VIDEO : લોકસભામાં ભાજપ સાંસદે દાનિશ અલીને બેફામ અભદ્ર શબ્દો કહ્યા, હવે કેમેરા પર શું બોલ્યા રમેશ બિધૂડી ?

પત્રકારોએ પ્રશ્ન પુછતા જ બિઘૂડી બોલ્યા, ‘સ્પીકર જોઈ લેશે, અમે આ મામલે કંઈ કહી શકતા નથી...’

ભાજપના એક સાંસદે પીડિત દાનિશ અલી વિરુદ્ધ પણ તપાસ કરવાની સ્પીકરને માંગ કરી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
VIDEO : લોકસભામાં ભાજપ સાંસદે દાનિશ અલીને બેફામ અભદ્ર શબ્દો કહ્યા, હવે કેમેરા પર શું બોલ્યા રમેશ બિધૂડી ? 1 - image

નવી દિલ્હી, તા.24 સપ્ટેમ્બર-2023, રવિવાર

ભાજપ સાંસદ રમેશ બિઘૂડીએ લોકસભામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી શરમજનક કૃત્ય કર્યા બાદ વિપક્ષો લાલઘુમ થયા છે, ત્યારે હવે આ મામલે પત્રકારે પ્રશ્ન પુછતા તેઓએ ‘નો કોમેન્ટ’ કહી ચાલતી પકડી છે... રમેશ બિઘૂડીએ બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદ દાનિશ અલીને અભદ્ર ભાષા બોલી હતી... બિઘૂડી લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિઓ અંગે બોલી રહ્યા હતા, આ દરમિયાન અચાનક ગુસ્સામાં આવી તેઓ અભદ્ર ભાષા બોલવા લાગ્યા.... આ મામલે એક સવાલના જવાબમાં બિઘૂડીએ કહ્યું કે, ‘સ્પીકર જોઈ લેશે, અમે આ મામલે કંઈ કહી શકતા નથી...’

ભાજપના સાંસદે કરી દાનિશ અલી વિરુદ્ધ તપાસની માંગ

વિવાદો વચ્ચે ભાજપના એક સાંસદ નિશિકાંત દુબેએ બિધૂડીની અભદ્ર ટિપ્પણીઓની નિંદા કરવા ઉપરાંત દાનિશ અલી વિરુદ્ધ પણ તપાસની સ્પીકરને માંગ કરી છે. દુબેએ દાવો કરતા કહ્યું કે, સત્ય એ છે કે, સાંસદ દાનિસ અલીએ બિધૂડીની સ્પીચ દરમિયાન રનિંગ કોમેન્ટ્રી કરી હતી અને બિધૂડીના ભાષણમાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે બિધૂડીને ‘સંયમ અને ધૈર્ય’ ખોવા માટે ઉશ્કેરી રહ્યા હતા... અને તેઓ બિધૂડીને સંસદમાં પોતાની વાત રાખવામાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. ભાજપ સાંસદે દાવો કર્યો કે, જ્યારે બિધૂડી સંસદમાં બોલી રહ્યા હતા, ત્યારે દાનિશ અલી તેમને ઉશ્કેરવામાં વ્યસ્ત હતા...

BJP સાંસદ રમેશ બિધૂડીની વધશે મુશ્કેલી

ભાજપ સાંસદ રમેશ બિધૂડી વાહિયાત નિવેદનબાજીને કારણે વિપક્ષના નિશાને આવી ગયા છે. તેમને સસ્પેન્ડ કરવા માટે વિપક્ષનું દબાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે બિધૂરી સામે સસ્પેન્ડ થવાનો ખતરો વધી ગયો છે. બંધારણની કલમ 105 (2) હેઠળ સંસદમાં કહેલી કોઇ પણ વાતને કોર્ટમાં પડકારી ના શકાય પણ લોકસભા અધ્યક્ષને સંસદીય ભાષાનો ઉપયોગ કરનારા સભ્ય સામે કાર્યવાહીનો અધિકાર છે. સ્પીકર નિયમ 373 હેઠળ કોઈ સભ્યને ખરાબ આચરણ માટે સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપી શકે છે. ચાલુ વર્ષે મોનસુન સત્ર દરમિયાન વિપક્ષના ચાર સભ્યો અધીર રંજન ચૌધરી, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને ડેરેક ઓબ્રાયનને સસ્પેન્ડ કરાયા હતા. 

લોકસભા અધ્યક્ષે તપાસના આદેશ આપ્યા 

સુત્રો અનુસાર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રમેશ બિધૂડી વિરુધ કાર્યવાહી કરવા માટે લોકસભા સચિવાલયને વિશેષ નિર્દેશ આપવામાં આવ્યો છે. બિરલાએ આદેશ આપ્યો છે કે ગૃહની કાર્યવાહી દરમિયાન જ્યારે ચંદ્રયાન-3 પર ચર્ચા શરૂ થઈ ત્યારે તે સમયના તમામ રેકોર્ડ એકત્ર કરીને તેમની સમક્ષ રજૂ કરવામાં આવે. વિડિયો ફૂટેજ, લોકસભાના રેકોર્ડ અને ગૃહના અન્ય સભ્યો દ્વારા આપવામાં આવેલા પત્રોને પણ સામેલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

લોકસભામાં આ શબ્દો વાપરી ન શકાય 

ખરેખર લોકસભા સચિવાલયે 2022 માં એવા શબ્દોની યાદી જાહેર કરી હતી જેનો ઉપયોગ અસંસદીય મનાય છે. આ યાદી અનુસાર બિચારો, ખાલિસ્તાની, લોહીની ખેતી, શકુનિ, જયચંદ, જુમલાજીવી, અનાર્કિસ્ટ, ગદ્દાર, ઠગ, ઘડિયાળી અશ્રુ, ભ્રષ્ટ, કાળો દિવસ, કાળાબજારી, ખરીદ-વેચાણ, રમખાણ, દલાલ, દાદાગિરી, બેવડા માપદંડ, બોબકટ, લોલીપોપ, વિશ્વાસઘાત, બહેરી સરકાર, ઉચક્કે, ગુંડાઓની સરકાર, ચોર-ચોર મોસેરે ભાઈ, તડીપાર, તલવા ચાટવા, સરમુખત્યાર જેવા અન્ય કેટલાક શબ્દોને અસંસદીય જાહેર કરાયા હતા.

મામલો શું હતો? 

ભાજપ સાંસદ રમેશ બિધૂડી સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે એટલે કે ગુરુવારે લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતા અંગે બોલી રહ્યા હતા અને તેનો શ્રેય પીએમ મોદીને આપવા પર ભાર મૂકી રહ્યા હતા. જોકે આ દરમિયાન બસપાના સાંસદ દાનિશ અલીએ જ્યારે તેમને ટોક્યા તો બિધૂડી ભડકી ઊઠ્યા અને તેમણે દાનિશ અલી માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ ગૃહમાં જ કરી નાખ્યો હતો. તેઓએ દાનિશ અલી માટે ઉગ્રવાદી, આતંકવાદી, મુલ્લા વગેરે જેવા અત્યંત ઉશ્કેરણીજનક મુસ્લિમવિરોધી શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. 


Google NewsGoogle News