સંભાળ ના રાખતા સંતાનો પાસેથી માતા-પિતા સંપત્તિ પાછી લઇ શકે
- સંપત્તિ પોતાના નામે કરાવી લીધા બાદ માતા પિતાને તરછોડી દેતા સંતાનો માટે સુપ્રીમનો આંખ ઉઘાડતો ચુકાદો
- સંપત્તિ આપતી વખતે માતા-પિતાએ ભરણપોષણની શરત મુકી હોય તો તેનું પાલન કરવા સંતાનો બંધાયેલા
- મધ્ય પ્રદેશમાં સંપત્તિ લઇ લીધા બાદ પુત્રએ માતાની દેખરેખ ના રાખી, સુપ્રીમ કોર્ટે માતાને સંપત્તિ પાછી અપાવી
- માતા-પિતાની મરજી અને યોગ્ય પુરાવાના આધારે ટ્રિબ્યુનલો પણ સંપત્તિ પરત આપવા સંતાનોને આદેશ કરી શકે
નવી દિલ્હી : સંપત્તિ પડાવી લીધા બાદ ઘણા સંતાનો પોતાના વિૃદ્ધ માતા પિતાને તરછોડી દેતા હોય છે કે વૃદ્ધાશ્રમમાં પણ મુકી આવતા હોય છે. આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે એક ઉદાહરણરૂપ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને એક વૃદ્ધ માતાને ન્યાય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માતા પિતા પોતાની સંપત્તિ સંતાનોને ટ્રાન્સફર કરી આપે તેમાં વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરવાની સંતાનોએ ખાતરી આપી હોય પરંતુ બાદમાં સંતાનો સેવા કરવાની કે દેખરેખ રાખવાની ના પાડી દે તો આવી સ્થિતિમાં માતા પિતા સંતાનો પાસેથી આપેલી સંપત્તિ પરત લઇ શકે છે.
સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે આવા મામલાઓમાં ટ્રિબ્યુનલ સંપત્તિ પરત આપવા માટે આદેશ આપી શકે છે. મધ્ય પ્રદેશના વૃદ્ધા ઉર્મિલા દિક્ષિતે પોતાના પુત્ર સુનિલ શરણ દિક્ષિતના નામે પોતાની સંપત્તિ ગિફ્ટ ડીડ કરીને આપી દીધી હતી. સાથે માતાએ એવી શરત રાખી હતી કે જ્યારે જરૂર પડે ત્યારે તેમની દેખરેખ રાખવાની જવાબદારી પુત્ર સુનિલની રહેશે અને ભરણપોષણ આપશે. જોકે બાદમાં પુત્ર સુનિલે વચન આપ્યા મુજબ માતાની સેવા ના કરી કે દેખરેખ ના રાખી, કોઇ ભરણપોષણ પણ ના આપ્યું. પરિણામે માતા ઉર્મિલા દિક્ષિતે આ ડીડને રદ કરવાની માગણી કરી હતી અને સંપત્તિ પાછી આપવા કહ્યું હતું. માતાની અપીલ પર મધ્ય પ્રદેશના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, છત્તરપુરના કલેક્ટર અને મધ્ય પ્રદેશ હાઇકોર્ટના સિંગલ જજની બેંચે પણ તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ડીડને ફોક ગણીને સંપત્તિ માતા ઉર્મિલાના નામે કરી હતી.
પરંતુ પુત્ર સંપત્તિ આપવા માટે તૈયાર નહોતો, તેણે સિંગલ જજના ચુકાદાને પડકાર્યો હતો. પરિણામે મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ડિવિઝન બેંચે મામલાની સુનાવણી કરી અને ઉર્મિલાની તરફેણમાં આવેલા ચુકાદા રદ કરી દીધા અને સંપત્તિ પુત્રના નામે રાખી. આ દરમિયાન હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે સંપત્તિ ટ્રાન્સફર કરવા માટેની ગિફ્ટ ડીડમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે પુત્રએ માતાની સેવા કરવી જ પડશે. હાઇકોર્ટની ડિવિઝન બેંચના આ ચુકાદાને માતા ઉર્મિલાએ બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સીટી રવીકુમાર અને ન્યાયાધીશ સંજય કારોલની બેંચે માતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને હાઇકોર્ટના ચુકાદાને પલટી નાખ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે હાઇકોર્ટે કાયદાનું કડક રીતે પાલન કરીને ચુકાદો આપ્યો છે જ્યારે આ મામલામાં કાયદાના ઉદાર દ્રષ્ટીકોણને અપનાવવાની જરૂર હતી. સુપ્રીમ કોર્ટે માતાની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેમને પોતાની સંપત્તિ પરત અપાવી, એટલુ જ નહીં સુપ્રીમે સ્પષ્ટતા કરી કે આ પ્રકારના મામલામાં ટ્રિબ્યુનલો પણ વૃદ્ધ માતા પિતાની તરફેણમાં નિર્ણય લઇને તેમને સંપત્તિ પરત સોંપી શકે છે, જે માટે યોગ્ય પુરાવા પર ધ્યાન આપવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે વરીષ્ઠ નાગરિકો અને માતા પિતાના ભરણપોષણના ૨૦૦૭ના કાયદાની કલમ ૨૩માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો માતા પિતા પોતાની સંપત્તિને એવા હેતુથી સંતાનોને ટ્રાન્સફર કરે કે ભવિષ્યમાં તેઓ તેમની દેખરેખ રાખશે તો આવી સ્થિતિમાં સંપત્તિ મેળવી લીધા બાદ સંતાનો આ શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહે તો સંપત્તિ ટ્રાન્સફર કરવા માટેની ડીડને માતા પિતાની મરજીથી રદબાતલ જાહેર કરી શકાશે.
સંયુક્ત કુટુંબ તુટવાથી એકલા પડી જતા માતા-પિતા માટે કાયદો રક્ષક : સુપ્રીમ
નવી દિલ્હી : હજારો વૃદ્ધ માતા-પિતાને મદદરૂપ થનારો ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે વૃદ્ધોની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
સુપ્રીમની બેંચે કહ્યું હતું કે એવા અનેક વરીષ્ઠ નાગરિકો છે કે જેમના પર સંતાનો ધ્યાન જ નથી આપતા અને સંપત્તિ પોતાના નામે કરી લીધા બાદ માતા પિતાને તેમના હાલ પર છોડી દે છે. કાયદાની જોગવાઇઓ એવા વૃદ્ધો માટે લાભકારક છે કે જેમને સંયુક્ત પરિવાર પદ્ધતી નબળી પડવાથી એકલા છોડી દેવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોના અધિકારોના રક્ષણ માટે કાયદાની જોગવાઇની વ્યાખ્યા ઉતારતાપૂર્વક કરવી જોઇએ તેમાં સંકુચિત અર્થઘટન ના ચાલે.