પ્રદૂષણ મામલે પંજાબ સરકારની વાત સાંભળતા જ સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, કહ્યું ‘અહીં ખેડૂતોની સુનાવણી થઈ રહી નથી...’
પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે પંજાબને ઝાટકી, કહ્યું, ‘ખેડૂતોને ખલનાયક બનાવવામાં આવી રહ્યાં છે’
કોર્ટે પંજાબ સરકારને કહ્યું, બિહારમાં ખેડૂતો પાસે આધુનિક મશીનો નથી, છતાં ત્યાં પરાળી સળગાવવાની ઘટના ઓછી બને છે
નવી દિલ્હી, તા.21 નવેમ્બર-2023, મંગળવાર
દિલ્હી (Delhi) અને તેના આસપાસના વિસ્તારમાં એક દિવસ પહેલા હવા વધારે ખરાબ થઇ હતી. ગુરૂગ્રામને છોડીને દિલ્હી સહિત NCRના તમામ મુખ્ય શહેરોમાં હવાની ગુણવત્તા ઘણી ખરાબ શ્રેણીમાં છે. દેશના કેટલાક રાજ્યમાં વધતા વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટ (Supreme Court) કડક થયુ છે. તે સતત આ કેસની સુનાવણી કરીને રાજ્યોને ફટકાર લગાવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકાર (Punjab Government)ને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂતોને ખલનાયક બનાવવામાં આવી રહ્યાં છે.
આઠ હજારથી વધારે બેઠક કરવામાં આવી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટમાં ખેડૂતોની સુનાવણી નથી થઇ રહી. પરાલી સળગાવવા (Parali Burning) માટે તેમની પાસે કેટલાક કારણ તો હોવા જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પંજાબ સરકારનો રિપોર્ટ જણાવે છે કે ખેડૂત અને ખેડૂત નેતાઓ સાથે 8481 બેઠક કરવામાં આવી છે. આ બેઠકનો ઉદ્દેશ્ય આ હતો કે જેથી તેમણે એસએચઓ દ્વારા પાકની પરાલી ના સળગાવવા માટે સમજાવી શકાય.
પરાળી સળગાવવાની ઘટનામાં વધારો
કોર્ટે આદેશમાં કહ્યું કે ખેતરમાં પરાળી સળગાવવાની ઘટનામાં ઘટાડો થયો નથી. પરાલી સળગાવવા માટે જમીન માલિકો વિરૂદ્ધ 983 ફરિયાદ નોંધવામાં આવી છે. બે કરોડ રૂપિયા કરતા વધુનું પર્યાવરણ દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં 18 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે બિહારના ખેડૂતોની પ્રશંસા કરી
સુપ્રીમ કોર્ટે આ સાથે જ બિહાર (Bihar)ના ખેડૂતોની પ્રશંસા કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “ત્યાં ખેડૂતો પાસે આધુનિક મશીનો નથી પણ ત્યા પરાલી સળગાવવાની ઘટના ઘણી ઓછી હોય છે.”