Get The App

આજથી સંસદનું બજેટ સત્ર, આવતીકાલે વચગાળાનું બજેટ

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
આજથી સંસદનું બજેટ સત્ર, આવતીકાલે વચગાળાનું બજેટ 1 - image


- 17મી લોકસભાનું અંતિમ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે

- સત્રમાં રાષ્ટ્રપતિનું સંબોધન,બજેટની રજૂઆત, રાષ્ટ્રપતિના સંબોધન અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચા અને વડાપ્રધાનનો જવાબ મુખ્ય એજન્ડા 

નવી દિલ્હી : આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. વર્તમાન લોકસભાનું આ અંતિમ સત્ર હશે. આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંસદના નીચલા અને ઉપલા ગૃહ બંનેના સંયુક્ત સત્રને સંબોધન કરશે. સંસદની કાર્યવાહી સારી રીતે ચાલે તે માટે સરકારે વિરોધ પક્ષોને સહકાર આપવાની વિનંતી કરી છે.

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમન એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. એપ્રિલ-મેમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રલહાદ જોશીએ સંસદમાં રાજકીય પક્ષોની બેઠકમાં જણાવ્યું હતું કે નાણા પ્રધાન સિતારમન રાષ્ટ્રપતિ શાસન ધરાવતા જમ્મુ-કાશ્મીરનું પણ બજેટ રજૂ કરશે.

આવતીકાલથી શરૂ થતું સંસદનું બજેટ સત્ર નવ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.  ૧૭મી લોકસભાના આ ટૂંકા અને અંતિમ સત્રમાં રાષ્ટ્રપતિનું સંબોધન, વચગાળાના બજેટની રજૂઆત અને રાષ્ટ્રપતિના સંબોધન અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ મુખ્ય એજન્ડા છે. 

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્ત્વમાં મળેલ રાજકીય પક્ષોના નેતાઓની બેઠકમાં વિરોધ પક્ષના નેતાઓએ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતાં. 

કોંગ્રેસ નેતા કે સુરેશે જણાવ્યું હતું કે પક્ષ બજેટ સત્ર દરમિયાન બેકારી, ઉંચો ફુગાવો, મણિપુરમાં હિંસા અને કૃષિ સંકટ જેવા મુદ્દાઓ ઉઠાવશે.

તૃણમુલ કોંગ્રેસ નેતા સુદિપ બંદોપાધ્યાયે માગ કરી છે કે નાણા પ્રધાન વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમો હેઠળ પશ્ચિમ બંગાળને આપવાની બાકી રકમનો સમાવેશ કરે. 


Google NewsGoogle News