જાણો શું છે દેશભરમાં લોકોને છેતરતું પાર્સલ સ્કેમ, જેનાથી બચવા કેન્દ્ર સરકારે આપી છે ચેતવણી
Image: FreePik |
Cyber Crime: ઓનલાઈન સ્કેમર્સે છેતરપિંડી કરવાની પદ્ધતિઓમાં ફેરફાર કરી લોકોને છેતરી રહ્યા છે. સરકાર જેટલી ઝડપથી ઓનલાઈન છેતરપિંડી પર કાર્યવાહી કરે છે, તેટલી જ ઝડપથી છેતરપિંડીની નવી પદ્ધતિઓ બજારમાં આવે છે. આમાંથી એક પાર્સલ કૌભાંડ છે, જેને લઈને સરકારે ચેતવણી જાહેર કરવી પડી છે.
નકલી પોલીસ બની છેતરપિંડી
જેમાં નિર્દોષ લોકોને તેમના પાર્સલમાં ડ્રગ્સ હોવાની માહિતી આપીને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. લોકો ડ્રગ્સના નામે ડરી જાય છે અને સાયબર ફ્રોડ કરનારાઓની જાળમાં ફસાઈ જાય છે અને પૈસા ગુમાવે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) નકલી કસ્ટમ્સ ઓફિસર અથવા પોલીસમેન તરીકે લોકોને લુંટતા હતા.
સીબીઆઈસીના જણાવ્યા અનુસાર, તાજેતરના સમયમાં આવી ઘણી માહિતી પ્રકાશમાં આવી છે, જેમાં ઓનલાઈન છેતરપિંડી કરનારાઓએ નકલી કસ્ટમ્સ ઓફિસર અથવા પોલીસમેન બની ભોગ બનનારને મેસેજ કે કોલ કરી કહેતાં કે, તેના નામે એક પાર્સલ આવ્યું છે. તેમાંથી ડ્રગ્સ અને નશીલા પદાર્થો મળી આવ્યા હતા. હવે તેની સામે પોલીસ કાર્યવાહી શરૂ થવાની છે. જો તમારે તેમાંથી બચવુ હોય તો અમને પૈસા મોકલો. આવી વાતો સાંભળીને ઘણા લોકો ડરી ગયા અને પાર્સલની છેતરપિંડીનો શિકાર બનીને લાખો રૂપિયા ગુમાવ્યા છે.
નકલી કોલ આવે તો તુરંત સાયબર સેલને જાણ કરો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે લોકોએ કાયદા અમલીકરણ એજન્સીઓને આવા નકલી કોલની જાણ કરવી જોઈએ. આવા ગુનેગારો લોકોને ડરાવીને તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ પીડિતો પર દબાણ લાવે છે અને તેને ઓનલાઈન મોટી રકમ ટ્રાન્સફર કરવાનું કહે છે. ડ્રગ્સની સાથે ગેરકાયદે સોના-ચાંદીના નામે પણ લોકોને છેતરવામાં આવ્યા છે. આ લોકો પીડિતોને સીબીઆઈ અને આરબીઆઈના નામે નકલી કાગળો પણ મોકલે છે જેથી તે તેમના પર વિશ્વાસ કરી શકે. સીબીઆઈસીએ સ્પષ્ટતા કરી હતી કે તેમના તરફથી આવા કોલ ક્યારેય કરવામાં આવતા નથી.
એન્જિનિયરને રૂ. 27.9 લાખનો ચૂનો લાગ્યો
પુણેમાં કામ કરતા આઈટી એન્જિનિયર આ પાર્સલ સ્કેમનો ભોગ બન્યો હતો. ઓનલાઈન ફ્રોડ કરનારાએ તેને રૂ. 27.9 લાખનો ચૂનો લગાવ્યો છે. સ્કેમર્સે મુંબઈ પોલીસની સાયબર ક્રાઈસ સેલમાંથી હોવાનો દાવો કરતાં આઈટી એન્જિનિયરને ધમકાવ્યો હતો કે, તાઈવાનથી મુંબઈ આવેલા પાર્સલમાં ડ્રગ્સ છે. આ પાર્સલ તેના નામે આવ્યુ હોવાથી તેની ધરપકડ કરવાની ધમકી આપી હતી. જેથી ભયભીત એન્જિનિયરે બચવા માટે આ સ્કેમર્સે માંગ કરેલી રૂ. 27.9 લાખ મોકલી આપ્યા હતા.