‘પાકિસ્તાનની શરણાગતિની તસવીર યોગ્ય સ્થાને મૂકી છે’, પ્રિયંકા ગાંધીના નિવેદન મુદ્દે સેનાનો જવાબ
Pakistan's Surrender Picture Issue: વિજય દિવસની ઉજવણી દર વર્ષે 16 ડિસેમ્બરે કરવામાં આવે છે. 1971માં પાકિસ્તાની સેનાએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું તેની યાદમાં આ દિવસ ઊજવવામાં આવે છે. એ દિવસે ભારતના ઐતિહાસિક વિજયને કારણે જ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. એ દિવસે પાકિસ્તાની સેનાએ ભારતીય સેના સામે શરણાગતિ સ્વીકારી હતી, જે એક ઐતિહાસિક તસવીર છે. જો કે, હાલમાં આ તસવીરને લઈને એક વિવાદ સર્જાયો છે, જે મુદ્દે ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે.
1971ના પાકિસ્તાનના શરણાગતિની જાણીતી તસવીરને ભારતીય સેનાના વડા મથકમાંથી હટાવવાના વિવાદ વચ્ચે ભારતીય સેનાના એડિશનલ ડાયરેક્ટોરેટ જનરલ (ADGPI) એ કહ્યું કે, ‘આ તસવીર હવે 'સૌથી યોગ્ય સ્થાન' પર લગાવાઈ છે. એટલે કે, આ તસવીર 'વિજય દિવસ' ના અવસર પર 'માણેકશા સેન્ટર'માં સ્થાપિત કરાઈ હતી.’
આ પણ વાંચો : વન નેશન, વન ઈલેક્શન બિલ મુદ્દે વ્હિપ પછીયે 20 સાંસદ ગેરહાજર, ભાજપ નોટિસ ફટકારશે
તસવીર 'સૌથી યોગ્ય સ્થાન' માણેકશા સેન્ટરમાં મૂકાઈ
ADGPIની પોસ્ટમાં કહ્યું હતું કે, ‘વિજય દિવસે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તેમની પત્ની અને AWWA પ્રમુખ સુનીતા દ્વિવેદીએ 1971ની શરણાગતિની પ્રતિષ્ઠિત તસવીર 'સૌથી યોગ્ય સ્થાન' માણેકશા સેન્ટર પર લગાવવામાં આવી છે. આ સેન્ટર વર્ષ 1971ના યુદ્ધના નાયક અને તેના આર્કિટેક્ટ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેનાના વરિષ્ઠ અધિકારીઓ, સેવા આપતા સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.’
માણેકશા સેન્ટરમાં મૂકવાથી વધુ લોકો જોઈ શકશે
સેનાએ સ્પષ્ટતા કરી કે, આ તસવીર ભારતીય સશસ્ત્ર દળોની ભવ્ય જીત અને ન્યાય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ ઉપરાંત સેનાનું માનવું છે કે, આ તસવીરને માણેકશા સેન્ટરમાં મૂકવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓને તેનો લાભ મળી રહેશે.
શું છે માણેકશા સેન્ટર?
માણેકશા સેન્ટર નવી દિલ્હીમાં આવેલું છે, અને તેનું નામ ફિલ્ડ માર્શલ SHFJ માણેકશાના માનમાં રાખવામાં આવ્યું છે, જે 1971ની જીતના મુખ્ય હીરો હતા.
કોંગ્રેસે ઉઠાવ્યો હતો આ મુદ્દો
આ તસવીર અગાઉ દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટરમાં લગાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શૂન્યકાળ દરમિયાન લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે, સોમવારે નેપાળના આર્મી ચીફની ભારતીય આર્મી હેડક્વાર્ટરની મુલાકાત દરમિયાન આ પેઇન્ટિંગ ત્યાં ન હોવાથી લોકોનું ધ્યાન ખેંચાયું હતું.
આ પણ વાંચો : ભારતે ‘વિજય દિવસ’ ઉજવતા બાંગ્લાદેશ ગુસ્સે! PM મોદીની પોસ્ટ પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
ત્યાં 'કર્મક્ષેત્ર' નામનું નવું પેઈન્ટિંગ મૂક્યું છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યાં પહેલા 1971ના યુદ્ધનું તસવીર લગાવાઈ હતી. ત્યાં હવે 'કર્મક્ષેત્ર' નામનું એક નવું પેઇન્ટિંગ લગાવવામાં આવ્યું છે. આ પેઈન્ટિંગમાં પેંગોંગ ત્સો તળાવ અને બરફથી ઢંકાયેલા પર્વતો સાથે સાથે આ પેઇન્ટિંગમાં ચાણક્ય અને ગરુડને દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય તેમાં ભગવાન કૃષ્ણને અર્જુનનો રથ ચલાવતા બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની આજુ બાજુ ટેન્ક અને હેલિકોપ્ટર જોવા મળી રહ્યા છે.
વિવાદ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવા માટે સેનાનો જવાબ
સેનાના આ સ્પષ્ટતા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આર્મી હેડક્વાર્ટરમાંથી તસવીરને હટાવવાની બાબત કોઈ વિવાદનો ભાગ નથી, પરંતુ તેને 'સૌથી યોગ્ય જગ્યાએ' લઈ જવામાં આવી છે, જેથી વધુને વધુ લોકો આ તસવીર જોઈ શકે. સેનાએ કહ્યું છે કે, ઐતિહાસિક મહત્ત્વ અને યોગ્ય સન્માન આપવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.