. આ મામલે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ બિલ સર્ક્યુલેટ કરાયો છે. 6 તારીખે લોકસભા પોર્ટલ પર તેને સર્ક્યુલેટ કરી દેવાયું હતું. તેના પર સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં પણ તેના પર ચર્ચા થઈ હતી. સુપ્રિયા સૂળેએ આ દરમિયાન બાંગ્લાદેશની ઘટનાનો ઉલ્લેખ કર્યોઅ ને કહ્યું કે આ બિલ હાલના સમયે જ કેમ લવાયું? વક્ફ બોર્ડમાં એવું તો શું થયું છે કે આ બિલ અત્યારે જ લાવવાની જરૂર પડી?

• 01.25 PM

વક્ફ બિલ મુસ્લિમવિરોધી નહીં : લલન સિંહ 

કેન્દ્રીયમંત્રી લલન સિંહે સંસદમાં વક્ફ બિલનું સમર્થન કર્યું છે. લલન સિંહે વિપક્ષ પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે આ બિલ મુસ્લિમો વિરુદ્ધ નથી. તે મંદિરની વાત કરે છે, અહીં મંદિરની વાત ક્યાં આવી? કોઈપણ સંસ્થા જ્યારે નિરંકુશ થશે તો સરકાર તેના પર અંકુશ લાદવા માટે પારદર્શકતા લાવવા માટે કાયદો બનાવશે. આ તેનો અધિકાર છે. પારદર્શકતા હોવી જોઈએ અને આ બિલ તેના માટે જ છે. વિપક્ષ લઘુમતીઓની વાત કરે છે અને શીખોની કત્લેઆમ કોણે કરી હતી તે બધા જાણે છે.

• 01.20 PM

આ બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન : કનિમોઝી 

ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિએ કહ્યું કે આ બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે. કોઈ મંદિરની કમિટીમાં જ્યારે કોઈ બિન હિન્દુ સભ્ય નથી તો વક્ફમાં કેમ? આ બિલ ખાસ કરીને એક ધાર્મિક ગ્રૂપને ટારગેટ કરે છે જે સમાનતાના કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ બિલ સંપૂર્ણપણે મુસ્લિમો વિરુદ્ધ છે. આ દેશ સેક્યૂલર દેશ છે જેમાં અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષાના લોકો રહે છે.

• 01.15 PM

રામપુરના સાંસદે કહ્યું - આ અમારા ધર્મમાં દખલનો પ્રયાસ

રામપુરથી સાંસદ મોહિબુલ્લાએ પણ વક્ફ બિલ અંગેની ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે ચારધામથી લઈને તમામ હિન્દુ મંદિરોમાં કમિટીઓ સંચાલન કરે છે. ગુરુદ્વારાની મેનેજમેન્ટ કમિટીમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે ફક્ત શીખ જ સભ્ય હશે તો પછી મુસ્લિમો સાથે જ અન્યાય કેમ? આપણે મોટી ભૂલ કરવા જઇ રહ્યા છીએ જેના લીધે સદીઓ સુધી ભોગવવાનો વારો આવશે. સરકારી વિભાગો હેક કરી લેવાયા છે, સરવે કમીશનના અધિકારો ખતમ કરી દેવાયા છે. આ અમારા ધમર્ને લગતો મુદ્દો છે, એટલા તેના પર નિર્ણય તમે કરશો કે અમે? આ અમારા ધર્મમાં દખલ કરવાના પ્રયાસો છે. જો આ બિલ પાસ થશે તો લઘુમતીઓ પોતાને સુરક્ષિત નહીં અનુભવે.

• 01.10 PM

વક્ફ બિલ અંગે કોંગ્રેસના પ્રહાર

કોંગ્રેસે આ બિલ સામે વાંધો ઊઠાવતાં ભારે વિરોધ કર્યો હતો. વિપક્ષ તરફથી કે.સી.વેણુગોપાલે વાંધો ઊઠાવતાં કહ્યું કે આ બિલ બંધારણ દ્વારા આપેલા ધર્મ અને મૂળભૂત અધિકારો પર સીધો હુમલો છે. આ બિલ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. આ ઉપરાંત તેમણે સવાલ કર્યો કે 'શું અયોધ્યાના મંદિરમાં કોઈ બિન-હિંદુ છે, શું કોઈ મંદિરની સમિતિમાં કોઈ બિન-હિંદુને રાખવામાં આવ્યો છે. વક્ફ પણ એક ધાર્મિક સંસ્થા છે. આ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.' કોંગ્રેસ નેતાએ કહ્યું કે તમે આ મુદ્દો ખાસ તો આવનારી હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ છંછેડ્યો છે. 

• 01. 05 PM

કાયદામંત્રી કિરેન રિજિજુએ વક્ફ બિલ રજૂ કર્યું 

સંસદમાં કાયદામંત્રી કિરેન રિજિજુએ વક્ફ બિલ રજૂ કરી દીધું છે. આ મામલે લોકસભામાં ચર્ચા કરવામાં આવી રહી છે.

• 01.00 PM

વક્ફ બિલ પર ચિરાગની પાર્ટીનું સ્ટેન્ડ સામે આવ્યું

વક્ફ બિલ અંગે NDAના સહયોગી ચિરાગ પાસવાનની પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે.   ચિરાગની પાર્ટીએ કહ્યું કે આ બિલ મુસ્લિમોની વિરુદ્ધ નથી પરંતુ તેને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલાવું જોઇએ.

• 12:17 PM 

બપોરે 1 વાગ્યે વક્ફ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે

બપોરે 1 વાગ્યે વક્ફ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે રિજિજુ શૂન્યકાળ પછી 1 વાગ્યે આ બિલ રજૂ કરશે. હાલમાં શૂન્ય કાળની ડિમાંડ છે. 

• 12:15 PM 

ભાજપ જુઠ્ઠું બોલે છે : કાર્તિ ચિદમ્બરમ 

કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે વક્ફ બિલ અંગે કહ્યું કે ભાજપ જુઠ્ઠાણું ફેલાવે છે કે વિપક્ષ સાથે ચર્ચા કરવામાં આવી છે. જો તેમણે એવું કર્યું જ છે તો તેના મિનિટ્સ બતાવે. ભાજપે બેરોજગારી પર ફોકસ કરવાની જરૂર છે. તેમની પ્રાથમિકતાઓ ખોટી છે. કોંગ્રેસ તેના વિરોધમાં છે અને તેને સિલેક્ટ કમિટીને મોકલવું જોઈએ. 

• 12:13 PM 

વક્ફ બિલ અંગે નકવીએ કહ્યું - આ લાંબા સમયથી પેન્ડિંગ સમસ્યાનું સમાધાન 

ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ વક્ફ બિલ અંગે કહ્યું કે લાંબા સમયથી પેન્ડિંગ સમસ્યાનું સમાધાન થઇ રહ્યું છે. વક્ફ બોર્ડના જે લોકો વિરોધ કરી રહ્યા છે આ તેમની ટેવ છે. તે લોકો સમજ્યા વિના સામાજિક અને સમાવેશી સુધારાનો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્યસભામાં આરોપોથી દુઃખી સભાપતિ ધનખડ ખુરશી છોડી નીકળી ગયા, વિપક્ષનું પણ વૉકઆઉટ

રિજિજુએ વક્ફ બિલને જેપીસીમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો, સ્પીકરે કહ્યું- હવે સમિતિ બનાવીશું 2 - image


Google NewsGoogle News