સંસદ જ સુપ્રીમ, તેના ઉપર કોઈ ઓથોરિટી નહીં : ઉપરાષ્ટ્રપતિ ધનખડ
- વિપક્ષની આકરી ટીકા છતાં સુપ્રીમ કોર્ટ પર ધનખડના હુમલા યથાવત્
- લોકતંત્રમાં સંસદ અને કાર્યપાલિકા નહીં પણ બંધારણ જ સર્વોચ્ચ છે અને બંધારણની વ્યાખ્યા કરવાની જવાબદારી સુપ્રીમની છે : સિબલ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની ટીકા કરવા મુદ્દે વિપક્ષના હુમલાથી જરાપણ ભયભીત થયા વિના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સર્વોચ્ચ અદાલતની ટીકા કરવનું ચાલુ રાખ્યું છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે મંગળવારે જણાવ્યું કે, લોકતંત્રમાં સંસદ જ સુપ્રીમ છે અને તેના ઉપર કોઈ ઓથોરિટી નથી. બીજીબાજુ કોંગ્રેસ નેતા કપિલ સિબલ પર પલટવાર કરતા કહ્યું કે, સંસદ કે કાર્યપાલિકા નહીં પરંતુ બંધારણ સર્વોપરી છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટની ટીકા કરતા તેમના મંતવ્યો અંગે ફરી એક વખત મંગળવારે ખુલીને નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, બંધારણ કેવું હોવું જોઈએ અને તેમાં કયા સુધારા થવા જોઈએ તે નિશ્ચિત કરવાનો પૂરો અધિકાર સાંસદોને છે. તેમની ઉપર કોઈપણ નથી.
સુપ્રીમ કોર્ટની ટીકા કરતા તેમના જૂના નિવેદનના સંદર્ભમાં ધનખડે કહ્યું કે, મેં જે કહ્યું હતું તે દેશ હિતમાં હતું. બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિનું નિવેદન રાષ્ટ્રના પરમહિતમાં હોય છે. લોકતંત્રમાં સંસદ જ સુપ્રીમ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિશ્ચિત કરે છે કે બંધારણ કેવું હોવું જોઈએ.
રાજ્યસભાના અધ્યક્ષ ધનખડે બંધારણની પ્રસ્તાવના અંગે વ્યાખ્યાઓમાં સુપ્રીમ કોર્ટમાં વિસંગતતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, ગોલકનાથના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી જ્યારે કેશવાનંદ ભારતીના બીજા કેસમાં સુપ્રીમે કહ્યું પ્રસ્તાવના બંધારણનો જ ભાગ છે. જગદીપ ધનખડે કટોકટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ૨૫ જૂન ૧૯૭૫નો દિવસ આપણા લોકતંત્ર માટે કાળો દિવસ હતો. આ દિવસે દેશની સર્વોચ્ચ અદાલતે ૯ હાઈકોર્ટની સલાહની અવગણના કરી હતી. કટોકટી સમયે લોકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું, પરંતુ સોદાબાજી કરી નહોતી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ભાજપ સાંસદો સુપ્રીમ કોર્ટની ટીકા કરી રહ્યા છે, જેના પગલે વિવાદ સર્જાયો છે. આવા સમયે કેન્દ્ર સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, સરકારને ન્યાયતંત્ર માટે સન્માન સર્વોપરી છે. લોકતંત્રના બધા જ સ્તંભ વિકસિત ભારત માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
દરમિયાન રાજ્યસભાના અધ્યક્ષ પર પલટવાર કરતા રાજ્યસભાના અપક્ષ સાંસદ અને વરિષ્ઠ વકીલ કપીલ સિબલે કહ્યું કે, સંસદ પાસે કાયદો પસાર કરાવવાની પૂરી શક્તિ છે. સુપ્રીમ કોર્ટ પાસે બંધારણની વ્યાખ્યા કરવા અને પૂર્ણ ન્યાય કરવાની જવાબદારી છે. સુપ્રીમે જે પણ કંઈ કહ્યું છે તે આપણા બંધારણીય મૂલ્યોને અનુરૂપ છે અને રાષ્ટ્રીય હિતોથી નિર્દેશિત છે. દેશમાં ના સંસદ અને ના કાર્યપાલિકા, બંધારણ સર્વોચ્ચ છે. બંધારણની જોગવાઈની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટ કરે છે. આ દેશે કાયદાને અત્યાર સુધીમાં એ જ રીતે સમજ્યો છે.