દીકરાને ભોજન આપવા પહોંચેલા માતા-પિતાને હોસ્ટેલમાં લટકતી લાશ મળી, IITના વિદ્યાર્થીનો આપઘાત!
IIT Kharagpur Student Suicide: IIT-ખડગપુરમાં અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થિ રવિવારે તેના હોસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર વિદ્યાર્થી શૌન મલિક IIT-ખડગપુરના આઝાદ હોલના રૂમ નંબર 302માં રહેતો હતો અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
આપઘાતનું કારણ સ્પષ્ટ નથી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુરમાં 21 વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે. મળતી માહિતી અનુસાર, કોલકાતાથી આવેલા વિદ્યાર્થીના માતા-પિતાએ જ્યારે વિદ્યાર્થીના હોસ્ટેલનો રૂમ ખોલ્યો તો તેમને રૂમમાં તેમના પુત્રનો મૃતદેહ લટકતો જોવા મળ્યો. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મેદિનીપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. તેમજ પોલીસ ટીમે કેસની તપાસ શરૂ કરી છે.
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતો હતો
શૌન મલિક કોલકાતાનો રહેવાસી હતો. તે IIT ખડગપુરના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે કોલકાતાથી તેના માતા-પિતા તેને મળવા આવ્યા હતા. જ્યારે તેના માતા-પિતાએ હોસ્ટેલના રૂમનો દરવાજો ખોલ્યો તો તેણે તેના પુત્રની લાશ લટકતી જોઈ. પોતાના પુત્રને આ હાલતમાં જોઈને તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું, જેના પછી આઈઆઈટીના સિક્યોરિટી ગાર્ડ દોડી આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી.
દર રવિવારે માતા-પિતા તેના માટે ભોજન લઈને આવતા
આ અંગે IIT ખડગપુરના ડાયરેક્ટર અમિત પાત્રાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું, 'આ પગલું ભરવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. કારણ કે અમને કોઈ સુસાઈડ નોટ મળી નથી.'
IIT ખડગપુરના ડાયરેક્ટરે વધુમાં કહ્યું કે, 'વિધાર્થીના માતા-પિતા તેને દર રવિવારે તેને મળવા આવે છે, આ રવિવારે પણ તેઓ ભોજન લઈને તેને મળવા આવ્યા હતા અને તેમણે હોસ્ટેલમાં દીકરાની લટકતી લાશ જોઈ. છોકરો અભ્યાસમાં ખૂબ જ સારો હતો. રૂમમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ પણ મળી ન હતી. તેમજ શૌનને તેના શિક્ષકો સાથે પણ સારા સંબંધો હતા. થોડા દિવસો પહેલા એક લેબ આસિસ્ટન્ટનું મૃત્યુ થયું હતું. પરંતુ આને તેની સાથે કોઈ સંબંધ નથી.'
આ પણ વાંચો: મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને હાર્ટઍટેક, ડૉક્ટરે ઠંડીથી બચવા સાવચેતી રાખવા આપી સલાહ
છેલ્લા કેટલાક વર્ષોમાં IITમાં આવી ઘણી ઘટનાઓ બની છે
ઘણા લોકોએ IIT ખડગપુરમાં આ પહેલા પણ ઘણા વિધાર્થીઓએ આપઘાત કરેલા છે. 14 ઑક્ટોબર 2022ના રોજ આસામના તિનસુકિયા વિસ્તારના ફૈઝાન અહેમદનું રહસ્યમય મોત હજુ પણ રહસ્યના ઘેરામાં ઘેરાયેલું છે. આ પછી, ઑક્ટોબર 2023માં, કિરણ ચંદ્રા નામના ચોથા વર્ષના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. જૂન 2024માં દેવિકા પિલ્લઈ નામની વિદ્યાર્થીનીની લટકતી લાશ મળી આવી હતી. હવે આ વર્ષે બે નવા કેસ સામે આવ્યા છે. પોલીસ તમામ કેસની તપાસ કરી રહી છે.