Get The App

ભારતમાં અહીં 200 રૂપિયામાં મળે છે હીરાની 'ખાણ', એક શ્રમિક રાતોરાત બની ગયો લખપતિ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
ભારતમાં અહીં 200 રૂપિયામાં મળે છે હીરાની 'ખાણ', એક શ્રમિક રાતોરાત બની ગયો લખપતિ 1 - image
Image Envato 

A laborer became a Millionaire overnight : હીરાની ખાણ માટે મધ્યપ્રદેશનું પન્ના પ્રખ્યાત છે. અને તે સંદર્ભે આજે મધ્યપ્રદેશનો એક શ્રમિક રાતોરાત લખપતિ બની ગયાના સમાચાર આવ્યા છે. હકીકતમાં પન્નામાં ખોદકામ દરમિયાન એક શ્રમિકને હીરા મળ્યા છે. અને આ હીરાની કિંમત 80 લાખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હરાજીમાં તેના ભાવ હજુ પણ વધુ મળી શકે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, જે ખાણમાંથી મજૂરને આ હીરા મળ્યા છે, તે ખાણ બે મહિના પહેલાં જ તેણે લીઝ પર લઈને ખોદકામ શરુ કર્યું હતું. 

મધ્યપ્રદેશના પન્ના શહેરમાં જો તમે હીરાની ખાણ ખરીદવા માંગતા હોવ તો, માત્ર 200 રૂપિયાના ભાડાપટ્ટે તે મેળવી શકો છો. તમે 200 રૂપિયા આપીને ખોદકામ કરી શકો છો. મહત્ત્વની વાત એ છે કે, કિંમતી હીરા શોધવા અહીં સામાન્ય બાબત છે અને ખોદકામ દરમિયાન ઘણીવાર અહીંથી હીરા મળી આવે છે અને લોકો રાતોરાત કરોડપતિ બની જાય છે.

જો કે, 200 રૂપિયામાં હીરાની ખાણ મેળવવા માટે થોડીક સરકારી પ્રક્રિયા કરવી જરુરી છે. ચાલો તમને જણાવીએ કે, પન્નામાં હીરાની ખાણની લીઝ ઉપર કેવી રીતે લઈ શકાય છે. તેમજ કઈ રીતે હીરા કાઢવામાં આવે છે, તેના પર કોનો કોનો અધિકાર છે અને કેટલી કમાણી થાય છે. અહીં અમે તમને તે માટેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ છીએ.

શું છે આ શ્રમિકની સ્ટોરી 

પન્નામાં જે શ્રમિકનું નસીબ ચમક્યું છે તેનું નામ રાજુ ગોંડ છે. રાજુ ગોંડના પિતા ચુનવડા ગોંડે બે મહિના પહેલાં જ હીરા ઑફિસમાંથી જમીન લીઝ ઉપર લીધી હતી. જો કે, રાજુ ટ્રેક્ટર ડ્રાઇવર છે, અને સાથે તે ખાણમાં ખોદકામનું કામ પણ કરે છે. જેમાં ખોદકામ દરમિયાન રાજુને એક ચમકતો જેમ્સ ક્વોલિટનો હીરો મળ્યો છે, જેની કિંમત 80 લાખ રૂપિયા છે. પરંતુ હરાજીમાં તેની હજુ વધુ કિંમત મળી શકે તેમ છે. હીરાની ખાણનો તેમનો પટ્ટો ક્રિષ્ના કલ્યાણપુર પટ્ટી વિસ્તારમાં છે. ખોદકામ દરમિયાન મળેલો આ હીરો 19 કેરેટ અને 22 સેન્ટનો મોટો હીરો છે.

હીરા ખાણની લીઝની કિંમત કેટલી છે?

હીરા અધિકારી ઑફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કોઈ પણ વ્યક્તિ પન્નામાં હીરા શોધવા માટે ખોદકામ કરી શકે છે, અને તેના માટે ખાણ ભાડાપટ્ટે લેવી પડે છે. આ લીઝ હીરા ઑફિસમાંથી લેવામાં આવે છે, અને ઑફિસ પન્નામાં આવેલી છે. આ લીઝ ફોટો, આધાર કાર્ડ અને 200 રૂપિયાની ફી સબમિટ કરવાથી મળી શકે છે. એક વર્ષના સમયગાળા માટે આ લીઝ મળે છે, અને તે ફરીથી ભાડાપટ્ટે મેળવી શકાય છે. 

તો કેવી રીતે શોધી શકાય છે હીરા

હીરા શોધવા માટે ઑફિસ દ્વારા 8 બાય 8 મીટરની જગ્યા ફાળવવામાં આવે છે, જ્યાં તમે તમને આપવામાં આવેલા ભાગમાં ખોદકામ કરી શકો છો. અહીં સરકારી ખાણ સહિત અનેક પ્રકારની ખાણ આવેલી છે. આ જમીન કોઈ પણ વ્યક્તિની હોઈ શકે છે અને સરકાર પણ આ જમીન ભાડાપટ્ટે આપે છે. ખાસ વાત એ છે કે, આ લીઝમાં ખોદકામ દરમિયાન બહાર કાઢવામાં આવેલી માટી તે જગ્યા પર પાછી નાખવી પડે છે, અને માત્ર હીરા જ બહાર કાઢી શકાય છે. 

જો હીરા નીકળે તો તેને કેવી રીતે વેચાય?

આ ખાણમાં ખોદકામ દરમિયાન જો હીરા મળી આવે તો તે હીરાને પન્ના જોઇન્ટ કલેક્ટર કચેરી ખાતે આવેલી હીરાની ઑફિસમાં જમા કરાવવાનો હોય છે. હીરાનું વજન કરી તેને જમા કરી લેવામાં આવે છે. ત્યાર બાદ થોડા સમય પછી સરકાર દ્વારા તેની હરાજી કરવામાં આવે છે. જેમાં તે હીરા વેચવામાં આવે છે. હરાજી માટે 5000 રૂપિયા ફી લેવામાં આવે છે. હરાજીમાં હીરાના વેચાણ પછી મળતી રકમમાંથી લગભગ 12 ટકા રોયલ્ટી બાદ કરીને, હીરા અધિકારી બાકીની 80 ટકા રકમ હીરા લીઝ ધારકના ખાતામાં જમા કરાવે છે. 

પન્નામાં કેટલા હીરા મળે છે

મધ્યપ્રદેશના પન્નાના 80 કિલોમીટરના વિસ્તારમાં ઘણી ખાણ આવેલી છે. જ્યાંથી સફેદ, ઑફ કલર અને કોકા કોલા રંગના હીરા મળી આવે છે. ઑફ કલરના હીરાને મેલા હીરા કહેવામાં આવે છે, અને તેના આધારે જ હરાજી કરવામાં આવે છે. અહીં ખોદકામ દરમિયાન મોટાભાગના લોકોને હીરા મળે છે. કેટલીકવાર 2-3 કરોડના હીરા પણ મળી આવ્યા છે. 


Google NewsGoogle News