Get The App

પન્નુનો હત્યા પ્રયાસ કેસ : ભારતનો હાથ હોવાનો આક્ષેપ કરતાં વોશિંગ્ટન પોસ્ટ ઉપર ભારતના ઉગ્ર પ્રહાર

Updated: May 1st, 2024


Google NewsGoogle News
પન્નુનો હત્યા પ્રયાસ કેસ : ભારતનો હાથ હોવાનો આક્ષેપ કરતાં વોશિંગ્ટન પોસ્ટ ઉપર ભારતના ઉગ્ર પ્રહાર 1 - image


- આ આક્ષેપો તદ્દન આધારહીન અને અતાર્કિક છે, તે કેસની તપાસ માટેની ઉચ્ચ સ્તરીય સમિતિને ભારત પૂરો સાથ આપે છે : વિદેશ મંત્રાલય

નવી દિલ્હી : ગુરુપતવત સિંઘ પન્નુની હત્યાના પ્રયાસમાં ભારતની સંડોવણી હોવાના આક્ષેપો કરતા વોશિંગ્ટન પોસ્ટના અહેવાલો અંગે ભારતે ઉગ્ર પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે, પૂરી માહિતી મેળવ્યા સિવાયના આ આક્ષેપો તદ્દન આધારહીન અને અતાર્કિક છે. અમેરિકામાં થયેલા તે પ્રયાસો અંગે, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, તે ઘટના અંગે તપાસ ચાલી જ રહી છે અને તે માટે ભારત સરકારે પણ એક ઉચ્ચ સ્તરીય સમિતિ નિયુક્ત કરી છે. અમે પણ નાગરિકોની સલામતી અંગેની અમેરિકા સરકારની ચિંતામાં સહભાગી છીએ.

પન્નુની હત્યાના પ્રયાસ અંગે ભારત ઉપર એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભારતની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા - રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ - આરએડબલ્યુ (રૉ) દ્વારા વિક્રમ યાદવ નામના એક શાર્પ શૂટરને રોકવામાં આવ્યો હતો. તેણે રૉ ના વડા સામંત ગોયેલે તે કામ માટે નિયુક્ત કર્યો હતો પરંતુ ગુરપત સિંઘ પન્નુ બચી ગયો હતો. જે સામે ભારતે ઉગ્ર વિરોધ પણ દર્શાવ્યો છે.

આ ઘટના ક્રમ અંગે અને વોશિંગ્ટન પોસ્ટના અહેવાલો વિષે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપતાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરેન જીન પીયરીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, આ અંગે તપાસ ચાલી રહી છે અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તે અંગે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે.

તેઓએ કહ્યું હતું કે ભારત અમેરિકાનું મહત્વનું વ્યૂહાત્મક ભાગીદાર છે. ભારત અને અમેરિકા સાથે મળી એક મહત્વાકાંક્ષી એજન્ડા અનુસરી રહ્યા છીએ. અને અનેકવિધ ક્ષેત્રે સહકાર સાધી રહ્યા છીએ. પન્નુની હત્યા પ્રયાસ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પીયરીએ કહ્યું હતું કે, આ ઘણી ગંભીર બાબત છે. ભારત સરકારે જણાવ્યું છે કે તે અંગેની તપાસમાં તે સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે, તે આ બાબતને ગંભીરતાથી લે છે અને તપાસમાં સાથ આપવા તૈયાર પણ છે.


Google NewsGoogle News