તમામ પુલ-નાળાની જાળવણી નિયમો મુજબ થાય છે કે કેમ ? RTIથી માહિતી મંગાતા ફફડાટ

RTIમાં રસ્તાઓ ઉપર આવેલ નાના-મોટા પુલ, નાળાની સંખ્યા, મુખ્ય ઇન્સ્પેક્શન કરાયેલા નાના-મોટા પુલ, નાળાના નામ તેમનું લોકેશન, મે માસમાં ઇન્સ્પેક્શન કરાયેલા નાના-મોટા પુલ, ચોમાસા પછી ઇન્સ્પેક્શન કરાયેલા નાના-મોટા પુલ સહિતની માહિતી મંગાઈ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News

તમામ પુલ-નાળાની જાળવણી નિયમો મુજબ થાય છે કે કેમ ? RTIથી માહિતી મંગાતા ફફડાટ 1 - image

ગાંધીનગર, તા.26 ઓક્ટોબર-2023, ગુરુવાર

તાજેતરમાં જ પાલનપુર (Palanpur)માં નવનિર્મિત બ્રિજના સ્લેબ તૂટી પડતા 2 વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ચૂંટણી પહેલા મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના (Morbi Bridge Collapse) 142 જેટલા લોકોનો જીવ લીધા પછી ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા સૂઓ- મોટો કેસ દાખલ કરીને સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. ગુજરાતના બ્રિજો માટે યુનિફોર્મ પોલિસી બનવવાની માંગ સરકાર દ્વારા સ્વીકારીને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, દ્વારા 06.03.2023ના રોજ ઠરાવથી પૉલિસી બનાવી હતી. મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, અને જાહેર સત્તામંડળો હસ્તકના રસ્તાઓ ઉપર આવેલ નાના-મોટા પુલ, નાળા વગેરેના સમયાંતરે નિરીક્ષણ તથા જાળવણી કરવા બાબતના આ ઠરાવ તમામ પાલિકાઓને મોકલીને હાઈકોર્ટમાં એક સોગંદનામુ રજુ કર્યુ હતું.

રીટ પીટીશનમાં કોર્ટના સ્પેશિયલ હુકમ દ્વારા જેને પક્ષકાર બનાવાયા હતા તે સંજય ઇઝાવા દ્વારા 163 પાલીકાઓમાં RTI કરીને સરકારના આ સોગંદનામામાં દર્શાવામાં આવેલ નાના-મોટા પુલ, નાળા વગેરેના સમયાંતરે નિરીક્ષણ તથા જાળવણી કાર્ય અંગે આજદીન સુધી કરાયેલી કાર્યવાહીની માહિતી માંગવામાં આવેલ છે. 

અરજદાર દ્વારા RTI માં જે માહિતી માંગવામાં આવી છે તેમાં રસ્તાઓ ઉપર આવેલ નાના-મોટા પુલ, નાળાની સંખ્યા, મુખ્ય ઇન્સ્પેક્શન કરાયેલા નાના-મોટા પુલ, નાળાના નામ તેમનુ લોકેશન, મે માસમાં ઇન્સ્પેક્શન કરાયેલા નાના-મોટા પુલ, ચોમાસા પછી ઇન્સ્પેક્શન કરાયેલા નાના-મોટા પુલ, નાળાની સંખ્યા,ઇન્સ્પેક્શનની નકલો વગેરેનો સમાવેશ થાય છે. 

સક્ષમ અધિકારીઓ તથા સત્તાધિકારીઓ દ્વારા નિભાવવામાં આવેલ રજીસ્ટરની નકલ તથા રિપોર્ટની નકલ, પુલ-નાળા વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય કે નહીં એ અંગે રજીસ્ટરમાં કરાયેલી નોંધની નકલ માગી છે. જો કોઈપણ માહિતી ના હોઈ તો તેના ચોક્કસ કારણો મગાયા છે.

પુલ-નાળાની જવાબદારી કયા અધિકારીઓની આવે છે ?

સાથોસાથ નાના-મોટા પુલ, નાળાની જવાબદારી કોના કોના અધિકાર ક્ષેત્રમાં આવે છે તે અધિકારીના નામ, હોદ્દો અને કર્મચારી નંબર માંગ્યા છે. આ તમામ માહિતી માંગતી અરજીથી ભ્રષ્ટાચારમાં ડૂબેલા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ સુરેન્દ્રનગરમાં ડમ્પર પસાર થતું હતું તે સમયે વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો. આવી ઘટના પણ બની શકે છે, પણ સવાલ એ છે કે મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના પછી સરકાર દ્વારા તમામ બ્રીજોની મરમત અને જાળવવી અંગે એક પોલિસી બનાવી હતી આમ છતાં હજુ બ્રિજ ટૂટે છે એનો મતલબ એવું કે સરકાર ફક્ત કાગડીયા પર જ કામ કરી રહી છે.


Google NewsGoogle News