બિહાર બંધના એલાન બાદ પટણામાં આગચંપી અને તોડફોડ, પપ્પુ યાદવની ધરપકડ
Bihar BPSC Bihar Bandh: બિહારના પૂર્ણિયામાંથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવે BPSC ઉમેદવારોના સમર્થનમાં બિહાર બંધનું એલાન કર્યું છે. તેમના સમર્થકો વિદ્યાર્થીઓ સાથે મળી બિહારમાં અલગ-અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે, બાદમાં પોલીસે પપ્પુ યાદવને કસ્ટડીમાં લીધા હતાં આ દેખાવોમાં અનેક જગ્યાએથી આગચંપીના અહેવાલો મળ્યા છે. વિદ્યાર્થીઓ સાથે તેમના સમર્થકોએ અશોક રાજપથ પર ટાયર્સ સળગાવ્યા હતા.
પપ્પુ યાદવ BPSC ઉમેદવારોના સમર્થનમાં પરીક્ષા રદ કરવાની અને તેને ફરીથી યોજવાની માંગ કરી રહ્યા છે. પપ્પુ યાદવ સહિત ઘણા વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકોની અટકાયત કરવામાં આવી છે. 'બિહાર બંધ' અંગે પપ્પુએ જણાવ્યું હતું કે, 'સરકારનું રામ રામ સત્ય કરવાનું છે. જે લોકો વિદ્યાર્થી વિરોધી છે. તેમનું રામ-રામ સત્ય છે. બિહારની જનતા અને વિદ્યાર્થી રસ્તા પર છે. દરેક લોકો બિહાર બંધને સમર્થન આપી રહ્યા છે.'
પ્રશાંત કિશોર પર આકરા પ્રહારો
પ્રશાંત કિશોર પર આકરા પ્રહારો કરતાં પપ્પુ યાદવે કહ્યું કે, 'ચોર મચાયે શોર... પ્રશાંત કિશોર ભાજપનો સૌથી મોટો દલાલ છે.' ઉલ્લેખનીય છે, પ્રશાંત કિશોરે પણ આ મુદ્દે આમરણ ઉપવાસ કર્યા હતા. તેમની અટકાયત કરવામાં આવી હતી. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને મેદાંતામાં પણ ભરતી કરવામાં આવી હતી. જો કે, હવે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
બિહાર બંધ પર શું બોલી મીસા ભારતી?
પપ્પુ યાદવે બિહાર બંધના આહ્વાન પર આરજેડી સાંસદ મીસા ભારતીએ જણાવ્યું હતું કે, 'આજે રવિવાર છે, આથી તમામ શાળાઓ અને કોલેજ બંધ છે. તે એક લોકશાહી દેશ છે. દરેકની પાસે અધિકાર છે. તેઓ તે મુજબ કરી શકે છે.'
13 ડિસેમ્બરે બીપીએસસીની પરીક્ષા
ગતવર્ષે 13 ડિસેમ્બરે 70મી બીપીએસસીની એન્ટ્રસ પરીક્ષા થઈ હતી. રાજધાની પટનાના એક સેન્ટરની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદથી નારાજ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ સંપૂર્ણ પરીક્ષા રદ કરવાની માગ કરી છે. દેખાવકારોના વિરોધ પ્રદર્શનો અમુક વિસ્તારોમાં આક્રમક પણ બન્યા છે.