સંસદ હુમલાના માસ્ટરમાઈન્ડે પિતા પાસે માંગ્યા હતા રૂ. સાત લાખ, શું હતી તેની યોજના...

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
સંસદ હુમલાના માસ્ટરમાઈન્ડે પિતા પાસે માંગ્યા હતા રૂ. સાત લાખ, શું હતી તેની યોજના... 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર

સંસદમાં ઘૂસણખોરીની ઘટનાના માસ્ટરમાઈન્ડ લલિત ઝા એ પોતાના પિતા પાસે થોડા મહિના પહેલા 7 લાખ રૂપિયા માગ્યા હતા. બિહારના દરભંગા જિલ્લામાં આવેલા તેમના પૈતૃક ગામમાં બહેડા પોલીસે પહોંચીને શનિવારે લલિતના માતા-પિતા સાથે લગભગ એક કલાક સુધી પૂછપરછ કરી. પૂછપરછમાં લલિતના પિતા દેવાનંદ ઝા એ જણાવ્યુ કે શુક્રવારે સાંજે દિલ્હી પોલીસે ફોન પર લલિતની ધરપકડની જાણકારી આપી હતી. આ અગાઉ તેમને આ વિશે કંઈ ખબર નહોતી. 

બહેડા પોલીસની ટીમે રામપુર ઉદય જઈને જાણકારી મેળવી. પોલીસે સૌથી પહેલા લલિતના પિતા દેવાનંદ ઝા નો મોબાઈલ ફોન તપાસ્યો. તેમાંથી ફોટો-વીડિયોની માહિતી લીધી. દેવાનંદના ભાઈઓ અને અન્ય સંબંધીઓના ફોન નંબર પણ લેવામાં આવ્યા છે. 

લલિતે 7 લાખ રૂપિયા માંગ્યા હતા

સંસદ સુરક્ષાભંગના માસ્ટરમાઈન્ડ લલિત ઝા ના પિતાએ કહ્યુ કે તેમના પુત્રએ થોડા મહિના પહેલા મોટી રકમ માંગી હતી. દેવાનંદ ઝા એ જણાવ્યુ કે લલિતે પહેલા તેમને કહ્યુ હતુ કે નીટની પરીક્ષામાં તેને સફળતા મળી છે. રેન્ક ઓછા હોવાના કારણે તેનું એડમિશન કોઈ ખાનગી મેડીકલ કોલેજમાં જ થઈ શકશે. આ માટે તેને 7 લાખ રૂપિયાની જરૂર છે. એડમિશન માટે તાત્કાલિક 3 લાખ રૂપિયા આપવા પડશે. જોકે, પિતાએ લલિતને રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેનું કારણ તેમણે પોતાની નબળી આર્થિક સ્થિતિ ગણાવ્યુ. દેવાનંદ ઝા એ પોલીસને કહ્યુ કે તેઓ કોલકાતામાં પૂજા-પાઠ કરાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 

શુક્રવારની સાંજે દિલ્હી પોલીસે તેમને ફોન કર્યો કે સંસદની સુરક્ષામાં ચૂક મામલે તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ. લલિતના પિતાએ જણાવ્યુ કે લલિત સાથે ફોન પર તેમની છેલ્લી વખત વાત 10 ડિસેમ્બરે થઈ હતી. તે સમયે પિતાએ તેને કહ્યુ હતુ કે તેઓ ગામડે જઈ રહ્યા છે. તેમણે લલિતને પણ સાથે આવવાનું કહ્યુ હતુ પરંતુ તેણે ના પાડી દીધી હતી.

દેવાનંદ ઝા નું કહેવુ છે કે સંસદ સુરક્ષાચૂક મામલે તેમનો પુત્ર સંપૂર્ણપણે નિર્દોષ છે. જો તેની સાથે કોઈ પણ પ્રકારની કડકાઈ કરવામાં આવશે તો તે સંપૂર્ણપણે અયોગ્ય હશે. પોલીસે જણાવ્યુ કે લલિત ઝા ના પરિવારજનો સાથે પૂછપરછ કરવામાં આવી છે.  



Google NewsGoogle News