Get The App

પેપર લીક વિવાદ : નીટ-યુજી કાઉન્સેલિંગ મોકૂફ, વિદ્યાર્થીઓ મુંઝાયા

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
પેપર લીક વિવાદ : નીટ-યુજી કાઉન્સેલિંગ મોકૂફ, વિદ્યાર્થીઓ મુંઝાયા 1 - image


- 6 તારીખે કાઉન્સેલિંગ શરૂ થવાની શક્યતા હતી, હવે સુપ્રીમમાં આઠમીની સુનાવણી બાદ નિર્ણય

- સરકાર પરીક્ષા રદ ન કરવા મક્કમ, વિદ્યાર્થીઓમાં રોષ વધ્યો, અસમંજસની સ્થિતિ વચ્ચે આવતી કાલે સુપ્રીમ પર સૌની નજર

- સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને ખોરવીને એજ્યુકેશન માફિયાઓને મદદ કરવામાં આવી રહી છે, નીટ-યુજી ફરી યોજો : કોંગ્રેસ

- પાછું ઠેલવાયેલું નીટ-યુજી કાઉન્સેલિંગ સેશન આ મહિનાના અંત સુધીમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા

નવી દિલ્હી : નીટ-યુજીના પેપર લીકના વિવાદ વચ્ચે જે પણ ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે તેમના એડમિશનની પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવી શકે છે. અગાઉ કાઉન્સેલિંગ સેશન જુલાઇના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની શક્યતાઓ હતી, જોકે કાઉન્સેલિંગ ઓથોરિટી દ્વારા કોઇ તારીખ જાહેર નહોતી કરાઇ. હવે એવા અહેવાલો છે કે નીટ મુદ્દે ૮ તારીખે સુપ્રીમના નિર્ણય બાદ આ મહિનાના અંત સુધીમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. દેશમાં નીટના પેપર લીકને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, ઉમેદવારો ગેરરીતિનો આરોપ લગાવી પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે.

હાલ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, એવામાં જુલાઇના પ્રથમ સપ્તાહે નીટ યુજીની કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય ટાળવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં આ મહિનાના અંત સુધીમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જોકે નીટ યુજી કાઉન્સેલિંગ ઓથોરિટીએ કેમ મોડુ કરવામાં આવ્યું કે સમયમાં ફેરફાર કરાયો તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી. અગાઉના રિપોર્ટ મુજબ કાઉન્સેલિંગ સેશન ૬ જુલાઇના રોજ શરૂ થવાનું હતું. દરમિયાન આઠ જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટ નીટ પેપર લીક વિવાદ મુદ્દે પોતાનો ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. જેને પગલે હવે સુપ્રીમ કોર્ટના આઠમીના નિર્ણય બાદ જ નીટ યુજી કાઉન્સેલિંગની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. 

મેડિકલ ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમ જેમ કે એમબીબીએસ, બીડીએસ, આયુષ તેમજ અન્યોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા નીટ-યુજીની પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે પાંચ મેના રોજ યોજાયેલી નીટ-યુજીની પરીક્ષામાં પેપર લીક થયુ હોવાના આરોપ સામે આવ્યા હતા. હાલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને એનટીએ સામે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. વિવાદ વચ્ચે એનટીએના ડાયરેક્ટર જનરલ સુબોધ સિંહને હટાવવામાં આવ્યા હતા, જોકે ઉમેદવારોની માગ છે કે નીટ-યુજીની પરીક્ષા જ રદ કરીને ફરી યોજવામાં આવે છે. આ માગણીમાં વિપક્ષ પણ જોડાયો છે. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે માગણી કરી છે કે જે પણ પેપર લીક થયા તે તમામ કેસોની તપાસ સુપ્રીમની દેખરેખ હેઠળ કરવામાં આવે અને નીટ-યુજી પરીક્ષા ફરી યોજવામાં આવે. સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે દેશની શિક્ષણ વ્યવસ્થાને ખોરવીને એજ્યુકેશન માફિયાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સુપ્રીમમાં જુઠ બોલી રહ્યું છે કે નીટ-યુજીની પરીક્ષામાં માત્ર કેટલાક કેન્દ્રો પર જ ગેરરીતિ થઇ છે. જ્યારે એનટીએ અને કેન્દ્ર સરકારે સુપ્રીમમાં જવાબમાં કહ્યું છે કે નીટ-યુજી રદ ના કરી શકાય. આ સ્થિતિ વચ્ચે હવે મે મહિનામાં યોજાયેલી નીટ-યુજીની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન માટે કોલેજોની ફાળવણીની પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. જેની તારીખ આઠ જુલાઇના સુપ્રીમના નિર્ણય બાદ જાહેર કરવામાં આવી શકે છે. એક તરફ સુપ્રીમમાં મામલો પેન્ડિંગ છે, બીજી તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓમાં નિરાશા વધી રહી છે.

કાઉન્સેલિંગનું કોઇ નોટિફિકેશન બહાર નથી પડાયું : કેન્દ્રની સ્પષ્ટતા

નવી દિલ્હી : નીટ-યુજીના ઉમેદવારોનું કાઉન્સેલિંગ સેશન ૬ જુલાઇના શરૂ થવાનુ હતું પણ તેને મોકુફ રખાયું હોવાના અહેવાલો વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે નીટ માટેના કાઉન્સેલિંગની તારીખો માટે હાલ કોઇ જ નોટિફિકેશન જાહેર કરવામાં નથી આવ્યું. ગયા વર્ષે ૨૦ જુલાઇ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી. જોકે હાલ વિવાદ વચ્ચે વિલંબ થઇ રહ્યો છે, એવામાં કેન્દ્ર સરકાર દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે.


Google NewsGoogle News