એક જ દિવસમાં બે પક્ષોનો કોંગ્રેસમાં વિલય, બે પૂર્વ સાંસદો અને એક ભાજપના પૂર્વ મંત્રી પણ જોડાયા
ઉત્તર પ્રદેશની ‘જન અધિકાર પાર્ટી’, જમ્મુ-કાશ્મીરની ‘ડોગરા સ્વાભિમાન સંગઠન’નું કોંગ્રેસમાં વિલય
પાંચ વખતના સાંસદ પપ્પુ યાદવ, સાંસદ દાનિશ અલી, પૂર્વ ભાજપ મંત્રી ચૌધરી લાલ સિંઘ કોંગ્રેસમાં જોડાયા
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા જાહેર થયેલા ઉમેદવારો મતદારોને રિઝવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે, તો જુદા જુદા પક્ષોએ અન્ય પક્ષો અને નેતાઓને પોતાના પક્ષમાં જોડાવાની કવાયતો પણ તેજ બનાવી દીધી છે. ત્યારે આજે એક જ દિવસમાં ત્રણ મોટા નેતાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસમાં બે પક્ષોનો વિલય થતાં અને ત્રણ દિગ્ગજ ચહેરાઓ જોડાયા બાદ પાર્ટીને મોટી રાહત મળી છે.
આ બે પાર્ટીનું કોંગ્રેસમાં વિલય
કોંગ્રેસ (Congress)માં સામેલ થનારા ત્રણ દિગ્ગજ ચહેરામાં પપ્પુ યાદવ (Pappu Yadav), દાનિશ અલી (Danish Ali) અને ચૌધરી લાલ સિંઘ (Chaudhary Lal Singh)નો સમાવેશ થાય છે. આ દરમિયાન કોંગ્રેસમાં પપ્પુ યાદવની ‘જન અધિકાર પાર્ટી’નો વિલય થયો છે, તો જમ્મુ-કાશ્મીરના પૂર્વ ભાજપ નેતા ચૌધરી લાલ સિંઘએ પોતાના પક્ષ ‘ડોગરા સ્વાભિમાન સંગઠન’નો કોંગ્રેસમાં વિલય કરી દીધો છે.
પાંચ ટર્મના સાંસદ રહી ચુક્યા છે પપ્પુ યાદવ
કોંગ્રેસ માટે મહત્વની વાત એ છે કે, રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ પાંચ ટર્મના સાંસદ અને ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ બિહારના મોટા કદના નેતાઓમાંથી એક છે. તેઓ રાજ્યના સરહદી વિસ્તારોમાં મોટું રાજકીય પ્રભુત્વ પણ ધરાવે છે. તેઓ AICCના હેડક્વાર્ટરમાં કોંગ્રેસમાં આજે સામેલ થયા ત્યારે તેમના પુત્ર સાર્થક રંજન અને પાર્ટીના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દાનિશ અલી પણ કોંગ્રેસમાં જોડાયા
અમરોહા લોકકસભા બેઠકના સાંસદ દાનિશ અલી પણ આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બહુજન સમાજ પાર્ટી (BSP)એ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આક્ષેપ કરી ગત વર્ષે દાનિશ અલીને સસ્પેન્ડ કરી દીધા હતા. તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પણ જોડાયા હતા.
PDP-BJP સરકારમાં મંત્રી રહેલા ચૌધરી લાલ સિંઘ પણ ભાજપમાં સામેલ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ભાજપ નેતા ચૌધરી લાલ સિંઘ આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે પોતાની પાર્ટી ડોગરા સ્વાભિમાન સંગઠનનું કોંગ્રેસમાં વિલય કરી લીધું છે. તેઓ કોંગ્રેસની ટિકિટ પર 2004 અને 2009માં ઉધમપુર બેઠક પર થી બે વખત સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા. તેઓ 2014 વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ તેમણે પીડીપી-ભાજપ સરકારમાં મંત્રી પદ મેળવ્યું હતું.