POK મુદ્દે અધીર રંજનનો ભાજપને પડકાર, કહ્યું - હિંમત હોય તો 2024 પહેલા પીઓકે જીતી લો, આખો દેશ ભાજપને મત આપશે
અમિત શાહે POK ગુમાવવા મામલે નેહરુને જવાબદાર ઠેરવતા કોંગ્રેસે આપ્યો જવાબ, કહ્યું ‘...તો આખે દેશ ભાજપને મત આપશે’
મોદી સરકાર 10 વર્ષથી અને અટલજી સરકારે 6 વર્ષ સત્તામાં કાઢ્યા, તો પછી POK પરત લેવામાં ભાજપને કોણે રોક્યું : અધિર રંજન ચૌધરી
નવી દિલ્હી, તા.07 નવેમ્બર-2023, ગુરુવાર
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના નિવેદન મામલે લોકસભામાં અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)એ વળતો જવાબ આપ્યો છે. ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અમિત શાહને હિન્દુસ્તાનના બહાદુર કહી કટાક્ષ કર્યો અને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, પીઓકેમાંથી એક સફરજ લાવી બતાવો... જો હિંમત હોય તો 2024ની ચૂંટણી પહેલા પીઓકે જીતીને લાવો, આખો દેશ ભાજપને મત આપશે.
નહેરુની 2 ભુલોના કારણે જમ્મુ-કાશ્મીરે નુકસાન ઉઠાવવું પડ્યું : અમિત શાહ
અધીર રંજનના નિવેદનના એક દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનના કબાજ હેઠળના કાશ્મીર (POK) મામલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને જવાબદાર ઠેરવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, નહેરુની 2 ભુલોના કારણે જમ્મુ-કાશ્મીરે નુકસાન ઉઠાવવું પડ્યું - પ્રથમ યુદ્ધ વિરામની જાહેરાત અને બીજું કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવો... તેમણે કહ્યું કે, જો 3 દિવસ બાદ યુદ્ધવિરાટ થાત તો POK આજે ભારતનો ભાગ હોત. આપણા આંતરીક મુદ્દાઓને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની જરૂર ન હતી. આપણા દેશની આટલી મોટી જમીન ખોઈ દેવી, તે એક મોટી ભુલ હતી. શાહે એમ પણ કહ્યું કે, ‘POK અમારું છે.’ તેમણે કહ્યું, ત્યાં 24 બેઠકો અનામત છે.
‘એવું માની લો કે, નેહરુએ ભુલ કરી...’
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ અમિત શાહના નિવેદન મામલે ભારે પ્રહારો કર્યા હતા. આ મામલે ચૌધરીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, POK મામલે ગૃહમાં આખો દિવસ ચર્ચા થવી જોઈએ. આ કોઈ નાની બાબત નથી. ભારતની પ્રજાને પણ આ બાબતની જાણ થવી જોઈએ. અમિત શાહના કહેવા પ્રમાણે એવું માની લો કે, નેહરુએ ભુલ કરી. ભાજપ અને અમિત શાહ દાયકાથી આવી ફરિયાદ કરતા આવ્યા છે કે, જ્યારે 2019માં કલમ-370 નાબુદ કરવામાં આવી, ત્યારે ગૃહમાં અમિત શાહ કહેતા હતા કે, POK સિયાચીન હવે કાશ્મીરનો ભાગ છે અને પરત લેવાનો પણ દાવો કરતા હતા. ચૌધરીએ કટાક્ષ કરતા કહ્યું કે, મોદી સરકારે 10 વર્ષ અને અટલજી સરકારે 6 વર્ષ કેન્દ્રમાં સત્તા સંભાળી, તો પછી ભાજપને કોણે રોક્યું... હિન્દુસ્તાનમાં 2 બહાદુર છે, મોદીજી અને શાહજી... તો પછી POK પર કબજો મેળવવા આ બંને બહાદુરોને કોણે રોક્યા ?
‘POK છિનવીને દેખાડો’
ચૌધરીએ કહ્યું કે, તમે POKમાંથી એક સફરજન તો લઈને બતાવો અને કહો કે અમે કરીને બતાવ્યું... ચીન-પાકિસ્તાન POKમાં ઈકોનોમિક કોરિડોર બનાવી રહ્યું છે, તો આ મામલે મોદી અને અમિત શાહ કેમ ચુપ છે ? G7, G20, સાંઘાઈ સમિટ જાવ છો, પ્રયાસ કેમ ન કર્યો... POK છિનવીને લાવી બતાવો... જે કામ કોંગ્રેસ કરી શકી નથી તે કામ કરીને બતાવો... ત્યાંથી ઓછામાં ઓછું એક સફરજન તો લઈને આવો. અહીં મોટી-મોટી બહાદુરી બતાવો છો. લદ્દાખમાં અતિક્રમણ થઈ ચુક્યું છે. ગલવાનની ઘટના પણ સૌકોઈને ખબર છે.
‘POK છિનવીને લાવો, આખો દેશ તમને મત આપશે’
ચૌધરીએ પૂછ્યું કે, તે સમયે આપણા વડાપ્રધાન શું કરી રહ્યા હતા. તેમને યાદ અપાવીએ છીએ... દમ છે અથવા હિંમત છે, બંને બહાદુર છે દેશના... HUMPTY DUMPTY બંને જઈને પીઓકે છીનવી આપણા કબજામાં લાવે, કારણ કે તેઓ ગૃહમાં બોલીને ગયા હતા. આ મામલે 1993માં ઓલ પાર્ટી રિજોલેશન પણ લવાયું હતું. ચૂંટણી 2024માં છે, ચૂંટણી પહેલા POK છિનવીને લાવો, આખો દેશ તમને મત આપશે.