ભાજપ સાંસદને ધક્કો મારવા બદલ રાહુલ ગાંધીને જેલ થઈ શકે છે, જાણો શું છે નિયમો
Parliament, Congress-BJP Dr. Bhimrao Ambedkar Controversy : સંસદનું શિયાળુ સત્ર ભારે હોબાળા સાથે પસાર થઈ રહ્યું છે. સંસદમાં બંધારણ પર છેડાયેલો વિવાદ સતત વકરી રહ્યો છે. ગઈકાલે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે ભીમરાવ આંબેડકર પર ટિપ્પણી કર્યા બાદ વિપક્ષો સતત તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ, ટીએમસી, સપા, બસપા, આપ અને શિવસેના સહિતની તમામ વિપક્ષી પાર્ટીઓએ શાહ પર આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો છે. આ જ ક્રમમાં આજે પણ સંસદ બહાર ભારે હોબાળો થયો છે. આ દરમિયાન એનડીએ તેમજ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ છે.
આ પણ વાંચો : સંસદમાં ઘમસાણ: ભાજપ નેતા ICUમાં દાખલ, રાહુલ ગાંધી પર ધક્કામુક્કીનો આરોપ
અમે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરીશું : ભાજપ
આ દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો વાગતાં સામાન્ય ઈજા થઈ છે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાને ઘૂંટણમાં ઈજા થઈ હોવાને આક્ષેપ કરી તપાસની માંગ કરી છે. ભાજપે કહ્યું કે, ‘અમે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું. તેમણે સાંસદ સારંગીને ધક્કો માર્યો છે, જેના કારણે તેમને ઈજા થઈ છે.’
સારંગીએ મને ધક્કો માર્યો : રાહુલ ગાંધી
ભાજપના આક્ષેપ સામે રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેઓ સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે સારંગીએ તેમને ધક્કો માર્યો હતો. હાલ આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. પરંતુ જો સંસદ પરિસરમાં કોઈ સાંસદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય, તો નિયમ શું કહે છે.
નિયમ શું કહે છે ?
નિયમ મુજબ, ઘટનાના વીડિયોના પુરાવા નહીં હોય તો કોઈ સમાધાન નહીં આવે. લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી આચાર્યનું કહેવું છે કે, કોઈપણ ઘટનાક્રમમાં સૌથી મહત્ત્વનો પૂરાવો વીડિયો છે. જો વીડિયો ન હોય તો કથિત હુમલો કરનાર સાંસદ અને આક્ષેપ કરનાર સાંસદ પાસે શબ્દોથી ખુલાસો મંગાશે અને તેના કારણે આરોપ સાબિત કરવામાં મુશ્કેલી થશે.
પોલીસ સૂત્રોએ કહ્યું છે કે, ‘તપાસમાં જાણવું જરૂરી છે કે, શું આરોપી (રાહુલ ગાંધી) તેમની જગ્યા પરથી ઉઠીને પીડિત પાસે ગયા હતા? પીડિતને ઈજા પહોંચાડી હતી? અથવા બંને પોતાની જગ્યા પર જ હતા? જો બને પોતાની જગ્યા પર હોય તો તેને માત્ર ‘અથડામણ’ માનવામાં આવશે. અને તેમાં કોઈ ચોક્કસ ઈરાદો જોડી શકાશે નહીં.’
આ પણ વાંચો : 'મને સંસદમાં ન જવા દીધો, ભાજપના સાંસદો ધક્કામુક્કી કરવા લાગ્યા', રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
બંધારણ શું કહે છે ?
ભારતનું બંધારણ સંસદના સભ્યોને કેટલાક વિશેષ અધિકારો આપે છે, જેમાં સંસદમાં બોલવાની સ્વતંત્ર સામેલ છે. આ ઉપરાંત સંસદ અથવા તેની કોઈપણ સમિતિઓમાં કંઈપણ કહેવા અથવા મતદાન કરવા માટે કોર્ટમાં કોઈપણ કાર્યવાહીથી સભ્યને મુક્તિ. સંસદ દ્વારા પ્રકાશિત કોઈપણ અહેવાલ, કાગળો અથવા કાર્યવાહીના આધારે કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કોર્ટમાં કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. સંસદની કાર્યવાહીની માન્યતા અંગે અદાલતો દ્વારા કોઈ પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. સંસદની કાર્યવાહી જાળવવા માટે સત્તાનો ઉપયોગ કરનારા અધિકારીઓ અથવા સાંસદો કોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે. જો સંસદની કાર્યવાહીને લગતો સત્ય રિપોર્ટ સમાચાર પત્રોમાં પ્રકાશિત થયો હોય અને તે બદનીયતથી પ્રકાશિત કરાયો હોય તો જ તેમાં કાયદાકીય કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવે છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી મુશ્કેલીમાં, સંસદમાં ધક્કામુક્કી મામલે ભાજપના 3 સાંસદ પોલીસમાં ફરિયાદ કરવા પહોંચ્યા
સાંસદો પર હુમલા અંગેના નિયમો
નિયમ મુજબ, સંસદની કાર્યવાહી દરમિયાન અથવા સંસદ આવવા-જવા દરમિયાન કોઈ સભ્યને અસુવિધા થાય અથવા હુમલો થાય તો તેને વિશેષાધિકારનું ઉલ્લંઘન માનવામાં આવે છે. જોકે સાંસદ સંસદના કાર્યમાં ન કરી શક્યા હોય, ત્યારે જ તેને ઉલ્લંઘન માનવામાં આવે છે. વાસ્તવમાં જો કોઈ સાંસદને કામ પર જતી વખતે અથવા આવતી વખતે અટકાવવામાં આવે અથવા હુમલો કરવામાં આવે તો તેને વિશેષાધિકારનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
સંસદમાં શું થયું ?
રાજ્યસભામાં ગઈકાલે બંધારણની ચર્ચા દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર ટિપ્પણી કરીને ગૃહરાજ્યમંત્રી અમિત શાહ ફસાયા છે. અમિત શાહે વિરોધ પક્ષો પર કટાક્ષ કરતાં કહ્યુ હતું કે, ‘હવે આંબેડકર, આંબેડકર, આંબેડકર બોલતા રહેવાની ફેશન થઈ ગઈ છે. જો તેમણે આટલો વખત ભગવાનનું નામ લીધું હોત તો તેમને સ્વર્ગમાં જગ્યા મળી ગઈ હોત.’ આ ઘટના બાદ વિપક્ષે અમિત શાહ સામે મોરચો ખોલી દીધો છે અને તેમની પાસેથી રાજીનામું માંગી રહ્યા છે. આ ઉપરાંત આજે પણ સંસદમાં ભારે ધમાસાણ જોવા મળ્યું છે. સંસદમાં આજે ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે અથડામણ થઈ છે, જેમાં ભાજપ સાંસદ સારંગીને સામાન્ય ઈજા થઈ છે. સારંગીએ આક્ષેપ કર્યો છે કે, રાહુલ ગાંધીએ તેમને ધક્કો મારતાં તેઓ પડી ગયા અને તેમને ઈજા થઈ છે. ઘટના બાદ ભાજપ સાંસદે રાહુલ ગાંધીને કહ્યું કે, ‘તેમને શરમ નથી આવતી, જુઓ તમે શું કર્યું, તમે તેમને ધક્કો માર્યો.’ જવાબમાં રાહુલે કહ્યું કે, ‘તેમને મને ધક્કો માર્યો.’
આ પણ વાંચો : સંસદમાં કોણે કોને ધક્કો માર્યો? ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ નોંધાવી FIR