આંબેડકર મુદ્દે સંસદ સમરાંગણ બની, બન્ને ગૃહ ઠપ
- આંબેડકરનું નામ લેવું ફેશન બની ગઇ છે તેવું કહી અમિત શાહે બંધારણના ઘડવૈયાનું અપમાન કર્યું: વિપક્ષનો આક્ષેપ
- મોદીને આંબેડકરજી પ્રત્યે થોડો પણ આદરભાવ હોય તો અમિત શાહને મંત્રી પદેથી હટાવે નહીં તો દેશભરમાં વિરોધ કરીશું: ખડગે
- ભાજપે કોંગ્રેસનો બંધારણ અને સૈન્યવિરોધી ચહેરો ખૂલ્લો પાડતા મારા પર જૂઠા આરોપો લગાવાયા: અમિત શાહ
નવી દિલ્હી : બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરને લઇને દેશની સંસદમાં અને બહાર ભારે હોબાળો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં આપેલા ભાષણના કેટલાક શબ્દોએ આંબેડકરનું અપમાન કર્યું છે તેવો આરોપ લગાવીને વિપક્ષે રાજીનામાની માગણી સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ મુદ્દે બન્ને ગૃહોમાં ભારે હોબાળાને પગલે કાર્યવાહી ઠપ રહી હતી. જ્યારે સંસદની બહાર લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષના સાંસદોએ આંબેડકરની તસવીરો સાથે પ્રદર્શન કર્યું હતું. સાથે જ અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી.
સંસદની અંદર ઉપરાંત બહાર રાજધાની દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, તામિલનાડુમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ હજારો સમર્થકો સાથે ભાજપના કાર્યાલય સામે એકઠા થયા હતા અને અમિત શાહ માફી માગો, અમિત શાહ શર્મ કરોના સુત્રોચ્ચાર કર્યા હતા. સંસદમાં કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, આરજેડી, ડાબેરી પક્ષો, શિવસેના (ઉદ્ધવ) સહિતના વિરોધી પક્ષોએ બન્ને ગૃહ માથે લીધા હતા. જેને કારણે સંસદના બન્ને ગૃહ ઠપ રહ્યા હતા. ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રિએને રાજ્યસભામાં અમિત શાહ સામે વિશેષાધિકાર ઉલ્લંઘન પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, મમતા બેનરજી, ડીએમકે વડા એમ કે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ સહિતના નેતાઓએ અમિત શાહ પર આકરા આરોપો લગાવ્યા હતા.
બુધવારે પ્રેસ કોન્ફરંસ કરીને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંબેડકર પ્રત્યે થોડુ પણ સન્માન હોય તો તેમણે અમિત શાહને ગૃહમંત્રી પદેથી હટાવવા જોઇએ, જો તેમને નહીં હટાવવામાં આવે તો સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થશે. બાબાસાહેબ આંબેડકરજી તમામ લોકો સાથે જોડાયેલા છે કેમ કે તેમણે તમામ લોકોની વાત કરી છે. તેમને તમામ લોકોની સહાનુભુતી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશ બાબાસાહેબ આંબેડકરનું અપમાન નહીં ચલાવી લે, અમિત શાહે પોતાના નિવેદન બદલ સંસદમાં માફી માગવી જોઇએ. ભાજપ આંબેડકર અને તેમની વિચારધારા વિરોધી છે. બાબા સાહેબ બંધારણના ઘડવૈયા છે, જેમણે સમગ્ર દેશને દિશા બતાવી છે, તેમનું અપમાન દેશ નહીં ચલાવી લે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આંબેડકર અંગે અમિત શાહનું નિવેદન ભાજપનો ઘમંડ બતાવે છે, આ નિવેદને ભાજપના સાચા ચેહરાને ખુલ્લો પાડયો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે અમિત શાહનું નિવેદન ભાજપની દલિત વિરોધી જાતિવાદી માનસિકતાને દર્શાવે છે. લોકસભામાં ૨૪૦ બેઠકો મળી છતા આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે જો તેમનું ૪૦૦થી વધુ બેઠકો મેળવવાનું સપનું સાચુ થયું હોત તો આંબોડકરના યોગદાનનો સંપૂર્ણ ઇતિહાસ જ મિટાવી દેત. વિપક્ષના તમામ સાંસદોએ રાજ્યસભામાં અમિત શાહના નિવેદન મુદ્દે વેલ સુધી ધસી આવી કે પોતાના સ્થાને ઉભા થઇને સુત્રોચ્ચાર કર્યા હતા. જેને પગલે કાર્યવાહીને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આમ અમિત શાહના નિવેદન મુદ્દે સંસદની અંદર અને બહાર હાલ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.
અમિત શાહનું એ નિવેદન જેનો ભારે વિરોધ થયો
નવી દિલ્હી : સંસદમાં ગૃહ મંત્રી અમિત શાહના આંબેડકર અંગેના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં અમિત શાહ કહી રહ્યા છે કે હાલ એક ફેશન થઇ ગઇ છે... આંબેડકર આંબેડકર આંબેડકર આંબેડકર આંબેડકર, આટલુ નામ જો ભગવાનનું લીધુ હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાત. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ આંબેડકરનું નામ લઇ રહી છે તેનાથી ભાજપ ખુશ છે પરંતુ કોંગ્રેસે આંબેડકર પ્રત્યેની પોતાની સાચી મંશા અંગે પણ બોલવું જોઇએ.
કોંગ્રેસે મારા નિવેદનને ખોટી રીતે રજુ કર્યું: ગૃહમંત્રી
હું સપનામાં પણ ક્યારેય આંબેડકરનું અપમાન ના કરી શકું: અમિત શાહ
મારા રાજીનામાથી કોંગ્રેસને કોઈ ફાયદો નહીં થાય, 15 વર્ષ તેને વિપક્ષમાં જ બેસવાનું છે: ગૃહમંત્રીનો કટાક્ષ
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાના વિપક્ષના આરોપોનો અમિત શાહે જવાબ આપ્યો હતો. અમિત શાહે પ્રેસ કોન્ફરંસ કરીને કહ્યું હતું કે હું સપનામાં પણ આંબેડકરનું અપમાન ના કરી શકું. સંસદમાં બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા થઇ હતી. દેશની ૭૫ વર્ષની ગૌરવ યાત્રા અને સફળતા પર ચર્ચા થઇ. સંસદમાં પક્ષ-વિપક્ષ બન્ને હોય છે તેથી સૌનો પોતપોતાનો દ્રષ્ટીકોણ હોય છે. પરંતુ સત્ય પર જ વાત થવી જોઇએ. કોંગ્રેસે સત્યને તોડી-મરોડીને રજુ કર્યું છે.
અમિત શાહે કહ્યું હતું કે આવુ એટલા માટે થઇ રહ્યું છે કેમ કે ભાજપના પ્રવક્તાઓએ જણાવ્યું કે કોંગ્રેસ આંબેડકર વિરોધી પાર્ટી છે, બંધારણ વિરોધી છે. કોંગ્રેસ સાવરકરજીનું અપમાન કર્યું, કટોકટી લાગુ કરીને બંધારણને કચડયું, ભારતીય સૈન્યનું અપમાન કર્યું, કોંગ્રેસે ભારતની જમીન આપી દીધી. જ્યારે આ વાત સંસદમાં સાબિત થઇ ગઇ ત્યારે કોંગ્રેસે જુઠ ફેલાવવાનું શરૂ કરી દીધું. કોંગ્રેસ પાર્ટી આંબેડકર અને બંધારણ વિરોધી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી, જેનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે મારા રાજીનામાથી કોંગ્રેસ અધ્યક્ષને આનંદ મળતો હોય તો હું આવુ કરી પણ નાખું, પરંતુ મારા રાજીનામાથી તેમની સમસ્યાઓનો ક્યારેય નિકાલ નહીં આવે, ૧૫ વર્ષ સુધી તમારે વિપક્ષમાં બેસવાનું છે. આંબેડકર અંગે નિવેદન મુદ્દે પોતાનો બચાવ કરતા અમિત શાહે કહ્યું હતું કે હું એ પક્ષ સાથે જોડાયેલુ છું કે જે ક્યારેય પણ આંબેડકરનું અપમાન ના કરી શકે.
ગૃહ મંત્રીએ કહ્યું હતું કે પહેલા જનસંઘ પછી ભાજપે હંમેશા આંબેડકરજીના સિદ્ધાંતો પર ચાલવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે પણ સત્તામાં રહ્યા ત્યારે ભાજપે આંબેડકરજીના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કર્યો છે. ભાજપે બંધારણને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. અમે જાણીએ છીએ કે દેશમાં બંધારણને સમાવેશી બનાવવામાં, દલિતો, આદિવાસીઓ, વંચિતો, ગરીબોને ન્યાય અપાવવામાં દેશમાં લોકશાહીનો પાયો મજબૂત કરવામાં બાબા સાહેબનું મોટુ યોગદાન છે. પુરો દેશ બાબાસાહેબ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરે છે.
મોદીએ અમિત શાહનો બચાવ કરી કોંગ્રેસને ઘેરી
આંબેડકર સાથે કરેલો અન્યાય કોંગ્રેસ જુઠથી નહીં છુપાવી શકે
- અમારી સરકાર આંબેડકરના લક્ષ્યને સાકાર કરવા મહેનતથી કામ કરી રહી છે: વડાપ્રધાન
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો બચાવ કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. મોદીએ સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જો કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમને એમ લાગતુ હોય કે આંબેડકરનું તેણે જે અપમાન કર્યું હતું તેને જુઠ્ઠાણાથી છૂપાવી નાખશે તો તે બહુ મોટી ભુલ કરી રહી છે.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસે આંબેડરને લઇને અનેક પાપ કર્યા છે, આંબેડકરને કોંગ્રેસે બે વખત ચૂંટણીમાં હરાવ્યા, પંડિત નેહરુએ તેમની સામે પ્રચાર કર્યો હતો. ભારત રત્ન આપવાની ના પાડી દીધી હતી. કોંગ્રેસના શાસનમાં જ એસસી અને એસટી સમાજનું શોષણ થયું. આ સમાજના સશક્તિકરણ માટે કોંગ્રેસે કઇ જ નથી કર્યું.
મોદીએ વધુમાં કહ્યું હતું કે અમારી સરકાર આંબેડકરના લક્ષ્યને સાકાર કરવા માટે મહેનતથી કામ કરી રહી છે. કોઇ પણ ક્ષેત્ર લઇ લો, ગરીબીમાંથી ૨૫ કરોડ લોકોને બહાર લાવવાના હોય કે સ્વચ્છ ભારત, પીએમ આવાસ યોજના, જળ જીવન મિશન, ઉજ્જવલા યોજના અને ઘણુ બધું. આ તમામ યોજનાઓ અને કામોએ ગરીબોને અને વંચિતોને સ્પર્શ્યા છે. અમારી સરકારે આંબેડકરનું કદ વધારવા માટે પણ ઘણા કામ કર્યા છે.
રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે હું આંબેડકરના માર્ગે ચાલીને બૌદ્ધ ધર્મમાં માનુ છું, કાયદા મંત્રી તરીકે આંબેડકરે રાજીનામુ આપ્યું તેના ૭૧ વર્ષે વડાપ્રધાન મોદીએ વધુ એક બૌદ્ધિષ્ટને કાયદા મંત્રી બનાવ્યા. ભાજપના અન્ય નેતાઓએ પણ અમિત શાહનો બચાવ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યા હતા.