'...તો 24 કલાકમાં ખતમ કરી દઈશ...' બાબા સિદ્દિકીની હત્યા બાદ લોરેન્સને દિગ્ગજ સાંસદની ચેલેન્જ
Pappu Yadav On Baba Siddique Murder: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ત્રણ વખતના ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકીની હત્યા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહ્યો છે કે આટલા મોટા નેતાની હત્યા થઈ શકે તો રાજ્યમાં નાગરિકો કેટલા સુરક્ષિત છે? આ દરમિયાન બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પપ્પુ યાદવે કહ્યું છે કે જો કાયદો પરવાનગી આપે તો હું 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટકાના ગુનેગારોનું આખું નેટવર્ક ખતમ કરી દઈશ.
સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે X પર લખેલી પોતાની પોસ્ટમાં વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે અપશબ્દો વાપરતા લખ્યું કે, એક ગુનેગાર જેલમાં બેસીને લોકોને પડકારે છે, લોકોને મારી નાખે છે, પરંતુ દરેક વ્યક્તિ મૂક પ્રેક્ષક બનીને બેસી રહ્યો છે. પપ્પુ યાદવે કહ્યું કે લોરેન્સ બિશ્નોઈએ ક્યારેક મૂસેવાલાને મારી નાખ્યો, ક્યારેક કરણી સેનાના વડાને માર્યો અને હવે ઉદ્યોગપતિ રાજકારણીને મારી નાખ્યો.
આ પણ વાંચો: 'તમે મોટી ભૂલ કરી, બિશ્નોઈ સમાજની માફી માગી લો...', ભાજપ નેતાની સલમાન ખાનને સલાહ
પોસ્ટમાં પપ્પુ યાદવે કરી ચેલેન્જ
પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઈને બે ટકાનો ગુનેગાર ગણાવ્યો છે. આ જ પોસ્ટમાં, તેણે ગેંગસ્ટરને પડકાર ફેંક્યો અને કહ્યું કે જો કાયદો પરવાનગી આપે તો હું 24 કલાકની અંદર લોરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારનું આખું નેટવર્ક ખતમ કરી નાખીશ. આ પહેલા પપ્પુ યાદવે જે પોસ્ટ કરી હતી તેમાં તેણે બાબા સિદ્દીકીને બિહારનો પુત્ર ગણાવ્યો હતો. ખરેખર બાબા સિદ્દીકી બિહારના હતા અને બાદમાં મુંબઈ જઈને પોતાની રાજનીતિની શરૂઆત કરી હતી. જેમાં તેમણે મહારાષ્ટ્રના મહાજંગલરાજનું વર્ણન કર્યું હતું.